Western Times News

Gujarati News

દિલ્હીને હરાવી ગુજરાતે સળંગ બીજો વિજય નોંધાવ્યો

નવી દિલ્હી, બોલર્સના શાનદાર પ્રદર્શન બાદ સાઈ સુદર્શનની આક્રમક અડધી સદીની મદદથી ગુજરાત ટાઈટન્સ ટીમે આઈપીએલ-૨૦૨૩ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સળંગ બીજાે વિજય નોંધાવ્યો હતો.

દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં ગુજરાતની ટીમે બેટિંગ અને બોલિંગ બંનેમાં લાજવાબ પ્રદર્શન કર્યું હતું અને દિલ્હી કેપિટલ્સને છ વિકેટે હરાવ્યું હતું. ટુર્નામેન્ટમાં હાર્દિક પંડ્યાની આગેવાનીવાળી ગુજરાત ટીમનો આ સળંગ બીજાે વિજય છે.

અગાઉ ટુર્નામેન્ટની ઓપનિંગ મેચમાં ગુજરાતે ચેન્નઈ સુપર કિંગ્સને પરાજય આપ્યો હતો. ગુજરાતે ટોસ જીતીને દિલ્હીને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું.

દિલ્હીની ટીમે ૨૦ ઓવરમાં ૧૬૨ રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં ગુજરાતની ટીમે ૧૮.૧ ઓવરમાં ચાર વિકેટે ૧૬૩ રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. સુદર્શને અણનમ ૬૨ રન નોંધાવ્યા હતા. આ વિજય સાથે ગુજરાત ટાઈટન્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર આવી ગયું છે. ૧૬૩ રનના લક્ષ્યાંકને પાર પાડવા મેદાનમાં ઉતરેલી ગુજરાતની ટીમની શરૂઆત સારી રહી ન હતી.

એનરિચ નોર્ટજેએ ટીમને શરૂઆતમાં જ બે મોટા ઝટકા આપ્યા હતા. તેણે બંને ઓપનર્સને સસ્તામાં પેવેલિયન ભેગા કરી દીધા હતા. રિદ્ધિમાન સહા અને શુભમન ગિલની જાેડીની શરૂઆત નિરાશાજનક રહી હતી.

સહા સાત બોલમાં બે ચોગ્ગા અને એક સિક્સરની મદદથી ૧૪ રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે ગિલે ૧૩ બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી ૧૪ રન ફટકાર્યા હતા. આ બંને બેટરને નોર્ટજેએ બોલ્ડ કર્યા હતા. ત્યારબાદ કેપ્ટન હાર્દિક પંડ્યા પણ ફક્ત પાંચ રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. જાેકે, સાઈ સુદર્શને એક છેડો જાળવી રાખ્યો હતો.

તેણે શરૂઆતમાં મક્કમતાથી બેટિંગ કરી હતી અને ટીમના સ્કોરને મક્કમગતિએ આગળ ધપાવ્યો હતો. બાદમાં તેણે અંતિમ ઓવર્સમાં આક્રમક બેટિંગ કરી હતી.

તેને પહેલા વિજય શંકર અને બાદમાં ડેવિડ મિલરનો મજબૂત સાથ મળ્યો હતો. વિજય શંકરે ૨૩ બોમાં ૨૯ રન નોંધાવ્યા હતા જેમાં ત્રણ ચોગ્ગા સામેલ હતા. સુદર્શને અડધી સદી ફટકારી હતી અને અંત સુધી નોટઆઉટ રહ્યો હતો. તેણે ૪૮ બોલમાં ચાર ચોગ્ગા અને બે સિક્સરની મદધથી ૬૨ રનની અણનમ ઈનિંગ્સ રમી હતી.

જ્યારે મિલર ૧૬ બોલમાં બે ચોગ્ગા અને બે સિક્સરની મદદથી ૩૧ રન નોંધાવીને નોટઆઉટ રહ્યો હતો. દિલ્હી માટે નોર્ટજેએ બે તથા ખલીલ અહેમદ અને મિચેલ માર્શે એક-એક વિકેટ ઝડપી હતી. ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને દિલ્હી કેપિટલ્સને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. દિલ્હીનો કોઈ ખેલાડી મોટી ઈનિંગ્સ રમી શક્યો ન હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.