Western Times News

Gujarati News

જિલ્લા કલેકટર કે.એલ.બચાણીએ કપડવંજમાં હેરિટેજ વોકનું ઉદ્‌ઘઘાટન કર્યું

(પ્રતિનિધિ) નડિયાદ, જિલ્લા કલેકટ કે.એલ. બચાણીની આગેવાનીમાં કપડવંજ શહેરના ઐતિહાસિક સ્થાપત્યોને ઉજાગર કરવાના ઉમદા પ્રયત્નના ભાગરૂપે ટીમ અતુલ્ય વારસો, કપડવંજ કેળવણી મંડળ અને દાણી ફાઉન્ડેશનનાં સહયોગથી કપડવંજ નગરપાલિકા સાથે મળીને સૈફી લાયબ્રેરી, મોટી વોરવાડથી ગાંધી બાવલા થઈ કુંડવાવ સુધીની હેરિટેજ વોક યોજવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા કલેકટર કે.એલ. બચાણીએ જણાવ્યું કે હેરિટેજ વોકથી સ્થાનિક લોક લાગણીને વારસા સાથે જાેડીને કપડવંજના ઇતિહાસને જાગૃત કરવાની તક મળશે. કપડવંજ શહેરનો ટૂંકો ઐતિહાસિક પરિચય આપતા તેમણે જણાવ્યું કે મહાભારતમાં પણ કપડવંજનો ઊલ્લેખ મળે છે. સિદ્ધરાજ જયસિંહ, ગાયકવાડ અને અંગ્રેજ સરકારના શાસન હેઠળથી પસાર થયેલ કપડવંજ તેની બેજાેડ ગટર વ્યવસ્થા, વણાટ કામ, અકીક અને કાચ ઉદ્યોગ માટે જાણીતું રહ્યું છે.

બચાણીએ જણાવ્યું કે હિન્દુ, મુસ્લિમ અને જૈન સ્થાપત્યોના સંગમ સમી આ સાંસ્કૃતિક નગરીએ રાજેન્દ્રશાહ જેવા તેજસ્વી કવિ, વેપારી ઇશાક બંદુકવાલા અને શ્રી એચ. ઝારીવાળા તેમજ ફીલેન્થ્રોપીસ્ટ શ્રી મહેતા સહિતના મહાનુભાવોની જગતને ભેટ આપી છે. ત્યારે તમામ કપડવંજના નાગરિકોની ફરજ છે કે આ વારસાનું ગૌરવ સમજીને તેના જતન અને સંવર્ધન માટે સહિયારો પુરુષાર્થ કરવામાં આવે.

કપડવંજ નગરપાલિકા પ્રમુખ મોનિકાબેન પટેલે હેરિટેજ વોકમાં આવેલા તમામનું અભિવાદન કર્યું હતું અને કપડવંજ કેળવણી મંડળના પ્રમુખશ્રી ડૉ. હરીશ કુંડલીયાએ કપડવંજ શહેરના વારસા માટે પ્રયત્નશીલ અગ્રણી વીતાબેન દાણીને યાદ કર્યા હતા તથા આગામી દિવસોમાં જન ભાગીદારીથી કપડવંજ શહેરને યુનેસ્કો હેરિટેજ ટેગ અપાવવા માટેના પ્રયત્નો કરવા અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે કપડવંજ કેળવણી મંડળ, દાણી ફાઉન્ડેશન તથા નગર સેવા સદન, કપડવંજના સહકાર દ્વારા કપડવંજના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા માટે અમલીકરણ સંસ્થા તરીકે ગાંધીનગરની અતુલ્ય વારસો સંસ્થા દ્વારા કપડવંજ હેરીટેજ સીટી ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. જેના અંતર્ગત કપડવંજ નગરમાં હેરીટેજ વિશે અને લોક જાગરૂકતા કેળવવા માટે જુદી જુદી પ્રવૃતિઓ સમયાંતરે યોજાતી રહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.