Western Times News

Gujarati News

“રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે” કેમ મનાવાય છે? જાણો છો

ડૉ. બી.સી. રૉયના નામથી અપાતો એવોર્ડ ભારતીય ડૉક્ટર માટે સર્વોચ્ચ સન્માનનીય પુરસ્કાર ગણાય છે-ભારત રત્ન ડૉ. બી.સી. રૉયની જયંતી ૧ જુલાઈના દિવસે મનાવાય છે રાષ્ટ્રીય ડૉક્ટર ડે

ગાંધીજીએ પૂછ્યું, ‘મારે તમારી સારવાર શા માટે લેવી જોઈએ? શું તમે મારા ચાળીસ કરોડ દેશવાસીઓને નિ:શુલ્ક સારવાર આપશો?’ ત્યારે ડો. બી. સી. રોયનો જવાબ સાંભળીને ગાંધીજી ઈલાજ કરાવવા તૈયાર થયા

(ખાસ લેખ  : દિવ્યેશ વ્યાસ) દર વર્ષે ૧ જુલાઈના રોજ આપણા દેશમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે મનાવાય છે. સામાન્ય લોકો ડૉક્ટરને ઈશ્વરના દૂત ગણીને સન્માનતા હોય છે. ડૉક્ટરના સેવાકીય કાર્યોને બિરદાવવા તથા તેમના પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. જોકે, ઘણાને પ્રશ્ન થઈ શકે કે રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે ૧ જુલાઈના દિવસે જ કેમ મનાવાય છે?

ભારત રત્નથી પોંખાયેલા ડૉ. બિધાન ચંદ્ર રૉયનું દેશના મેડિકલ ક્ષેત્રમાં અવિસ્મરણીય યોગદાન બોલે છે. ડૉ. બી.સી. રૉયના જન્મદિવસને ધ્યાનમાં રાખીને ભારતમાં વર્ષ ૧૯૯૧થી દર વર્ષે ૧લી જુલાઈના રોજ રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે મનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.  Bharat Ratna Dr Bidhan Chandra Roy (1 July 1882 – 1 July 1962), was an eminent Physician, Freedom Fighter and Socio-Political leader who served as the Chief Minister of West Bengal from 1948 to 1962. #NationalDoctorsDay is celebrated in his memory on 1 July.

ડૉક્ટર્સ ડે નિમિત્તે આપણે ડૉક્ટરને સન્માનવાની સાથે સાથે મહાન ડૉક્ટર અને ઉમદા રાજનેતા એવા ડૉ. બી.સી. રૉયનો પણ પરિચય કેળવીએ તો કેવું? ડૉ. બી.સી. રૉયનું જીવન અને કવન આજની પેઢીને ડૉક્ટરને પ્રેરણા અને માર્ગદર્શન આપે એવું છે. ચાલો, તેમના વિશે થોડી જાણકારી મેળવીએ.

ડૉ. બી.સી. રૉય ‘ગાંધીના ડૉક્ટર’ તરીકે પણ જાણીતા બન્યા હતા. ગાંધીજી સાથેના તેમના એક પ્રસંગની વાત કરીએ તો યરવડા જેલમાં હરિજનકાર્ય ન કરવા દેવાના મુદ્દે ગાંધીજીએ 1933માં આમરણ ઉપવાસ શરૂ કરેલા. અંગ્રેજ સરકારે ગભરાઈને ગાંધીજીને જેલમુક્ત કર્યા.

ગાંધીજીએ પૂનામાં જ સર વિઠ્ઠલદાસ ઠાકરશીના ‘પર્ણકુટી’ બંગલામાં રહેવાનો નિર્ણય કર્યો. ઉપવાસને કારણે તેમની તબિયત લથડી હતી. યુવાન ડૉક્ટર એવા બી.સી. રૉયે ગાંધીજીને દવાઓ આપી. ગાંધીજીએ પૂછ્યું, ‘મારે તમારી સારવાર શા માટે લેવી જોઈએ? શું તમે મારા ચાળીસ કરોડ દેશવાસીઓને નિ:શુલ્ક સારવાર આપશો?’

ત્યારે ડૉ. રૉયનો જવાબ હતો, ‘ના ગાંધીજી, હું તમામ દર્દીઓની મફતમાં સારવાર ન કરી શકું. હા, હું મોહનદાસ કરમચંદ ગાંધીની સારવાર નથી કરતો, પણ હું એ વ્યક્તિની સારવાર કરું છું, જે દેશના ચાળીસ કરોડ દેશબંધુઓનું પ્રતિનિધિત્વ કરે છે.’

આવો વિનમ્ર અને પારદર્શક જવાબ સાંભળીને ગાંધીજી દવા-સારવાર લેવા તૈયાર થયેલા. ડૉ. બિધાન ચંદ્ર રૉય એક ઉમદા રાજનેતા પણ હતા. સેવાને પરમ ધર્મ માનનારા ડૉ. રૉયે રાજકીય ક્ષેત્ર પણ સેવા માટે જ પસંદ કર્યું હતું. પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી બનેલા ડૉ. બી.સી. રૉય આધુનિક પશ્ચિમ બંગાળના નિર્માતા ગણાય છે. ડૉ. રૉય આઝાદી જંગના લડવૈયા, પરોપકારી ચિકિત્સક, આરોગ્ય ક્ષેત્રમાં મેડિકલ સંસ્થાઓ (ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વગેરે)ના સ્થાપક હતા તેમજ કુશળ રાજકર્તા તરીકે દેશની મહામૂલી સેવા કરી હતી.

આઝાદી પછી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદ કરતાં તેમને તો દર્દીઓની સેવા વહાલી હતી, પરંતુ ગાંધીજીના અનુરોધને આંખે ચડાવીને તેમણે મુખ્યમંત્રી પદ સંભાળેલું. જોકે, દિવસનો એક કલાક તેઓ ગરીબ દર્દીઓની સારવાર-સંભાળ માટે ફાળવતા હતા.

એક ડૉક્ટર તરીકે તેમનું પ્રદાન વધારે ઉત્કૃષ્ટ હતું કે એક રાજનેતા તરીકેનું, એનો નિર્ણય અઘરો પડે, એવાં અનેક મહાકાર્યો ડૉ. રૉયના નામે બોલે છે. અને એટલે જ તેમને ઈ.સ. 1961માં દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્નથી નવાજવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી તરીકે તેમની કામગીરીને સમજવા માટે એક જ ઉદાહરણ કાફી છે. વિશ્વભરમાં ભારતીય સિનેમાની શિરમોર ગણાતી ફિલ્મ ‘પાથેર પાંચાલી’ માટે સત્યજિત રેને કોઈ નાણાં ધીરવા તૈયાર નહોતું. ફિલ્મ અટવાઈ પડી હતી. આખરે સત્યજિત રેએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને અડધી-અધૂરી ફિલ્મ બતાવી અને કળાપારખું મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો કે રાજ્ય સરકાર જ આ ફિલ્મ પ્રોડ્યુસ કરશે અને દેશ-દુનિયાને એક ઉત્તમ સિનેકૃતિ ઉપલબ્ધ થઈ હતી.

ડૉ. રૉય અને શેક્સપિયર વચ્ચે એક સામ્યતા એ છે કે બન્નેના જન્મ દિવસ અને મૃત્યુ દિવસ એક જ તારીખે આવે છે. આમ, 1 જુલાઈ, 1882ના રોજ બિહારના પટણા ખાતે જન્મેલા ડૉ. રૉયનું નિધન કોલકાતા ખાતે 1 જુલાઈ, 1962ના રોજ થયું હતું.

આજે મેડિકલ ક્ષેત્ર ખૂબ જ આગળ વધ્યું છે ત્યારે ટેક્નોલોજીની સાથે સાથે સેવાભાવ પણ ખૂબ જ આવશ્યક બન્યો છે, ડૉ. રૉય જેવા વ્યક્તિત્વ આપણી નવી પેઢીના ડૉક્ટરો માટે ચોક્કસ એક આદર્શ અને પ્રેરણાપુરુષ બની શકે એમ છે. દેશના ડૉક્ટર્સ જો ડૉ. બી.સી. રૉય જેવાને પોતાના રોલમૉડલ ગણે તો ભાગ્યે જ કોઈ દર્દી સારવારથી વંચિત રહે.

જીવન અને મૃત્યુ તો ઉપરવાળાના હાથમાં છે, પણ દેશના દરેક નાગરિકને સમયસર સારવાર મળે, એ તો દેશના ડૉક્ટરની નૈતિક ફરજ છે. દર્દીના દુ:ખો દૂર કરનારા ડૉક્ટર્સને સલામ!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.