Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

બે મહિનામાં દેશમાં ૩૦ વાઘના મૃત્યુ થયા, ચેતવણીનું કારણ નથી

નવી દિલ્હી, આ વર્ષની શરૂઆતના લગભગ બે મહિનામાં ભારતમાં ૩૦ વાઘના મૃત્યુ થયા છે. જ્યારે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીના અધિકારીઓનું કહેવું છે કે, વાઘના મૃત્યુની આ સંખ્યા કોઈ સંકટની ચેતવણીનું કારણ નથી. કારણ કે સામાન્ય રીતે જાન્યુઆરીથી માર્ચની વચ્ચે વાઘના મૃત્યુમાં વધારો થાય છે. આ સામાન્ય વાત છે. અત્યાર સુધીમાં કાન્હા, પન્ના, રણથંભોર, પેંચ, કોર્બેટ, સતપુરા, ઓરંગ, કાઝીરંગા અને સત્યમંગલમ ટાઈગર રીઝર્વમાંથી વાઘના મૃત્યુ નોંધાયા છે. આ ૩૦ વાઘના મૃત્યુમાંથી ૧૬ રિઝર્વની બહાર નોંધાયા હોવાનું સામે આવ્યું છે.

એક અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં સૌથી વધુ ૯ વાઘના મૃત્યુ મધ્ય પ્રદેશમાં નોંધાયા છે, ત્યારબાદ મહારાષ્ટ્રમાં ૭ વાઘના મોત થયા છે. મૃત્યુ પામેલા વાઘમાં બચ્ચાનો પણ સમાવેશ થાય છે. એનટીસીએના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વાઘના મૃત્યુની મોટી સંખ્યાનું કારણ છે કે તેમની પાસે વાઘની મોટી વસ્તી છે. આ વર્ષે મૃત્યુઆંકને લઈને ચિંતાજનક કંઈ નથી. વાઘની વસ્તી વધવાની સાથે મૃત્યુની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે.

એક અધિકારીએ જણાવ્યું હતુ કે, ડેટા દર્શાવે છે કે કોઈપણ વર્ષમાં વાઘના મૃત્યુની સૌથી વધુ સંખ્યા જાન્યુઆરીથી માર્ચ વચ્ચે થાય છે. આ સમય તેઓ તેમનો એરિયા છોડીને બહાર જાય છે. તેના લીધે વાઘ-વાધ વચ્ચે સંઘર્ષ થાય છે. તેમના એરિયાને લઈને પણ વાઘ વચ્ચે સંઘર્ષ થતા હોય છે. અધિકારીએ કહ્યું કે, દેશમાં વાઘની વસ્તી વાર્ષિક ૬ ટકાના દરે વધી રહી છે. વાઘનું સરેરાશ આયુષ્ય માત્ર ૧૨ વર્ષ જ હોય છે. SS2.PG

Copyright © All rights reserved. | Developed by Aneri Developers