Western Times News

Gujarati News

‘SAY NO TO DRUGS, YES TO LIFE’ થીમ ખરા અર્થમાં યુવાનો અને તેમના દ્વારા સમગ્ર સમાજમાં પ્રસરશે-

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદ પોલીસ દ્વારા આયોજિત ‘નાઈટ હાફ મેરેથોન’ને કરાવ્યું ફ્લેગ ઑફ

ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, અમદાવાદના ધારાસભ્યો, ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીએ વધાર્યો દોડવીરોનો ઉત્સાહ-૨૧, ૧૦ અને ૫ કિમી.ની કેટેગરીમાં આશરે ૭૫,૦૦૦ નાગરિકોએ કરાવ્યું રજિસ્ટ્રેશન

અમદાવાદમાં આયોજિત નાઈટ હાફ મેરેથોનને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે દોડવીરોનો ઉત્સાહ વધારતા મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું હતું કે, સૌપ્રથમ તો પોલીસ વિભાગને અભિનંદન છે. કારણ કે તેમના દ્વારા ‘SAY NO TO DRUGS, YES TO LIFE’ જે થીમ પસંદ કરાઈ છે

તે ખરા અર્થમાં યુવાનો અને તેમના દ્વારા સમગ્ર સમાજમાં પ્રસરશે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ અનુસાર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત બનાવવા માટેનો આ પ્રશંસનીય પ્રયાસ છે. મુખ્યમંત્રી શ્રીએ હાફ મેરેથોનના આયોજન બદલ અમદાવાદ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા.

યુવાનો ડ્રગ્સના વ્યસનની ચુંગાલમાંથી બહાર આવે તે માટે ‘Youth against Drugs’ના સ્લોગન સાથે અમદાવાદ સિટી પોલીસ દ્વારા અમદાવાદ રિવરફ્રન્ટ પર નાઈટ હાફ મેરેથોનનું આયોજન કરાયું. જેમાં ૨૧, ૧૦ અને ૫ કિમી.ની કેટેગરીમાં ૭૫,૦૦૦થી વધુ નાગરિકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

મેરેથોનના મંચ પરથી સંબોધન કરતા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર પોલીસ દ્વારા આયોજિત આ મેરેથોનમાં દોડવીરોના ઉત્સાહને કારણે ડ્રગ્સ સામેની લડાઈ માટે અમારો ઉત્સાહ વધી ગયો છે. તેમણે આહવાન કર્યું કે, આપણે ડ્રગ્સ નહિ પણ સ્પોર્ટ્સનું વલણ અપનાવીએ.

ડ્રગ્સ સામેની લડાઈમાં આપણે એક થઈને લડવાનું છે. હાફ મેરેથોનના ભવ્ય આયોજન બદલ તેમણે અમદાવાદ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા.

હાફ નાઈટ મેરેથોનમાં હજારો દોડવીરોને જોમ ચડાવવા માટે શ્રી કિંજલ દવે, શ્રી ભૂમિ ત્રિવેદી, શ્રી યશ સોની સહિત મનોરંજન જગતના કલાકારોએ પર્ફોમન્સ અને હાજરી દ્વારા ઉપસ્થિત લોકોમાં જુસ્સો ભરી દીધો હતો.

મેરેથોનમાં વિશેષ આમંત્રીતો તરીકે રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણી, અમદાવાદ શહેરના ધારાસભ્ય સહુ શ્રી અમિત શાહ, શ્રી અમુલ ભટ્ટ, શ્રી જીતુ પટેલ, શ્રી પાયક કુકરાણી તથા અમદાવાદ શહેર મેયર શ્રી કિરીટભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી હિતેશ બારોટ, ડે. મેયર શ્રી ગીતાબેન પટેલ,

અમદાવાદ મનપાના શાસક પક્ષના નેતા શ્રી ભાસ્કર ભટ્ટ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે.કૈલાસનાથન, અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવ સહિત અમદાવાદ શહેરના જોઈન્ટ પોલીસ કમિશનરો, નાયબ પોલીસ કમિશનરો સહિત ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યમાં પોલીસ કર્મચારીઓએ હાજર રહી સમગ્ર આયોજન પાર પાડ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.