Western Times News

Gujarati News

અમદાવાદ મનપાને રેલવે વિભાગે પ્રોપર્ટી ટેક્ષ પેટે રૂ.13.50 કરોડ ચૂકવ્યા.

15 વર્ષની લાંબી જહેમત બાદ ઉકેલ આવ્યો

આ ઉપરાંત કેન્દ્ર સરકારની સંસ્થા એવી BSNL દ્વારા રૂ. 6 કરોડ અને ONGC દ્વારા રૂ. 76 લાખનો ટેક્સ ભરવામાં આવ્યો છે.

(પ્રતિનિધિ) અમદાવાદ, ભારતીય રેલવે વિભાગ ઘ્વારા પ્રથમ વખત જ ગુજરાતમાં સ્થાનિક સ્વાયત્ત સંસ્થાને મિલ્કતવેરાની ચૂકવણી કરવામાં આવી છે. રેલવે વિભાગે અમદાવાદ મનપાને શહેરના તમામ રેલવે સ્ટેશન, ઓફીસો, રહેણાંક મિલકતો સહિતનો વેરાની ચુકવણી કરી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા 2010ની સાલથી રેલવે મિલકતો ની આકારણી કરવામાં આવે છે. પરંતુ રેલવે તરફથી વેરો ભરપાઈ કરવામાં આવતો નહતો. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વારંવાર રજુઆત કરવામાં આવ્યા બાદ રેલવેએ પ્રોપર્ટી ટેક્ષની ચૂકવણી કરી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ અને ભાજપના રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલ અને ડે. ચેરમેન પ્રદીપ દવેના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 15 વર્ષથી રેલવે વિભાગની જુદી જુદી મિલકતોની આકારણી કરવામાં આવતી હતી

તેમજ તેના બિલ રેલવેને આપવામાં આવતા હતા પરંતુ રેલવે વિભાગ તરફથી કોઈ જ સકારાત્મક પ્રતિસાદમાં મળતો ન હતો તેથી બે વર્ષથી મુદ્દાને પ્રાધાન્ય આપી ટેક્સ વસુલાત તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના અધિકારીઓ તથા અન્ય હોદ્દેદારોએ રેલવે વિભાગની સાથે ચર્ચા લાંબી વિચારણા કરી હતી.

કેન્દ્ર સરકાર ની મિલ્કત હોય તો 33.5 અથવા 50 ટકા મુજબ ટેક્સ લેવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને ડિવિઝનલ રેલવે મેનેજર(DRM) વચ્ચે આ મુદ્દે ચર્ચા વિચારણા થઈ હતી જેમાં 50 ટકા મુજબ ટેક્ષ માટે એમઓયુ કરવામાં આવ્યા હતા.

એમઓયુમાં અમદાવાદના રેલ્વે સ્ટેશન, રેલ્વે ક્વાર્ટર, ગોડાઉન, શેડ વગેરે મિલકતોની આકારણી કરવામાં આવી હતી. રેલવેની મિલકતો ની કેટલા ટેક્સ થાય છે તે રેલવે વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેળવણી કરવામાં આવી હતી. જેમાં કેટલીક મિલકતોના ક્ષેત્રફળોમાં વિસંગતતા આવી હતી.

50 ટકા જેટલી રેલવેની મિલકતોનો ટેક્સ ક્લિયર થયો હતો.તેમજ રેલવે વિભાગ ઘ્વારા  રૂ. 13.05 કરોડનો ટેક્સ ભરવામાં આવ્યો છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની સંસ્થા એવી બીએસએનએલ દ્વારા રૂ. 6 કરોડ અને ongc દ્વારા રૂ. 76 લાખનો ટેક્સ ભરવામાં આવ્યો છે.

અત્રે નોંધનીય છે કે 2008ના વર્ષમા મુંબઈ મહાનગરપાલિકા ઘ્વારા કેન્દ્ર સરકારની સંસ્થાઓ પાસેથી ટેક્ષ વસુલાત માટે સુપ્રીમ કોર્ટમાં રીટ કરવામાં આવી હતી જેમાં અમદાવાદ મહાનગરપાલિકા પણ થર્ડ પાર્ટી તરીકે join થઈ હતી. સુપ્રીમ કોર્ટ આ મામલે સ્થાનિક સ્વાયત્ત સંસ્થાઓ ની તરફેણમાં ગાઈડલાઈન આપી હતી.

સ્થાનિક સ્વાયત્ત સંસ્થાઓ પાસેથી જે સેવા લેવામાં આવે છે તેનો કર કેન્દ્ર સરકાર ની સંસ્થાઓએ ચૂકવવો જરૂરી છે તેમ માર્ગદર્શન આપ્યું હતું. જે મુજબ પોસ્ટ, ટેલીકોમ સહિતની સંસ્થાઓ નિયમિત વેરો ભરપાઈ કરતી હતી એકમાત્ર રેલ્વેમાં થોડી સમસ્યા હતી જેનું પણ નિરાકરણ આવી ગયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.