Western Times News

Gujarati News

ભૌતિકતા પૂર્ણ બનાવે છે,આધ્યાત્મિકતા પરિપૂર્ણ બનાવે છે: રાજ્યપાલ

GTUએ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રશિક્ષણ દ્વારા ખૂબ ઓછા સમયમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર સફળતા મેળવી છે: રાજ્યપાલશ્રી

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાના હસ્તે વિદ્યાર્થીઓને પદવી અને સુવર્ણપદક એનાયત

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો ૧૨મો દીક્ષાંત સમારંભ અમદાવાદમાં સાયન્સ સિટી  ખાતે યોજાયો

ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીના ૧૨મા દીક્ષાંત સમારોહમાં કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાના હસ્તે પદવી અને સુવર્ણપદક એનાયત કરાયા હતા.

434 કોલેજો, 3.70 લાખ વિદ્યાર્થીઓ અને 14,000 થી વધુ અધ્યાપકો ધરાવતી આંતરરાષ્ટ્રીય કક્ષાની આ યુનિવર્સિટીના દીક્ષાંત ઉદબોધનમાં શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ભૌતિકતા પૂર્ણ બનાવે છે, તો આધ્યાત્મિકતા પરિપૂર્ણ બનાવે છે. ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી એ વિજ્ઞાન અને ટેકનોલોજીની સાથે  ગત વર્ષથી ભારતીય સંસ્કૃતિ, ભારતીય દર્શન, પ્રાચીન ભારતીય જ્ઞાન, વેદ, પુરાણ અને ઉપનિષદના 12 અભ્યાસક્રમ શરૂ કર્યા છે. તેમણે કહ્યું હતું કે, આ યુનિવર્સિટી પરિપૂર્ણ વ્યક્તિને સંપૂર્ણ માનવ બનાવવાની દિશામાં પ્રયત્નશીલ છે.

જીટીયુના કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આ યુનિવર્સિટીએ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રશિક્ષણ દ્વારા ખૂબ ઓછા સમયમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર સફળતા મેળવી છે. એટલું જ નહીં, આંતરરાષ્ટ્રીય સંસ્થાન તરીકેની ખ્યાતિ મેળવી છે. અહીં એ ઉલ્લેખનીય છે કે, વર્તમાનમાં 307 વિદેશી વિદ્યાર્થીઓ જીટીયુમાં અધ્યયન કરી રહ્યા છે. ગત વર્ષે 30 દેશોના 117 વિદ્યાર્થીઓએ આ યુનિવર્સિટીમાંથી શિક્ષણ મેળવ્યું હતું.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, દીક્ષાંત સમારોહ એ વિદ્યાર્થીઓ ,શિક્ષકો અને તેમના માતા-પિતાની તપસ્યાનું પરિણામ છે. તેમણે વિદ્યાર્થીઓને સમાજમાં જઈને વિદ્યા વિસ્તારવા, માનવતાની ભલાઈ કરવા, રાષ્ટ્રના ઉત્થાન માટે પ્રયત્નશીલ રહેવા અને પરિવારનું ગૌરવ વધારવા આહ્વાન કર્યું હતું.

વિજ્ઞાન અને ટેકનોલોજીએ જીવનને સરળ કરી નાખ્યું છે, સાથે આધ્યાત્મિકતા ઉમેરાય એ આવશ્યક છે. સભ્યતા અને સંસ્કૃતિ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, સભ્યતા બાહ્ય છે જ્યારે સંસ્કૃતિ આંતરિક બાબત છે. શરીર એ સભ્યતા છે, અને આત્મા સંસ્કૃતિ. ભૌતિક વસ્તુઓ સભ્યતા છે અને આધ્યાત્મિક ઉન્નતિ એ સંસ્કૃતિ છે. જીવનમાં બંનેનો સમન્વય જ જીવનને પરિપૂર્ણતા આપે છે. ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીએ આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીથી નવા કીર્તિમાન પ્રસ્થાપિત કર્યા છે સાથોસાથ યુવા પેઢીને વેદ, શાસ્ત્રો અને ઉપનિષદનો પરિચય કરાવીને જીવનને પરિપૂર્ણ બનાવવાની દિશામાં પ્રયત્નો કર્યા છે, આ માટે તેમણે સંચાલકો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા.

ઉચ્ચ અને તકનીકી શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

આ પ્રસંગે ઉચ્ચ અને તકનીકી શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના શૈક્ષણિક જીવનનો ગૌરવપૂર્ણ દિવસ એટલે દીક્ષાંત સમારોહ. આ ગૌરવપૂર્ણ દિવસે આચાર્ય દેવવ્રત જેવા મહાપુરુષની ઉપસ્થિતિ હોય અને તેમના  આશીર્વાદ પ્રાપ્ત થાય એ ખૂબ જ મહત્ત્વની વાત છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ હેઠળ જીટીયુ એ શરૂઆત કરી હતી અને આજે ઉચ્ચ ટેકનિકલ ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરી છે તે સરાહનીય છે. જીટીયુ એ વિદ્યાર્થીઓને  ટેકનિકલ ક્ષેત્રે ઉમદા પ્રદર્શન કરવા અને ઓળખ ઊભી કરવા માટેનું એક ઉમદા પ્લેટફોર્મ પૂરું પાડે છે,

જેનાં થકી આજે વિદ્યાર્થીઓએ અવનવા ઇનોવેશન અને સ્ટાર્ટઅપ શરૂ કર્યા છે. આવા જ ઇનોવેશન અને સ્ટાર્ટઅપથી આપણે આગળ વધી રહ્યા છીએ અને દેશમાં નિકાસની ગતિને વેગ આપી રહ્યા છીએ સાથે સાથે રોજગાર લેનાર નહિ પરંતુ રોજગાર આપનારની ભૂમિકા ભજવી રહ્યા છીએ, તેમ તેમણે જણાવ્યું હતું.

જીટીયુ દ્વારા પ્રધાનમંત્રી કૌશલ વિકાસ અંતર્ગત નવી દિશાને વેગ આપવા અલગ અલગ ક્ષેત્રે શિક્ષણના કોર્સ શરૂ કરવામાં આવ્યા છે જેથી વિદ્યાર્થીઓ પોતાના મનપસંદ વિષયમાં પારંગત બને અને દેશના વિકાસમાં ભાગીદારી નોંધાવે તેમ મંત્રી શ્રીએ ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગઈકાલે રજૂ કરાયેલ બજેટ દેશના વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ ઇનોવેશન અને  શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી નીવડશે સાથે જ દેશ ૨૦૪૭ સુધીમાં સ્વતંત્રતાના ૧૦૦ વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધીમાં વિકાસશીલથી વિકસિત દેશોની સરખામણીમાં  આવશે તેવું તેમણે જણાવ્યું હતું.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આપણો દેશ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં G-20ની યજમાની કરી રહ્યો છે ત્યારે એ જ વર્ષે આપ સૌ પદવી મેળવી ભારતને નવા આયામો સુધી પહોંચાડવાનાં  પ્રયત્ન કરશો અને વિશ્વમાં તેની ઓળખ ઊભી કરવાના સફળ પ્રયત્નો કરશો તેવી અમને ખાતરી છે, એવો આશાવાદ મંત્રી શ્રી એ વ્યક્ત કર્યો હતો.

શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા

આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, આજે ટેકનોલોજીને રોજબરોજ આગળ લઈ જવાનું કાર્ય કરતી અને  વિદ્યાર્થીઓને તૈયાર કરતી એવી જીટીયુનાં ૧૨માં દિક્ષાંત સમારોહ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો તે બદલ આનંદ અનુભવું છું.

વધુમાં ઉમેર્યું હતું કે, ટેકનોલોજી એ એવી બાબત છે જે મોટામાં મોટી સમસ્યાનું નિરાકરણ લાવી સરળતાથી કાર્ય પાર પાડી શકાય છે અને સમયની બચત કરી શકાય છે.  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ હેઠળ આજે આપણે ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે, અવનવા સ્ટાર્ટઅપ અને ઇનોવેશનથી ભારત અવનવા અયામોને પરિપૂર્ણ કરી રહ્યો છે તે ખૂબ જ ગર્વની બાબત છે.

જીટીયુ દ્વારા સામાન્ય વિજ્ઞાનને આધ્યાત્મિક વિજ્ઞાન સાથે જોડી શિક્ષણ આપવામાં આવે છે, જેનાથી વિદ્યાર્થીઓ ભૌતિક, રાસાયણિક અને જૈવ વિજ્ઞાનની સાથે સાથે અધ્યાત્મિક વિજ્ઞાનનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરે છે અને અલગ અલગ પરિપેક્ષમાં વિચારતો થાય છે તેથી તેનો સર્વાંગી વિકાસ ખૂબ જ ઝડપથી થાય છે. જે ખૂબ જ મહત્વની બાબત છે તેમ તેઓએ જણાવ્યું હતું.

તેઓએ વિદ્યાર્થીઓને અને તેમના પરિવારજનોને અભિનંદન પાઠવ્યા હતા અને પોતાના જ્ઞાન અને કૌશલ્ય ઉપયોગ કરી દેશમાં પોતાનું યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.

મંત્રીશ્રીઓ દ્વારા ઉપસ્થિત આંગણવાડીની મહિલાઓને ભેટ આપવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને સ્વર્ણપદક એનાયત કરવામાં આવ્યા હતા. સમારંભ બાદ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મંત્રીશ્રીઓએ વિદ્યાર્થીઓના સ્ટાર્ટઅપ ઇનોવેશનનું અવલોકન કર્યું હતું તથા માહિતી પ્રાપ્ત કરી તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના અગ્ર સચિવશ્રી એસ. જે. હૈદર, આઇઆઇટી, ગાંધીનગરના ડાયરેક્ટર શ્રી રજત મુના, જીટીયુના વાઈસ ચાન્સેલર પંકજ રાય પટેલ, રજિસ્ટ્રાર શ્રી કે.એન. ખેર, અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.