Western Times News

Gujarati News

ઠંડી-ભૂખથી ટળવળી રહેલા લોકોએ તુર્કી પાસે માગ્યો હિસાબ

નવી દિલ્હી, તુર્કી અને સીરિયામાં વિનાશકારી ભૂકંપમાં મૃત્યુઆંક ૧૫,૦૦૦ને પાર થયો છે. ઘાયલોની સંખ્યા ૩૫ હજારથી વધુ છે. બંને દેશોના ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં દેશી-વિદેશી રેસ્ક્યૂ ટીમ ૨૪ કલાક બચાવ કામગીરી કરી રહી છે પરંતુ સ્થિતિ એટલી ખરાબ છે કે, દરેક જગ્યાએ મદદ પહોંચવામાં વિલંબ થઈ રહ્યોછે.

નાગરિકોનો ગુસ્સો સરકાર સામે ફૂટી નીકળ્યો છે. લોકો પૂછી રહ્યા છે કે, ભૂકંપ સામે લડવાના નામે જે ટેક્સ વસૂલવામાં આવી રહ્યો હતો તેની રકમ ક્યાં છે? ઉલ્લેખનીય છે કે, તુર્કીએ ૧૯૯૯માં આવેલા ભયાનક ભૂકંપ બાદ નવો ટેક્સ લાગુ કર્યો હતો.

તેનાથી મળનારી રકમનો ઉપયોગ ભૂકંપ કે તેના જેવી અન્ય કોઈ કુદરતી આફત સામે લડવા માટે કરવાનો હતો. સત્તાવાર રૂપે આ ટેક્સનું નામ ‘સ્પેશિયલ કમ્યુનિકેશન ટેક્સ’ છે. મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે, આ ટેક્સથી આશરે ૮૮ બિલિયન લીરા (૪.૬ બિલિયન ડોલર) જેટલી રકમ એકત્ર કરવામાં આવી છે.

જાેકે, સરકાર એ જણાવતી નથી કે આ રકમ ક્યાં અને કેવી રીતે ખર્ચ કરવામાં આવે છે. ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં એક શખ્સે પૂછ્યું, ‘૧૯૯૯થી અમારી પાસેથી જે ટેક્સ લેવામાં આવે છે તે ક્યાં છે?’ ભૂકંપ પ્રભાવિત હાતે પ્રાંતના અંતક્યામાં ૬૪ વર્ષીય વૃદ્ધે કહ્યું, અમે ભૂકંપથી તો બચી ગયા છીએ પણ ભૂખ અને ઠંડીથી મરી જઈશું. આ નિવેદન પરથી સમજી શકો છો કે ત્યાં સ્થિતિ કેટલી ગંભીર હશે.

લોકોમાં રોષ વધી રહ્યો છે. લોકોની ફરિયાદો પર તુર્કીના પ્રેસિડેન્ટ રઝબ તૈયબ એર્દોઓને કહ્યું કે, હા, પહેલા કેટલીક સમસ્યા હતી પરંતુ તેમાં સુધારો કરવામાં આવી રહ્યો છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ અઢનોમ ઘેબ્રેસિયસે તુર્કી સરકારને ચેતવતાં કહ્યું કે, જે લોકો હજી પણ કાટમાળ નીચે દબાયેલા છે તેમને બચાવવા માટે સમય નીકળી રહ્યો છે. તુર્કી અને સીરિયાના કેટલાય શહેરોમાં તાપમાન શૂન્યથી નીચે પહોંચી ગયું છે.

સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે, હિમ વર્ષા અને વરસાદના કારણે ભૂકંપ ગ્રસ્ત વિસ્તારોમાં બચાવકાર્ય પર અસર પડી રહી છે. ભૂકંપનું કેંદ્રબિંદુ ગંજિયાતેપમાં હતું. ત્યાંના સ્થાનિકોનું કહેવું છે કે, તબાહીના ૧૨ કલાક પછી પણ તેમના સુધી મદદ પહોંચી નથી. કુદરતી આપદાથી પ્રભાવિત વિસ્તારોના કેટલાય લોકોનું કહેવું છે કે, રેસ્ક્યૂ ઓપરેશન ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યું છે અને પરિવારજનોને કાટમાળ નીચેથી કાઢવા માટે કોઈ મદદ નથી મળી રહી.

રસ્તા પણ તૂટી ગયા છે જેના લીધે દૂરના વિસ્તારોમાં મદદ પહોંચાડવામાં પણ મુશ્કેલી નડી રહી છે. જે લોકો વિનાશકારી ભૂકંપમાં બચી ગયા છે તે બર્ફીલા મોસમ સામે લડી રહ્યા છે. દુનિયાભરના ૭૨ દેશો તુર્કી અને સીરિયાને મદદ કરી રહ્યા છે.

આ દેશોમાંથી આવેલી મેડિકલ ટીમો, સૈનિકો અને ડોગ સ્ક્વોડ સાથે રાહતકર્મીઓ લોકોની મદદ માટે જીવ રેડી રહ્યા છે. મદદ કરનારા દેશોમાં યુરોપિયન યુનિયન, અમેરિકા, ઈઝરાયલ અને રશિયાનો સમાવેશ થાય છે. રેડ ક્રોસે સીરિયાના અલેપ્પો શહેરની એક હોસ્પિટલમાં ૧૦૦ લોકોની સારવાર માટે દવાઓ અને જરૂરી સાધન સામગ્રી મોકલી છે.

ઉપરાંત પ્રભાવિત વિસ્તારોમાં શિબિરો ઊભી કરાઈ છે ત્યાં ભોજન, ધાબળા, ગાદલા સહિત અન્ય સામાન મોકલવામાં આવી રહ્યો છે. ભૂકંપના કારણે તુર્કીની જમીન ૧૦ ફૂટ સુધી ખસી ગઈ છે. ઈટાલી નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ જિયોફિઝિક્સ એન્ડ વોલ્કેનોલોજીના પ્રમુખ પ્રોફેસર કાર્લો ડોગલિયોનીએ આ દાવો કર્યો છે. તુર્કી ૩ ટેક્ટોનિક પ્લેટ્‌સ ઉપર વસેલું છે.

આ પ્લેટ્‌સ છે- એનાટોલિયન ટેક્ટોનિક પ્લેટ, યૂરોશિયન અને અરેબિયન પ્લેટ. એનાટોલિયન પ્લેટ અને અરેબિયન પ્લેટ એકબીજાથી ૨૨૫ કિલોમીટર દૂર ખસી ગઈ છે. જેના લીધે તુર્કી પોતાની ભૌગોલિક જગ્યાથી ૧૦ ફૂટ ખસી ગયું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.