Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

મુખ્યમંત્રીએ રાજ્યમાં Covid19 સામે આરોગ્યતંત્રની સજ્જતાની સમીક્ષા કરી

આરોગ્ય મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં મુખ્ય સચિવ અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજતા મુખ્યમંત્રીશ્રી
…..
• ગુજરાતમાં દરરોજ પ્રતિ મિલિયન ૨૬૮ ટેસ્ટિંગ કરવામાં આવે છે
• કોવિડ પોઝિટિવ દર્દીઓનું જીનોમ સિક્વન્સીંગ થાય છે
• આરોગ્ય વિભાગ કોવિડ-૧૯ કેસોનું દૈનિક ધોરણે એનાલિસિસ કરે છે
• વહેલા નિદાન અને સમયસર સારવારને કારણે હોસ્પિટલાઈઝેશન ૩% કરતાં પણ ઓછું છે
• તમામ સરકારી ખાનગી હોસ્પિટલોમાં ૧૦ અને ૧૧ એપ્રિલે મોક ડ્રીલ યોજાશે

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં કોવિડ-૧૯ ની સ્થિતિ અને તે સામે આરોગ્યતંત્રની સજ્જતાની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કરી હતી.

રાજ્યભરમાં ટેસ્ટ -ટ્રેક- ટ્રીટમેન્ટના આધારે કોવિડના કેસો કે શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓને વહેલા નિદાન અને સમયસર સારવારની વ્યવસ્થા આરોગ્ય વિભાગે ગોઠવી છે, તેની આ બેઠકમાં વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

તદ્દ અનુસાર ,ગુજરાતમાં દરરોજ પ્રતિ મિલિયન ૨૬૮ ટેસ્ટિંગ કરવામાં આવે છે તેમજ કોવિડ -૧૯ પોઝિટિવ દર્દીઓનું જીનોમ સિક્વન્સીંગ પણ કરાય છે.

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું કે, આગામી ૧૦ અને ૧૧ એપ્રિલના દિવસોએ રાજ્યની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજવામાં આવશે.

આ મોકડ્રીલ અંતર્ગત તમામ સાધન સામગ્રી, બેડ, ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટિલેટર્સ, ફાયર સેફટી તેમજ દવાઓ , માનવ બલ વગેરે ની સજ્જતા ચકાસણી કરવામાં આવશે.

આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલે બેઠકમાં આરોગ્ય વિભાગની સઘન કામગીરીની વિગતો આપી હતી. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, રાજ્યમાં વહેલા નિદાન અને સારવારને પરિણામે હોસ્પિટલાઈઝેશન એટલે કે દાખલ કરવા પડે એવા દર્દીઓનું પ્રમાણ ૩% કરતાં ઓછું છે અને મૃત્યુદર પણ નહિવત છે.

કોવિડ-૧૯ કેસોનું દૈનિક ધોરણે એનાલિસિસ કરીને આરોગ્ય વિભાગ રોગ અટકાયતના પગલા પણ ત્વરાએ લે છે તેની આ બેઠકમાં વિગતો આપવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે હોસ્પિટલોમાં દવા વગેરેના પુરવઠાની પણ સમીક્ષા હાથ ધરી હતી.

આયુર્વેદિક વિભાગ દ્વારા પણ ઉકાળા વિતરણ અને હોમિયોપેથી દવાનું વિતરણ રાજ્યમાં કરવામાં આવે છે તેમ આ સમીક્ષા બેઠકમાં જણાવવા માં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે બેઠકમાં જણાવ્યું કે કોરોના સામે ગભરાટ કે ડર વિના સાવચેતી સલામતી રાખવા લોકોને કોરોના એપ્રોપ્રિએટ બીહેવીયર માટે જાગૃત કરવા જરૂરી છે.

ઉંમરલાયક વ્યક્તિઓ અને દર્દીઓએ જાહેર ભીડભાળવાળી જગ્યાએ ન જવા અને માસ્ક પહેરવું ,ઉધરસ કે છીંક ખાતી વખતે મોં આગળ રૂમાલ રાખવો તેમજ વારંવાર હાથ ધોવા, સેનેટાઈઝરનો ઉપયોગ કરવો અને જાહેર સ્થળોએ થૂંકવું નહીં જેવી બાબતો અંગે લોકજાગૃતિ કેળવવા તેમણે બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું.

આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસ નાથન, વરીષ્ઠ સચિવો અને પ્રતિષ્ઠિત તજજ્ઞ ડોક્ટર્સ, સિવિલ હોસ્પિટલના અને આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers