Western Times News

Gujarati News

અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે વાવાઝોડાને મુદ્દે બેઠક યોજાઇ

સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા કરાયેલી તૈયારીઓની સમીક્ષા કરાઈ

રાજ્યમાં હાલ બિપરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે વાવાઝોડાની પરિસ્થિતિને લઈને અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર પણ સુસજ્જ છે.  A meeting was held on the issue of cyclone at Ahmedabad district collector office

અમદાવાદ જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.નના માર્ગદર્શન અનુસાર વાવાઝોડાથી થનાર સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં અમદાવાદ જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારો, ચીફ ઓફિસરો તેમજ આફત નિવારણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં વાવાઝોડાને લઇને કરાયેલી તૈયારીઓની સમીક્ષા કરાઈ હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી સુધીર પટેલે વાવાઝોડાથી થનાર સંભવિત નુકસાનને પહોંચી વળવા સંપૂર્ણપણે સજ્જ રહેવા અને સતર્ક રહેવા જિલ્લા વહીવટીતંત્રના તમામ અધિકારીને સૂચના આપી હતી. જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલી પૂર્વતૈયારી રૂપ કામગીરીની સમીક્ષા પણ આ બેઠકમાં કરવામાં આવી હતી.

આ ઉપરાંત વિવિધ તાલુકા કક્ષાએ ઊભા કરાયેલ કંટ્રોલ રૂમ 24×7 ચાલુ રાખવા પણ સૂચન કર્યું હતું. તથા જિલ્લામાં આકસ્મિક સંજોગોમાં થનાર આફત/દુર્ઘટના સંદર્ભે જિલ્લા કંટ્રોલરૂમમાં તાત્કાલિક જાણ કરવા જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે. એ અનુરોધ કર્યો છે.

કલેક્ટર કચેરી દ્વારા વાવાઝોડા પૂર્વે, દરમિયાન તથા બાદમાં જાનમાલની સુરક્ષા કઈ રીતે કરી શકાય, કેવી કેવી તકેદારી રાખવી જરૂરી છે, એ બાબતની માર્ગદર્શિકા પણ પ્રસિદ્ધ કરી છે.

બિપરજોય વાવાઝોડાને લઈને સમગ્ર અમદાવાદ જિલ્લાની સંપૂર્ણ પરિસ્થિતિ પર જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે. તથા જિલ્લા વહીવટીતંત્ર સતત નજર રાખી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.