Western Times News

Gujarati News

એજન્ટની વાતોમાં આવી સ્ટૂડન્ટ વિઝા ઉપર ફિનલેન્ડ પહોંચેલા 200 ગુજરાતી ફસાયા

એજન્ટે સ્ટૂડન્ટ્‌સને હથેળીમાં ચાંદ બતાવ્યો: ત્યાં પહોંચી ગયા બાદ

સ્ટૂડન્ટ્‌સને અહેસાસ થયો કે તે છેતરાયા છે 

અમદાવાદ, અત્યારસુધી અમેરિકા, કેનેડા કે ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ભણવા કે જાેબ કરવા જતા ગુજરાતીઓ હવે યુરોપના ટચૂકડા દેશોની પણ વાટ પકડી રહ્યા છે. આવો જ એક દેશ છે ફિનલેન્ડ, જેના વિશે મોટી-મોટી વાતો કરીને એજન્ટો લોકોને સ્ટૂડન્ટ વિઝા પર મોકલી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે જે લોકોને ફિનલેન્ડ મોકલવામાં આવે છે તેમને એવું કહેવામાં આવે છે કે ત્યાં તેમને સારી નોકરી મળી જશે, સ્ટૂડન્ટ વિઝા પર ભલે તેઓ જાય પણ રોજ કોલેજ જવાની પણ કોઈ જરૂર નથી અને બધી જ ફેસિલિટી ધરાવતું એકોમોડેશન પણ તેમને પૂરૂં પાડવામાં આવશે. 200 Gujaratis who arrived in Finland on student visa got trapped

ફિનલેન્ડ વિશે કોઈ જાણકારી ના ધરાવતા લોકોને એવું કહીને છેતરવામાં આવે છે કે ત્યાં જ તેમને ભણવાનું પૂરૂં થયા બાદ વર્ક પરમિટ મળી જશે, અને તેઓ સારી એવી કમાણી કરી શકશે. એજન્ટના મોઢે ફિનલેન્ડની આવી મોટી-મોટી વાતો સાંભળીને સુરતના લગભગ ૨૦૦ જેટલા સ્ટૂડન્ટ્‌સની હાલત ફિનલેન્ડ પહોંચીને ના ઘરના કે ના ઘાટના જેવી થઈ છે. આ સ્ટૂડન્ટ્‌સને સુરતના જ એક એજન્ટે ફિનલેન્ડની તુર્કુ યુનિવર્સિટી ઓફ એપ્લાય્ડ સાયન્સમાં ચાલતા બેચલર ઓફ એન્જિનિયરિંગ ઈન ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી નામના કોર્સમાં એડમિશન કરાવી આપ્યું છે.

ચોંકાવનારી વાત એ છે કે, એન્જિનિયરિંગના આ કોર્સમાં એડમિશન લેનારા મોટાભાગના લોકો આર્ટ્‌સ અને કોમર્સનું બેકગ્રાઉન્ડ ધરાવે છે, જેના કારણે તેમને કોલેજમાં શું ભણાવાય છે તે કંઈ જ સમજાતું નથી. આટલું ઓછું હોય તેમ તેમની પાસે કોઈ નોકરી પણ ના હોવાથી હાલ તેમને અસ્તિત્વ ટકાવવા માટે ફાંફા પડી ગયા છે. ફિનલેન્ડ પહોંચીને બરાબરના ફસાયેલા આ સ્ટૂડન્ટ્‌સનું માનીએ તો તેમને એજન્ટે એવી વાત કરી હતી કે તેઓ ફિનલેન્ડ પહોંચશે તેના બીજા જ દિવસે તેમને નોકરી મળી જશે.

તેમને જે કોર્સમાં એડમિશન મળ્યું છે તે સાડા ત્રણ વર્ષનો છે, અને તેમને મળેલા સ્ટૂડન્ટ વિઝાની વેલિડિટી ચાર વર્ષની છે. કોલેજમાં તેમને એક વર્ષની ૧૧,૧૫૦ યુરો એટલે કે લગભગ દસેક લાખ રૂપિયા ફી ભરવી પડે છે. એટલું જ નહીં, કોલેજમાં રોજ આઠ કલાક ભણવા માટે જવું પડે છે, જ્યારે એજન્ટે તેમને એવું કહ્યું હતું કે તેમને માત્ર બે કલાક જ કોલેજ જવાનું રહેશે, અને રોજ જવાની પણ જરૂર નહીં પડે. જાેકે, સ્થિતિ તેનાથી બિલકુલ વિપરિત છે. ફિનલેન્ડના તુર્કુ સિટીમાં રહેવાનો મહિનાનો ખર્ચો પણ એક વ્યક્તિનો અંદાજે ૬૦ હજાર રૂપિયા જેટલો થાય છે. જાેકે, જે ૨૦૦ સ્ટૂડન્ટ્‌સ હાલ ફિનલેન્ડમાં છે તેમાંથી માંડ ૪૦ને જ નાની-મોટી નોકરી મળી શકી છે, જ્યારે બાકીના છ મહિનાથી નોકરી શોધી રહ્યા છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.