Western Times News

Gujarati News

મિલેટ્સ(તૃણ ધાન્ય પાકો)ના અનેરા સ્વાસ્થ્ય લાભો વિશે લોકોને અવગત કરાયા

નાગલી(રાગી), વરી, કોદરા, કાંગ, જુવાર, રાગી, બાજરી, સામો, બંટી, ચીણો જેવા તૃણ ધાન્ય પાકોની ખેતી અંગે ખેડૂતોને તલસ્પર્શી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું

‘મિલેટ્સ(તૃણ ધાન્ય પાકો) વજનમાં હલકા છે, સ્વાસ્થ્યમાં હલકાં નથી’ એ વાત લોકોને પરિસંવાદ અંતર્ગત સમજાવવામાં આવી

સમગ્ર દેશમાં વર્ષ 2023 ને આંતરરાષ્ટ્રીય મિલેટ યર તરીકે ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં હતો. આ પરિસંવાદ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યાં હતા.

પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં વિરમગામના ધારાસભ્યશ્રી હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2023 ને આંતરરાષ્ટ્રીય મિલેટ યર તરીકે ઉજવવા આહવાન કર્યું છે. ‘મિલેટ’ વિશે, તેની ખેતી વિશે અને તેના લાભો વિશે ખેડૂતો વધુને વધુ જાગૃત થાય તે માટે આવા પરિસંવાદ કાર્યક્રમો ખૂબ જ મહત્વના છે.

રાસાયણિક ખાતરોના ગંભીર પરિણામો અને પ્રાકૃતિક ખેતી પર ભાર મુકતા ધારાસભ્યશ્રી હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આજે રાસાયણિક ખાતરોના વધુ પડતાં ઉપયોગને લીધે સમાજમાં કેન્સર અને શ્વાસ સંબંધિત રોગો અનેકગણા વધ્યા છે. આપણી આવનારી પેઢીને સારું અને સ્વાસ્થ્યપ્રદ જીવન આપવા માટે આપણે આજે જ પ્રાકૃતિક કૃષિ અપનાવવી પડશે

અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ ધીમે ધીમે બંધ કરવો પડશે. રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં આજે ગુજરાતમાં મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી રહ્યાં છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

તૃણ ધાન્ય કે બરછટ પાકો અંગે વાત કરતા શ્રી હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, તૃણ ધાન્ય કે બરછટ પાકોનું આરોગ્ય સંબંધિત મહત્વ અનેકગણું છે. આજના ફાસ્ટ યુગમાં જંક ફૂડ અને આધુનિક જીવનશૈલીના કારણે ડાયાબિટીસ અને હૃદયરોગના દર્દીઓ અનેકગણા વધ્યા છે. તૃણ ધાન્ય કે બરછટ પાકો ફાઈબર, સ્ટાર્ચ, પ્રોટીન અને પોષક તત્વોથી ભરપૂર હોય છે.

આવા ધાન્યો કોલેસ્ટેરોલ ઘટાડે છે, કબજિયાતથી બચાવે છે તથા એન્ટીઓકસિડન્ટ તરીકે પણ કાર્ય કરે છે, આથી આપણે આ ધાન્યોનો ખોરાકમાં વધુને વધુ સમાવેશ કરવો જોઈએ એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. આ ઉપરાંત, તેમણે ઉપસ્થિત ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી અનેવિધ યોજનાઓ વિશે માહિતગાર બનવા અને તેનો વધુને વધુ લાભ ઉઠાવવા અપીલ કરી હતી.

આ પ્રસંગે કૃષિ, બાગાયત સહિત પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો અને સંસ્થાઓએ વિવિધ માહિતીસભર સ્ટોલ દ્વારા ઉપસ્થિત ખેડૂતોને વિવિધ વિષયો અંગે માહિતી પૂરી પાડી હતી.  બરછટ ધાન્ય પાક (મિલેટ) જેવા કે નાગલી(રાગી), વરી, કોદરા, કાંગ, જુવાર,રાગી, બાજરી, સામો, બંટી, ચીણો વગેરેની ખેતી પદ્ધતિ અને આરોગ્યની દ્રષ્ટિએ મહત્વ, પ્રાકૃતિક કૃષિ – પ્રકૃતિના શરણે જેવા વિવિધ વિષયો પર ખેડૂતોને તલસ્પર્શી જ્ઞાન પીરસવામાં આવ્યું હતું.

‘મિલેટ્સ(તૃણ ધાન્ય પાકો) વજનમાં હલકા છે, સ્વાસ્થ્યમાં હલકાં નથી’ – એ વાત લોકોને આ પરિસંવાદ અંતર્ગત સમજાવવામાં આવી હતી. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે જિલ્લા/તાલુકા કક્ષાના બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ અંતર્ગત   ફળફળાદી,

સજીવ ખેતી અને પિયત ખેતીમાં સિદ્ધિઓ મેળવનાર ખેડૂતોને નાણાંસહાય એનાયત કરવામાં આવી હતા. આ ઉપરાંત, સદગત સન્માન યોજનાના લાભાર્થીઓને પણ ₹ 2 લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ‘શ્રી અન્ન, શ્રેષ્ઠ ખોરાક’ પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

આ પરિસંવાદ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી વિનોદભાઈ પટેલ, સંયુક્ત ખેતી નિયામક શ્રી, ખેતી નિયામક શ્રી, જિલ્લા પંચાયત  અને તાલુકા પંચાયતના સદસ્યો, કૃષિ અને બાગાયત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, ATMA ના સદસ્યો, વિરમગામ તાલુકા વિકાસ અધિકારી શ્રી ધવલ દેસાઈ સહિત વિરમગામ, દેત્રોજ અને માંડલ તાલુકાના ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.