Western Times News

Gujarati News

મુખ્યમંત્રીએ સચિવાલયના વર્ગ-4ના કર્મયોગીઓ સાથે વાતચીત કરી સાથે બેસીને ભોજન લીધું

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની આગવી સહજતા:- રાજ્ય સરકારના અદના કર્મયોગીઓ-સેવકો વર્ગ-૪ સાથે મુખ્યમંત્રીશ્રી નિવાસસ્થાને પ્રત્યક્ષ સંવાદ અને સ્નેહ ભોજનનો સંવેદના સ્પર્શી અભિગમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની સુશાસન-ગુડ ગવર્નન્સની પરિપાટીને સંવાદ સેતુ દ્વારા આગળ ધપાવતા શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના સાલસ અને સરળ-સહજ વ્યક્તિત્વ તથા દરેકને પોતીકાપણાના ભાવથી હળવા-મળવાની આગવી લાક્ષણિકતાથી ‘‘સૌના ભૂપેન્દ્રભાઇ’’ બની રહ્યા છે.

મુખ્યમંત્રીશ્રીની આવી જ નિખાલસતાનો સુખદ અને આગવો પરિચય રાજ્ય સરકારના પાયાના સ્તરના કર્મયોગી એવા વર્ગ-૪ સેવકોને ગાંધીનગરમાં થયો હતો.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલયના વર્ગ-૪ના કર્મયોગીઓને પોતાના નિવાસસ્થાને આમંત્રીત કરીને તેમની સાથે સહજ સંવાદનો સેતુ સાધ્યો અને સાથે બેસી સ્નેહ ભોજનનો પહેલરૂપ ઉપક્રમ પણ પ્રયોજ્યો હતો..

શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સુશાસન-ગુડ ગર્વનન્સની જે પરિપાટી ગુજરાતમાં ઊભી કરી છે તેને આવા અદના કર્મયોગીઓ સાથે પ્રત્યક્ષ સંવાદ અને તેમની સમસ્યા સમજવાના સુચારૂ સફળ પ્રયાસથી આગળ ધપાવી છે.

પાયાના કર્મયોગીઓ સાથે રાજ્યના મુખ્યમંત્રી સીધો સંવાદ કરે તે પ્રશસ્ય પહેલથી સૌ સેવકોમાં પણ આનંદની લાગણી પ્રસરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ વર્ગ-૪ ના સૌ કર્મયોગીઓને પ્રેરણા આપતાં કહ્યું કે, કામ કે ફરજને બોજારૂપ કે સ્ટ્રેસ તરીકે જોવાને બદલે સકારાત્મકતાથી અપનાવીને જ કામનો નિજાનંદ લઇ શકાય છે. ‘‘તમે સૌ સામાન્ય લોકોમાં સરકારની ઇમેજ-છબિ ઊભી કરનારા અદના પણ મહત્વના સેવક છો’’ એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.

વાણી-વર્તનની સૌજ્ન્યશીલતા, પાણી બચાવવું, વીજળીનો વિવેકપૂર્ણ ઉપયોગ અને અન્યો સાથે સૌહાર્દપૂર્ણ વ્યવહાર જેવી આદતો પણ રાષ્ટ્રસેવા જ છે એવો સ્પષ્ટ મત મુખ્યમંત્રીશ્રીએ સહજ સંવાદનો સેતુ પ્રસ્થાપિત કરતાં વ્યક્ત કર્યો હતો. તેમણે આ બધી બાબતોને જીવનનો ભાગ બનાવી લેવા પણ અપિલ કરી હતી.

આ પ્રસંગે મુખ્ય સચિવશ્રી રાજકુમાર, નિવૃત મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કૈલાસનાથને વિશેષ ઉપસ્થિત રહી કર્મયોગીઓને પ્રોત્સાહન પુરૂં પાડયું હતું.

મુખ્યમંત્રીશ્રી નિવાસસ્થાનના પ્રાંગણમાં યોજાયેલા આ સાદગીપૂર્ણ છતાં ગૌરવશાળી સંવાદ સેતુ ઉપક્રમમાં મંત્રીશ્રીના કાર્યાલયોના સેવકો તથા સચિવાલયના વિવિધ વિભાગોના સેવકોએ પણ પોતાના અનુભવો વર્ણવ્યા હતા. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ સૌ કર્મયોગીઓ સાથે સ્નેહ ભોજન પણ કર્યુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.