Western Times News

Gujarati News

Rajkot : સિંહણ સ્વાતિએ સિંહ બાળને આપ્યો જન્મ

રાજકોટ, શહેરનાં પ્રદ્યુમન પાર્ક ઝૂમાં પારણું બાંધવાની મોસમ ખીલી છે. સિંહણ સ્વાતિએ સિંહ બાળને જન્મ આપ્યો છે. સિંહ હરીશ અને સિંહણ સ્વાતિના સંવનન થકી એક સિંહ બાળનો જન્મ થયો છે.

રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે ૧૨મી તારીખનાં રોજ એશિયાઇ સિંહએ સિંહ બાળને જન્મ આપ્યો હતો. મેયર ડૉ. પ્રદિપડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને બાગબગીચા અને ઝૂ સમિતિના ચેરમેન અનીતાબેન ગોસ્વામીએ સંયુક્ત યાદીમાં માહિતી આપીને જણાવ્યું હતું.

એશિયાઇ સિંહ નર હરીશ તથા માદા સિંહણ સ્વાતીના સંવનનથી ૧૦૫ દિવસના ગર્ભાવસ્થાના અંતે સિંહ માદા સ્વાતી દ્વારા તા.૧૨/૦૨/૨૦૨૩ના રોજ બપોર પછીના સમયે સિંહ બાળ જીવ ૦૧(એક)નો જન્મ થયેલ છે.

માતા સ્વાતી દ્વારા બચ્ચાની પૂરતી કાળજી રાખવામાં આવે છે. હાલ માતા તથા બચ્ચું બન્ને તંદુરસ્ત છે. ઝૂ વેટરનરી ઓફિસર તથા ટીમ દ્વારા માતા તથા બચ્ચાંનું સીસીટીવી દ્વારા રાઉન્ડ ધ કલોક મોનીટરીંગ કરવામાં આવે છે. સિંહણ સ્વાતીએ આ બીજી વખત બચ્ચાને જન્મ આપેલ છે. અગાઉ તા.૨૪/૦૯/૨૦૧૪ના રોજ સિંહ નર “નીલ” સાથેના સંવનનથી ત્રણ સિંહ બાળને જન્મ આપેલ હતા.

સામાન્ય રીતે સિંહ, વાઘ, દિ૫ડા જેવા બિલાડી કુળના મોટા પ્રાણીઓ સરેરાશ બેથી ત્રણ બચ્ચાંને જન્મ આ૫તા હોય છે. ખૂબજ ઓછા કિસ્સામાં એક બચ્ચું અથવા ચારથી પાંચ બચ્ચાંઓ જન્મતા હોય છે. રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતેનું કુદરતી જંગલ સ્વરૂપેનું નૈસર્ગીક વાતાવરણ એશીયાઇ સિંહ તથા સફેદ વાઘને અનુકુળ આવી જતા સમયાંતરે ખુબ જ સફળતાપૂર્વક સંવર્ધન થઇ રહેલ છે.

હાલ ઝૂ ખાતે એશીયાઇ સિંહ બાળ–૦૧નો જન્મ થતા એશીયાઇ સિંહની સંખ્યા ૧૫ થઇ ગયેલ છે. જેમાં પુખ્ત નર-૦૫, પુખ્ત માદા-૦૯ તથા બચ્ચા-૦૧નો સમાવેશ થાય છે.

આપને જણાવીએ કે, રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે.

જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત ૭.૫૦ લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.