Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

દીકરીના ઘરેથી પરત ફરી રહેલા વૃદ્ધને ખબર ન હતી કે આ તેમની દિકરી સાથે છેલ્લી મુલાકાત હશે

પ્રતિકાત્મક

રખડતા ઢોરના ત્રાસના લીધે વૃદ્ધે જીવ ગુમાવ્યો-આખલો અને ગાય દોડતા દોડતા આ વૃદ્ધના મોપેડ સાથે અથડાયા હતા ગાય અને આખલો આ વૃદ્ધ પર પડતાં વૃદ્ધ કચડાઈ ગયા હતા

પોરબંદર,  પોરબંદર સહિત રાજ્યમાં દિવસે દિવસે રખડતાં ઢોરના કારણે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. પોરબંદરના નરસંગ ટેકરી નજીક આવેલા સિદ્ધિ વિનાયક પાર્કમાં રહેતા ૭૬ વર્ષીય મનજી જીવરાજ ચોવટીયા બાઈક લઈને ગત ૨૩ તારીખના સાંજે સાંઇબાબા મંદિર નજીક રહેતી પોતાની દીકરીના ઘરે ગયા હતા.

તેમની દીકરીના ઘરેથી પરત ફરતી વેળાએ આશરે સાંજે ૬થી ૭ વાગ્યા અરસામાં આ વૃદ્ધ જ્યારે નરસંગ ટેકરી નજીક પ્રજાપતિ સમાજની વાડી સામે પહોંચ્યા તે દરમિયાન એક આખલો અને ગાય દોડતા દોડતા આ વૃદ્ધના મોપેડ સાથે અથડાયા હતા. ગાય અને આખલો આ વૃદ્ધ પર પડતાં વૃદ્ધ કચડાઈ ગયા હતા.

આ અંગેની જાણ તેમના પરિવારજનો તથા ૧૦૮ને કરવામાં આવતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત મનજી જીવરાજ ચોવટીયાને સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં થોડીવાર સારવાર દરમિયાન અંદાજે રાત્રે ૧૦ વાગ્યે તેઓનું મોત નિપજ્યું હતું. ૭૬ વર્ષની ઉંમરે પણ એકદમ તંદુરસ્ત જીવન ગાળતા આ વૃદ્ધનું આ રીતે અકસ્માતમાં મોત થતાં પરિવાર શોકમાં છે.

મૃતકના પુત્રે જણાવ્યું હતું કે, જવાબદાર તંત્ર આ અંગે ચોક્કસ કાર્યવાહી કરે તે જરૂરી છે. કારણ કે આજે આ ઘટના મારા પિતાજી સાથે બની અને અવારનવાર ઢોરના કારણે અકસ્માતો તો બની જ રહ્યા છે. આમાં જાે કોઈ એવા વ્યક્તિનું આવી ઘટનામાં મૃત્યુ થાય કે જે ઘરમાં એકમાત્ર કમાનાર હોય તો તેના પરિવારજનોની શું સ્થિતિ થાય? આવા વેધક પ્રશ્નો તેમણે તંત્રને કરી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers