Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

સબંધો સુધારવા ભારતે પ્રથમ સબમરીન ઈન્ડોનેશિયા મોકલી

નવી દિલ્હી, દક્ષિણી ચીન સાગરને અનુલક્ષીને ચીનનો અનેક આસિયન દેશો સાથે વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન ભારતે એક પોટું પગલું ભરતા પોતાની પ્રથમ સબમરીન ઈન્ડોનેશિયા મોકલી છે. જણાવી દઈએ કે આસિયાન દેશોમાં રાજદ્વારી અને સૈન્ય પહોંચ વધારવાની ભારતની નીતિના ભાગરૂપે ભારતીય સબમરીન આઈએનએસ સિંધુકેસરી ઈન્ડોનેશિયાના જકાર્તા પહોંચી છે. ૩૦૦૦ ટન વજન ધરાવતું આઈએનએસ સિંધુકેસરી બુધવારના રોજ સુંડા ખાડી થઈને જકાર્તા પહોંચ્યું હતું.

ઈન્ડોનેશિયાની નૌકાદળે ટિ્‌વટ કરીને લખ્યું હતું કે, ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે ઈન્ડોનેશિયાની નૌકાદળ ભારતીય સબમરીન આઈએનએસ સિંધુકેસરીને જકાર્તામાં આવકારે છે.’ મળતી માહિતી પ્રમાણે આવું પ્રથમ વખત છે કે સબમરીનને આટલા અંતરે તૈનાત કરવામાં આવી છે. તેનાથી પાણીની અંદર યુદ્ધ લડવા માટે ભારતીય નૌકાદળની ક્ષમતાઓનો સહજ અંદાજાે લગાવી શકાય છે.

ઈન્ડોનેશિયમાં ભારતીય સબમરીનની તૈનાતી એટલા માટે મહત્વની છે કારણ કે દક્ષિણ ચીન સાગરના મોટા ભાગ પર ચીન પોતાનો દાવો કરે છે. તેને અનુલક્ષીને આસિયાન દેશો ઈન્ડોનેશિયા, ફિલિપિન્સ, વિયેતનામ, મલેશિયા, તાઈવાન અને બ્રુનેઈની સાથે ચીનનો વિવાદ પણ ચાલી રહ્યો છે. વાસ્તવમાં આ દેશો પણ દક્ષિણી ચીન સાગરના કેટલાક ભાગો પર પોતાનો દાવો કરે છે. તેથી દક્ષિણી ચીન સાગરને અનુલક્ષીને તણાવ છે અને ચીને એકતરફી રીતે અહીં અનેક કૃત્રિમ ટાપુઓ બનાવ્યા છે અને આ ટાપુઓ પર પોતાનું નૌકાદળ તૈનાત કર્યું છે.

ઈન્ડોનેશિયાના દરિયા કિનારે ભારતીય સબમરીનની તૈનાતી એવા સમયે થઈ રહી છે જ્યારે ફિલિપાઈન્સની ૨૧ મરીન જવાનોએ ગત સપ્તાહે બ્રહ્મોસ એન્ટી-શિપ સુપરસોનિક ક્રુઝ મિસાઈલની તાલીમ પૂર્ણ કરી છે. ૨૩ જાન્યુઆરીથી ૧૧ ફેબ્રુઆરી સુધી ચાલેલી આ તાલીમમાં ફિલિપાઈન્સના મરીન જવાનોને બ્રહ્મોસના સંચાલન અને જાળવણી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

ભારતે ફિલિપાઈન્સને બ્રહ્મોસ મિસાઈલ વેચી છે. ગત દિવસોમાં ભારતે સિંગાપોર નેવી સાથે અગ્નિ વોરિયર નામથી કવાયત પણ કરી હતી. આ સાથે જ ભારતના દળોએ મલેશિયા અને ઈન્ડોનેશિયા સાથે પણ યુદ્ધાભ્યાસ કર્યો છે. તેનાથી સ્પષ્ટ છે કે ભારત આસિયાન દેશોને મદદ કરી રહ્યું છે અને તે ચીનનો સામનો કરવાની તેની નીતિનો એક ભાગ છે. ભારત અને ઈન્ડોનેશિયાનું નૌકાદળ પણ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા પર સંયુક્ત રીતે પેટ્રોલિંગ કરે છે. ગત વર્ષે જ ભારતે ઈન્ડોનેશિયા સાથે બે વખત પેટ્રોલિંગ કર્યું હતું. SS2.PG

Copyright © All rights reserved. | Developed by Aneri Developers