Western Times News

Gujarati News

#Mahashivratri: મહા શિવરાત્રીનું આધ્યાત્મિક મહાત્મ્ય      

ભારત બહુવિધ સાંસ્કૃતિક વારસો ધરાવતો અને આધ્યાત્મ પ્રધાન દેશ છે. ભારતમાં જેટલા તહેવારોની ઉજવણી થાય છે તેટલા તહેવારોની ભાગ્યે જ કોઇ દેશમાં ઉજવણી થતી હશે. પ્રત્યેક તહેવાર લુપ્ત થઇ ગયેલ, વિસ્મૃત થઇ ગયેલ આધ્યાત્મિક રસમો અને દિવ્યતાને જાગૃત કરે છે. શિવરાત્રી આ તહેવારોમાંનો એક વિશિષ્ટ અને મુખ્ય તહેવાર છે.

શિવરાત્રીનું મંગલ પર્વ ભારતના લાખો મંદિરોમાં ભક્તિભાવથી મનાવાય છે. શિવના ભક્તો આ પર્વ પર ઉપવાસ, જાગરણ, પૂજા અને આરાધના કરી શિવની  ઉપાસના કરે છે. પરંતુ શિવની સાચી ઓળખથી ઘણા અજાણ છે. શિવ કોણ છે? શિવનો રાત્રી સાથે શું સબંધ છે? શિવરાત્રીના પર્વનું આધ્યાત્મિક રહસ્ય શું છે? તેનું સાચું મહાત્મ્ય જાણીએ.

પરમાત્મા શિવ કોણ છે.?……

પરમાત્મા શિવ નિરાકાર અને જ્યોતિર્બિંદુ સ્વરૂપ છે. સાકારમાં દર્શન અને પૂજા માટે શિવલીંગની પ્રતિમા બનાવેલ છે. શિવ રૂપમાં બિંદુ પણ ગુણોમાં સિંધુ છે. શિવનો અર્થ થાય છે કલ્યાણકારી. પરમાત્મા શિવ સર્વ માનવ આત્માઓના પરમ કલ્યાણકારી છે. તેઓ દુઃખહર્તા અને સુખકર્તા છે.

ભારતના ખૂણે ખૂણે શિવના મંદિરો આવેલા છે જે પરમાત્મા શિવના મહાન કર્તવ્યના સૂચક છે. જેમ કે અમરનાથ, સોમનાથ, પાપકટેશ્વર, મુક્તેશ્વર, મહાકાલેશ્વર, ત્રિભુવનેશ્વર, ભોલાનાથ વગેરે. શ્રીકૃષ્‍ણ અને મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામચંદ્રજીના ઇષ્‍ટદેવ પણ પરમાત્મા શિવ જ છે. ગોપેશ્વર અને રામેશ્વર જેવા વિશાળ શિવના મંદિરો આજે પણ તેના સાક્ષીરૂપે છે.

શિવને ત્રિમૂર્તિ શિવ કહે છે. જેની યાદગારરૂપે શિવલીંગ ઉપર ત્રિપુંડ કરવામાં આવે છે. બ્રહમા, વિષ્‍ણુ અને શંકરના રચયિતા હોવાથી શિવને ત્રિમૂર્તિ કહે છે. આમ, શિવ અને શંકર જુદા છે. શિવ રચયિતા છે. જ્યારે શંકર તેની રચના છે. શિવને કૈલાસ પર્વત ઉપર ધ્યાનસ્થ અવસ્થામાં દેખાડવામાં આવે છે. તે રચયિતા પરમાત્મા શિવનું જ ધ્યાન કરે છે. આમ, શિવ દેવોના દેવ મહાદેવ છે.

નિરાકાર પરમાત્મા શિવ સર્વ આત્માઓના પરમપિતા છે. ગુરૂનાનક આંગળીના ઇશારા સાથે કહે છે એક ઓમકાર સતનામ, ક્રાઇસ્ટ પણ “ગોડ ઇઝ લાઇટ’ કહે છે. યહુદીઓ અને ખ્રિસ્તીઓના ધર્મ પુસ્તકમાં પણ “જિહોવા’ પરમાત્મા જ્યોર્તિબિંદુ સ્વરૂપનું વર્ણન છે. મુસલમાન લોકો પણ મક્કા હજ કરવા જાય ત્યારે નમાજ પછી “સંગ-એ-અસ્વદ’ નામના નિરાકાર શિવલીંગ આકારના પથ્થરને નમન કરે છે. આમ, અન્ય ધર્મોમાં પણ જ્યોતિ સ્વરૂપને જ પરમાત્માની માન્યતા મળેલ છે.

શિવનો રાત્રી સાથે શું સબંધ છે?    

પરમાત્મા શિવ અજન્મા છે. અર્થાત્ તેઓ જન્મ મરણના ચક્રથી ન્યારા છે. તેઓ દિવ્ય અવતરણ કરે છે. પોતે સદા શિવ એટલે કે સદા જ્યોતિ સ્વરૂપ હોવાના લીધે અશરીરી છે. તેઓ અકર્તા અને અભોક્તા છે. શિવને સ્વયંભૂ કહે છે. તેઓ સ્વયં પ્રગટ થાય છે. અર્થાત્ સ્વયં અવતરણ કરે છે. શિવ પિતા પરમધામ નિવાસી છે. સૂર્ય, ચંદ્ર અને તારામંડળથી પણ પાર તેઓ છઠ્ઠા બ્રહ્મ મહાતત્વમાં પરલોક બ્રહ્મ લોકમાં નિવાસ કરે છે.

શિવરાત્રી એ નિરાકાર પરમાત્મા શિવના સૃષ્‍ટિ પર દિવ્ય અવતરણના યાદગારનું મહાન પર્વ છે. સમગ્ર સૃષ્‍ટિ પર જ્યારે અજ્ઞાન અંધકાર વ્યાપે છે, ચારેકોર ઘોર પાપાચાર, અત્યાચાર અને આતંકના કારણે માનવ આત્માઓ દુઃખી અને અશાંત થઇને પરમાત્માને પોકારે છે, હે પ્રભુ, આ દુઃખની દુનિયામાંથી પાર લઇ જાઓ.

ત્યારે ગીતામાં આપેલા વાયદા મુજબ જ્ઞાન સૂર્ય પરમાત્મા શિવ અજ્ઞાનતારૂપી અંધકારના વિનાશ માટે દિવ્ય અવતરણ કરે છે. વિકારી, અપવિત્ર દુનિયાને નિર્વિકારી, પાવન વિશ્વ બનાવવા તેમજ કળીયુગ, દુઃખધામના સ્થાને સતયુગ સુખધામની સ્થાપના માટે પરમાત્મા શિવ એક સાધારણ વૃધ્ધ તનનો આધાર લઇ અવતરિત થાય છે. જે તન(શરીર)નું નામ પ્રજાપિતા બ્રહ્મા રાખે છે.

બ્રહ્માના સાકાર માધ્યમથી રૂદ્ર જ્ઞાન યજ્ઞની રચના કરે છે. આમ, બ્રહ્મા ભગવાન શિવનો ભાગ્યશાળી શરીરરૂપી રથ હોવાના કારણે ભગીરથ અથવા શિવના નંદી તરીકે ઓળખાય છે. આમ, શિવ નિરાકારી છે પરંતુ તેમનું વાહન નંદી શરીરધારી છે.

શિવરાત્રી પર્વનું આધ્યાત્મિક રહસ્ય ઃ-

પરમાત્મા શિવ બિંદુરૂપ છે તેની યાદગારમાં ભક્તો શિવલીંગની આરાધના કરે છે. તેની ઉપર દુધ, બિલીપત્ર અને ધતૂરા અને કરણના ફુલ ચઢાવાય છે. જે સુગંધ રહિત અને નકામા હોય છે એટલે કે બૂરાઇઓ કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર આ પાંચ વિકારો જે આપણી પાસે છે તેને શિવ પર અર્પણ કરવાના છે. શિવરાત્રી પર ભાંગ પીને નશો કરવામાં આવે  છે. વાસ્તવમાં પરમાત્મા શિવના સત્ય જ્ઞાનના સ્મરણથી ખુશી અને આનંદના નશામાં રહેવાનું છે.

શિવરાત્રી નિમિત્તે કરાતા ઉપવાસનું આધ્યાત્મિક રહસ્ય એ છે કે પરમાત્મા જેઓ ઉપર વાસ કરે છે. અર્થાત્ પરમધામમાં રહે છે ત્યાં મન-બુધ્ધિને સ્થિર કરી તેમને યાદ કરવા અને બ્રહ્મચર્યવ્રત સાચો ઉપવાસ છે. બ્રહ્મચર્યના પાલનથી મનુષ્યાત્માને પરમાત્માનું સાંનિધ્ય પ્રાપ્ત થાય છે.

ભક્તો આ દિવસે સ્થૂળ જાગરણ કરે છે. વાસ્તવમાં અજ્ઞાન નિંદ્રામાંથી આત્માને જાગૃત કરી પરમાત્માને યાદ કરીએ એ જ સાચું જાગરણ છે. માત્ર એક રાત્રીના જાગરણથી કોઇ જ અવિનાશી પ્રાપ્તિ થતી નથી. વર્તમાન કળીયુગમાં મહાશિવરાત્રીનો સમય પસાર થઇ રહ્યો છે આ સમય દરમ્યાન આત્માને દિવ્ય જ્ઞાન દ્વારા જાગૃત કરવી તે જ સાચા અર્થમાં જાગરણ છે. આ આધ્યાત્મિક જાગરણથી જ મુક્તિ-જીવનમુક્તિની પ્રાપ્તિ થાય છે.

શિવાલય સંબંધી જોડાણનું ગુપ્ત રહસ્ય ઃ-

(૧) સફેદ નંદીઃ- સફેદ વસ્ત્રધારી પ્રજાપિતા બ્રહ્મા કે જેના તનમાં શિવનું અવતરણ થાય છે. તેનું તે પ્રતિક છે.

(૨) કાચબો ઃ- ચારે તરફ ભટકતી સ્થૂળ ઇન્દ્રિયોને કાચબાની માફક સમેટીને એક ચિત્તે પરમાત્મા સાથે તાદાત્મયનું તે પ્રતિક છે.

(૩) જળાધારીઃ- બુદ્ધિમાં શિવ દ્વારા અપાયેલ ઇશ્વરીય જ્ઞાન સદા રહે અને તે દ્વારા શિવની નિરંતર યાદ રહે તેનું તે પ્રતિક છે.

(૪) ત્રિપૂંડઃ- પરમાત્મા ત્રિકાળદર્શી અને ત્રિમૂર્તિ દેવતાઓના રચયિતા છે. તેની યાદગાર છે.

(૫) ધતૂરાના ફૂલ ઃ- મનુષ્યોમાં રહેલા વિકારો, બૂરી આદતો, પતિતપણું આદિ સર્વને પરમાત્મા પતિત પાવનના નાતે સ્વીકારી લઇ કોડીમાંથી હીરાતૂલ્ય બનાવે છે. તેની યાદગાર છે.

(૬) લિંગ કાળા રંગનું ઃ- મનુષ્યોના વિકારોરૂપી ઝેરને સમાવી લે છે તે દર્શાવે છે. તેના પ્રતિરોધ રૂપે જ દૂધ ચડાવાય છે.

(૭) ગણપતિની મૂર્તિઃ- શ્રીમત પર ચાલી વિપરિત વાતો પેટમાં સમાવી બારીકાઇથી નિરીક્ષણ કરી ખોટી વાતોને સ્થાને સત્ય બાબતોને જ ધારણ કરી વિધ્નોનો નાશ કરી વિઘ્ન નાશક બનવાનું સૂચન છે.

(૮) હનુમાનની મૂર્તિ ઃ- બ્રહ્મચર્ય પાલન, ઇન્દ્રિયો પર જીત મેળવી મહાવીર બની ઉપરામ અવસ્થા પામવા સૂચવે છે.

(૯) બિલીપત્રઃ- ત્રણ અથવા પાંચ પાનોવાળા બિલીપત્ર સૂચવે છે કે મન, બુદ્ધિ, સંસ્કાર ત્રણેય તેમજ પાંચેય કર્મેન્દ્રિયો પરમાત્મા શિવને સમર્પણ કરવાની જરૂર છે.

(૧૦) ઉપવાસઃ- ઉપવાસ નહીં પણ ઉપર વાસ અર્થાત ઉપર રહેવાવાળા પરમાત્મા સાથે બુદ્ધિથી સમીપ વાસ કરવાનું પ્રતિક છે.

(૧૧) જાગરણઃ- જાગરણ સૂચવે છે સદા જાગૃત રહી વિકારોરૂપી રાક્ષસ ઉપર વિજય મેળવી વિકર્માજીત બનો. એક દિવસ શિવરાત્રિ અને બાકીના દિવસ વિષરાત્રિ એ યોગ્ય નથી.

બ્રહ્માકુમારીઝ સંસ્‍થા પરમાત્મા શિવના અવતરણની  87 મી શિવજયંતિ મનાવી રહ્યુ છે ત્‍યારે આવો આપણે સૌ શિવના દિવ્‍ય કર્તવ્‍યને સમજી વિકારોના બંધનમાંથી મુકત બની પતિત પાવન શિવ પરમાત્‍માની શિક્ષાને જીવનમાં ધારણ કરીએ અને સાચી શિવરાત્રિ મનાવી સ્વયંનું ભાવિ ઉજ્જવળ બનાવીએ.

– ઓમ શાંતિ, બ્ર.કુ સુરેખાબેન પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય પંચમહાલ-ગોધરા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.