શાહપુરના રથયાત્રા પરિક્રમા માર્ગના ૧૦૦૦ છાત્રોને નોટબુક- ચોપડા વિતરણ કરાયું
વ્યસનમુક્તિ, મોબાઈલના ઓછા ઉપયોગના ડો.જગદીશ ભાવસારે સંકલ્પ લેવડાવ્યા
અમદાવાદ, શાહપુર શિક્ષણ વિસ્તાર સમિતિના નેજા હેઠળ શાહપુરના રથયાત્રા પરિક્રમા માર્ગમાં વસતાં પરિવારોના ૧૦૦૦ સંતાનોને નોટબુક-ચોપડા વિતરણ ગુજરાત યુનિવર્સીટીના પૂર્વ ઉપકુલપતિ ડો. જગદીશ ભાવસારના માર્ગદર્શન અને સેવાવ્રતી દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈનની ઉપસ્થિતિમાં યોજાયું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રના સફળ સુકાની તરીકેનાં ૯ વર્ષ સંપન્ન થવાના રપ મેના દિવસે બાળકોને પેન, પેન્સિલ, પૌષ્ટિક આહાર ખાસ ભેટ આપીને “૧૦ રૂ.માં ૧૦ નોટબુક અને ૧૦ રૂ.માં ૧૦ ફુલસ્કેપ ચોપડા”નું અનોખું શૈક્ષણિક પ્રોત્સાહન હાથ ધરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શિક્ષણવિદ ડો. જગદીશ ભાવસારે “સૌ ભણે, સૌ આગળ વધે, કોટ વિસ્તારનું નામ રોશન કરે” ના સુત્રોચ્ચાર કરાવ્યા હતા, અને વ્યસનમુક્તિ અને મોબાઈલના ઓછા ઉપયોગના સંકલ્પ લેવડાવ્યા હતા. દરિયાપુર વિધાનસભાના સેવાવ્રતી ધારાસભ્ય કૌશિક જેૈને બાળકોને આગળ વધીને માતા-પિતા, પરિવાર, વિસ્તારનું નામ રોશન કરવા શુભેચ્છા પાઠવી હતી.
અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ ડો. કિરીટભાઈ સોલંકીએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. શાહપુર સેવા ગ્રુપના સંજય શુકલ, પીન્ટુ ભાવસાર, ભરત પ્રજાતિ, નિલેશભાઈ ભાવસાર, રાજેશ ભાવસાર, ભરત ભાવસાર, મિતેશ દવે, નરેશ શાહ, કલ્પેશ જાેષી, ડો. અશ્વિન ભાવસાર, શૈલેષ ભાવસાર, બુધભાઈ ભાવસાર, દિનેશ ભાવસાર, ભરત ભાવસાર (આરટીઓ), રાજુભાઈ ભાવસાર, જુગલ શાહ સહિતનાઓએ સેવાભાવી કાર્યમાં સાથ આપ્યો હતો.