Western Times News

Gujarati News

ઝઘડિયાના મુલદ નજીક અજાણ્યા વાહનની અડફેટે યુવકનું મોત થતા લોકો વિફર્યા

(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકા માંથી પસાર થતા ધોરીમાર્ગ પર છાસવારે અકસ્માતો સર્જાતા રહે છે.ગતરોજ તાલુકાના મુલદ ગામે કોઈ અજાણ્યા વાહને અડફેટમાં લેતા ગામના પ્રકાશભાઈ વસાવા નામના યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજયું હતું.ગતરોજ રાતના સાડા સાત વાગ્યા આસપાસ બનેલ આ ઘટનાની વિગતો મુજબ આ યુવક પાન પડીકી ખાવા ગયો હતો.

ત્યાર બાદ રોડ ઓળંગતા સમયે કોઈ અજાણ્યા વાહનની અડફેટે લોહી લુહાણ હાલતમાં ઈજાગ્રસ્ત થયેલ પ્રકાશનું ઘટના સ્થળેજ મોત થયું હતું.અકસ્માતની જાણ થતાં ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.રોષે ભરાયેલા ગ્રામજનોએ રોડ પર ટાયરો સળગાવીને ચક્કાજામ કર્યો હતો.ઘટનાની જાણ થતા ઝઘડિયા પોલીસે તાત્કાલિક સ્થળ પર જઈને રોષે ભરાયેલા ગ્રામજનોને સમજાવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો.

ઝઘડિયા તાલુકામાં છાશવારે સર્જાતા અકસ્માતોમાં અત્યારસુધી અનેક નિર્દોષ લોકોના મોત થયા છે.યોગ્ય સ્પિડ બ્રેકરો બનાવીને બેફામ દોડતા વાહનોને અંકુશમાં લવાય એવી માંગ લોકો કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે આ ધોરીમાર્ગ પર ઓવરલોડ જથ્થો ભરીને બેફામ દોડતા વાહનોની સમસ્યા લાંબા સમયથી પ્રવર્તમાન છે.

ત્યારે નિયમોનો ભંગ કરીને દોડતા વાહનોને લઇને અવારનવાર સર્જાતા નાનામોટા અકસ્માતો અટકાવવા તંત્રએ લાલ આંખ કરવાની જરુર છે. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો ધોરીમાર્ગ ભરૂચ અંકલેશ્વર જેવા મથકો સાથે જાેડતો માર્ગ છે.આ માર્ગ ચોવીસ કલાક વાહનોની રફતારથી ધબકતો રહે છે.

ખનીજ વહન કરતા તાલુકાના સ્થાનિક વાહનો ઉપરાંત રાજપિપલાની આગળ બોડેલી તરફથી આવતા રેતીવાહક તેમજ અન્ય ભારદ્વારી વાહનો પૈકી ઘણા વાહનો ઓવરલોડ જથ્થો ભરીને તેમજ ઘણા વાહનો ઉપર તાડપત્રી બાંધ્યા વિના આવજાવ કરે છે, છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવાતા નથી એવી લાગણી લાંબા સમયથી જનતા અનુભવી રહી છે.ત્યારે તાલુકામાં વધતા જતા અકસ્માતો નિવારવા હવે તંત્રએ કડક વલણ અપનાવવું જ પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.