Western Times News

Gujarati News

મોંઘવારીના માર વચ્ચે ઘઉંના ભાવમાં લગભગ ૪૦ ટકાનો વધારો

અમદાવાદ, મોંઘવારીના માર વચ્ચે સામાન્ય જનતા પિસાઈ રહી છે. શાકભાજી, દૂધ, મસાલા અને ઈંધણના ભડકે બળતા ભાવ વચ્ચે સામાન્ય જનતાએ પોતાનાં બજેટ પર કાપ મૂકવાની ફરજ પડી છે. લોકો મોંઘવારીથી રાહત ઈચ્ચે છે, પણ થઈ રહ્યું છે તેનાથી ઉલટું. ગરીબ અને મધ્યમવર્ગની આવક વધે કે ન વધે, પણ મોંઘવારી વધવાનું નક્કી છે. ચીજવસ્તુઓના ભાવ માટે વધારો શબ્દ નિયમ બની ગયો છે.

ભાવમાં ઘટાડો દુર્લભ છે. હજુ તો જનતા મોંઘવારીના એક માર સામે માંડ ટેવાય ત્યાં બીજી વસ્તુના ભાવ વધી જાય છે. ઉનાળાની શરૂઆત થતા ગૃહિણીઓ આખા વર્ષ માટે મસાલા અને અનાજ ભરતી હોય છે, ત્યારે હાલ ઘઉંના ભાવ પણ ભડકે બળી રહ્યા છે.

ગૃહિણીઓએ આ વખતે ઘઉંની એકસામટી ખરીદી પર ફરજિયાતપણે કાપ મૂકવો પડે તેમ છે. કેમ કે ઘઉંના ભાવમાં તોતિંગ વધારો થયો છે. ઘઉંમાં આ ભાવ વધારાનું કારણ માવઠુ અને યુક્રેન રશિયાના યુદ્ધની અસર હોવાનું જણાવાય છે.

હાલ ઘઉં ભરવાની સીઝન ચાલી રહી છે. ગુજરાતની ગૃહિણીઓ ઘઉં ખરીદવા વેપારીઓ પાસે ભાવતાલ કરાવી રહી છે. પરંતુ તેમને આ વર્ષે વધુ રૂપિયા ચૂકવવા પડશે. યુક્રેન રશિયાના યુદ્ધની અસર તથા કમોસમી વરસાદને કારણે આ વર્ષે ઘઉંના ભાવમાં વધારો થયો છે. આ વખતે ઘઉંની ઊંચી કિંમત ચૂકવવી પડશે. ઘઉંના ભાવમાં લગભગ ૪૦ ટકાનો વધારો થયો છે.

માવઠાને પગલે ઘઉંની ગુણવત્તા પર પણ અસર પડી છે. માવઠાને કારણે ઘઉંની ગુણવત્તા પણ નબળી છે. ગુજરાતભરના અનાજ બજારોમાં સારી ક્વોલિટીની ઘઉંની આવક નહિવત રહી છે. તેથી બારમાસી ઘઉં ભરનારા પર તેની અસર જાેવા મળી રહી છે.

લાલ મરચું અને જીરાના ભાવમાં ગયા વર્ષ કરતા ૫૦ ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે પિસેલું મરચું ૩૦૦થી ૪૦૦ રૂપિયા કિલોના ભાવે મળતું હતું. જે આ વર્ષે ૫૦૦થી ૫૫૦ રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. કાશ્મીરી મરચું ૫૫૦ રૂપિયાની જગ્યાએ ૭૦૦ રૂપિયામાં અને રેશમપટ્ટો મરચું ૪૦૦ની જગ્યાએ ૫૫૦ રૂપિયામાં વેચાય છે. જીરાના ભાવ ૨૦૦ રૂપિયા કિલોથી વધીને ૪૦૦થી ૪૫૦ રૂપિયા કિલોએ પહોંચી ગયા છે.

માવઠાંને કારણે શાકભાજીના ભાવ આસમાને છે, ત્યાં કઠોળના ભાવ પણ વધ્યા છે. કઠોળ અને દાળના ભાવમાં કિલો દીઠ ૧૫થી ૨૦ રૂપિયાનો ભાવ વધારો થયો છે. જેના કારણે મધ્યમવર્ગની ખરીદી ઘટી છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.