Western Times News

Gujarati News

આર્ત્મનિભરતા તરફ ડગ માંડતી નર્મદા જિલ્લાની શ્રી સાંઈ સખીમંડળની બહેનો

નર્મદા કલેક્ટર કચેરી ખાતે કેન્ટિન ચલાવતી સખીમંડળની બહેનો મેળવી રહી છે પોણા લાખની માસિક આવક

(માહિતી) રાજપીપલા, ૨૧ મી સદીની મહિલાઓ પુરુષો સાથે ખભેખભા મળાવીને દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આર્ત્મનિભરતાની ભાવનાને ચરિતાર્થ કરી રહેલી નર્મદા જિલ્લાની મહિલાઓ મક્કમતાપૂર્વક આર્ત્મનિભરતા તરફ ડગ માંડી રહી છે. જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પ્રસ્તુત કર્યુ છે શ્રી સાંઈ સખી મંડળની બહેનોએ.

નર્મદા કલેક્ટર કચેરીના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓને બપોરનું ભોજન પીરસતી નાંદોદના વડીયા ગામની શ્રી સાંઈ સખી મંડળની બહેનો દૈનિક ધોરણે રૂ. ૨૫૦૦ થી વધુ અને માસિક પોણા લાખ જેટલી આવક મેળવતી થઈ છે. તેમના જીવનધોરણમાં આવેલ સુધારો નારી સશક્તિકરણની દિશામાં મળેલ સફળતાને ચિન્હિત કરે છે. બહેનો ર્સ્વનિભર બનીને આજે પોતાના પરિવારને આર્થિક ટેકો આપવા સક્ષમ બની છે.

નર્મદા જિલ્લા સેવાસદન ખાતે કેન્ટીન ચલાવનાર શ્રી સાંઈ સખીમંડળના પ્રમુખ શ્રીમતી નીતાબેન વસાવા ખુશી વ્યક્ત કરતાં જણાવે છે કે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફતે વર્ષ ૨૦૦૯ માં જૂથની રચના થયા બાદ બે વાર રૂ. ૫૦૦૦ અને રૂ. ૧૫૦૦૦ ની રિવોલ્વિંગ ફંડની સહાય સરકાર તરફથી મળી ચૂકી છે.

વહિવટીતંત્ર દ્વારા ફાળવેલ જગ્યા પર અમે છ બહેનો નિયમિત બપોરનું ઓછા તેલ-મસાલાવાળુ સ્વાદિષ્ટ ભોજન નજીવા દરે પિરસીએ છીએ. બપોરનું સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને અવનવી ગરમાગરમ વાનગીઓનો સ્વાદ માણ્યા બાદ અધિકારી-કર્મચારીઓ સ્વાદના વખાણ કરે છે.

સમયાંતરે કેન્ટીનમાં ગરમાગરમ વાનગીઓનો સ્વાદ માણતા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી જે.બી.પરમાર જણાવે છે કે, શ્રી સાંઈ સખીમંડળ એક આદર્શ કેન્ટીન છે, જ્યાં ઘર જેવું પૌષ્ટીક અને સ્વાદિષ્ટ ભોજનનો લ્હાવો લઈને અન્ય અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ પણ આત્મસંતુષ્ટિ પામે છે.

શ્રી સાંઈ સખીમંડળની બહેનોને વર્ષ-૨૦૨૨ માં અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રીશ્રી તેમજ આદિજાતિ વિકાસ મંત્રીશ્રીના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યું હતું. છેલ્લા બે દાયકાઓમાં રાજ્ય સરકાર દ્વારા મહિલા વિકાસના અનેક આયામો સર કરાયા છે.

મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા તકો પુરી પાડવા માટે જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા અને ડીડીઓશ્રી અંકિત પન્નુના માર્ગદર્શન હેઠળ ‘ટીમ નર્મદા’ પણ કટીબદ્ધ રહી છે.

વિકાસના પથ પર પ્રત્યેક બહેનોને આર્થિક સશક્તિકરણની દિશામાં અગ્રેસર કરવાના ઉમદા આશય સાથે રાજ્ય સરકારે મિશન મંગલમ યોજના અમલીકૃત કરી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સંચાલિત આ યોજના સ્વસહાય જુથ તરીકે ઓળખાય છે. વર્ષ ૨૦૦૭ માં શરૂ થયેલ આ યોજનાનો એક માત્ર ઉદેશ્ય ગ્રામિણ બહેનોને વિવિધ વ્યવસાયલક્ષી તાલીમો આપીને તેમને આર્થિક રીતે પગભર બનાવવાનો છે.

માત્ર એક-બે વર્ષના ટૂંકા ગાળામાં જ બહેનોએ કેન્ટીન થકી ખુબ સારી આવક મેળવતી થઈ છે અને વ્યવસાયમાંથી થતા નફાની વહેંચણી મંડળની બહેનો સમાન ભાગે કરે છે. મહિલા સશક્તિકરણનો નવો અભિગમ સખીમંડળ (સ્વ સહાય જૂથ) ના સ્વરૂપે ઉભર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.