Western Times News

Gujarati News

અમદાવાદ જિલ્લાની યોગ દિનની ઉજવણીમાં 4.30 લાખથી વધુ નાગરિકો ભાગ લેશે

વિશ્વ યોગ દિવસ – ૨૧ જૂન, ૨૦૨૩, અમદાવાદના ૮ સ્થળો સાબરમતી રિવરફ્રન્ટ, ગાંધી આશ્રમ, કોચરબ આશ્રમ, અટીરા, IIM, ઈસરો, સાયન્સસિટી ખાતે થશે ખાસ ઉજવણી

આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આ વર્ષે અમદાવાદના અમૃત સરોવરો પર કરશે યોગાસનો – સુશ્રી પ્રવીણા ડી.કે.

તારીખ ૨૧ જૂન, ૨૦૨૩ના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી કરવામાં આવશે જે અન્વયે આ વર્ષે રાજય કક્ષાનો કાર્યક્રમ સુરત ખાતે યોજાનાર છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં પણ વિવિધ આયોજનો કરવામાં આવશે. આ સંદર્ભે અમદાવાદ જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવિણા ડી.કે.એ જણાવ્યું હતું કે,

અમદાવાદ જિલ્લાનો મુખ્ય કાર્યક્રમ વિન્ટેજ વિલેજ  કાર મ્યુઝિયમ- દાસ્તાન ફાર્મ ખાતે યોજાશે. જેમાં અંદાજે ૩,૪૫૦ લોકો સામૂહિક યોગ કરશે. આજ રીતે અમદાવાદ શહેરમાં સાબરમતી રીવરફ્રન્ટ ખાતે ૨૦૦૦ લોકો યોગ કરે તેવુ આયોજન કરાયું છે. સાથોસાથ અમદાવાદના આઇકોનીક સ્થળો એવા શહેરના ગાંધી આશ્રમ, કોચરબ આશ્રમ, સાયન્સ સીટી, IIM, અટીરા તથા ઈસરો ખાતે શહેરીજનો સામૂહિક યોગ કરશે. એમ તેમણે ઉમેર્યું હતું.

કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે આ વર્ષે ખાસ અમદાવાદના અમૃત સરોવરો ખાતે યોગાસનોની પ્રસ્તુતિ કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, જિલ્લા વહીવટી તંત્ર સહિત પોલીસ, પંચાયત, આરોગ્ય અને શિક્ષણ સહિતના વિભાગોમાં અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ પણ યોગ પ્રત્યે લોક જાગૃતિ વધે તે માટે પ્રયાસ કરશે.

વિશ્વ યોગ દિવસ ૨૦૨૩માં સહભાગી થવા માટે અમદાવાદના નાગરિકોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. જેના પરિણામ સ્વરૂપે ૪.૩૦ લાખથી વધુ નાગરિકોએ યોગ દિનની ઉજવણીમાં સહભાગી થાય તેવી શકયતા છે. હાલમાં પણ નોંધણીની પ્રક્રિયા ચાલી રહી છે. આ ઉપરાંત અમદાવાદ નગરપાલિકા,

તાલુકા પંચાયતો, જિલ્લાભરની શાળાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક અને પેટા આરોગ્ય કેન્દ્રો, જિલ્લા જેલ, જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર, પોલીસ મથકો, જિલ્લા તાલીમ અને રોજગાર કચેરી, ગુજરાત યુનિવર્સિટી પરિસર સહિત અનેક સ્થળોએ સામુહિક યોગનું આયોજન કરવામાં આવનાર છે.

યોગ દિવસની આ ઉજવણીને ભવ્યાતિભવ બનાવવા માટે એક સપ્તાહ સુધી વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. જેમાં પ્રભાત ફેરીનું, શૈક્ષણિક સમય દરમિયાન યોગ અંગેના નિબંધ સ્પર્ધા, ચિત્રકલા સ્પર્ધા, પ્લે કાર્ડનું આયોજન પણ કરાયું છે. ગૃહ વિભાગ દ્વારા બાઇક રેલીના માધ્યમથી યોગ અંગેની જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

આ સમગ્ર આયોજનમાં  આર્ટ ઓફ લિવિંગ, પતંજલી યોગ કેન્દ્રો, લકુલેશ યોગ યુનિવર્સીટી, બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા, બ્રહમાકુમારી એસ.એ.જી, યોગ ઇંસ્ટ્રક્ટર વગેરેનો સહયોગ પ્રાપ્ત થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.