Western Times News

Gujarati News

સમગ્ર ઉત્તર ભારતમાં જળપ્રલયઃ 12થી વધુના મોત: અનેક ગાડીઓ પાણીમાં તણાઈ

દિલ્હી, હિમાચલ પ્રદેશ સહિતનાં રાજ્યોમાં શાળાઓમાં રજા જાહેર કરાઈઃ અનેક ગાડીઓ પાણીમાં તણાઈઃ યમુના સહિતની નદીઓમાં પૂરઃ લાપતાં વ્યક્તિઓની શોધખોળ

નવી દિલ્હી, ઉત્તર ભારતના જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર સહિતના રાજ્યોમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડવાનો ચાલુ રહેતા જળપ્રલય જેવી સ્થિતિ સર્જાઈ છે. મોટાભાગની નિદીઓમાં પૂર આવતાં કિનારાનાં ગામડાઓને ખાલી કરાવવામાં આવ્યા છે.

જ્યારે દિલ્હી સહિતના શહેરોને એલર્ટ કરવામાં આવ્યાં છે. ભારે વરસાદના પગલે હિમાચલ પ્રદેશમાં તથા ઉત્તરાખંડમાં અનેક સ્થળે પર્વતો ઉપરથી મોટી શિલાઓ રસ્તાઓ ઉપર ઘસી પડતાં અનેક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યાં છે. જેના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અટવાઈ ગયાં છે. ધસમસતા પ્રવાહમાં અનેક ગાડીઓ પણ તણાઈ ગઈ છે.

દિલ્હી, જમ્મુ-કાશ્મીર સહિતના રાજ્યોમાં શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. અને સરકારી અધિકારીઓની રજા રદ કરી ફરજ પર હાજર કરી દેવામાં આવ્યાં છે. બચાવ ટુકડીઓ પણ તૈનાત કરી દેવાઈ છે. હિમાચલ પ્રદેશમાં આજે ભારે વરસાદનાં કારણે પાંચ વ્યક્તિનાં મોત નિપજ્યાં છે.

આ ઉપરાંત દિલ્હીમાં ૧ અને રાજસ્થાન ૪ વ્યક્તિનાં મૃત્યુ નિપજ્યાનું જાણવા મળી રહ્યું છે. સાથે સાથે જમ્મુ-કાશ્મીરમાં પણ વધુ બે વ્યક્તિઓ તણાઈ જવાનાં સમાચાર મળી રહ્યાં છે. કિનારાનાં સંખ્યાબંધ મકાનો તૂટી પડવાની ઘટનાઓ ઘટી રહી છે. હિમાચલ પ્રદેશમાં સત્તાવાર એલર્ટ જાહેર કરી લોકોને ઘરની બહાર નહીં નીકળવા સૂચના આપવામાં આવી છે. ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર સહિતનાં રાજ્યોમાં અન્ય રાજ્યોનાં પ્રવાસીઓ ફસાયેલાં છે.

દિલ્હી, હિમાચલ, પંજાબ સહિત દેશના ઉત્તરીય રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. દિલ્હીમાં ૪૧ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો. ૧૯૮૨થી, જુલાઈમાં એક જ દિવસમાં સૌથી વધુ ૧૫૩ મીમી વરસાદ નોંધાયો હતો.

આ પહેલા ૨૫ જુલાઈ ૧૯૮૨ના રોજ ૧૬૯.૯ મીમી વરસાદ નોંધાયો હતો. ૨૦૦૩માં ૨૪ કલાકમાં ૧૩૩.૪ મીમી વરસાદ નોંધાયો હતો. અને ૨૦૧૩માં દિલ્હીમાં ૧૨૩.૪ મીમી વરસાદ નોંધાયો હતો. અહીં હરિયાણાએ યમુનામાં ૧ લાખ ક્યુસેકથી વધુ પાણી છોડ્યું. આ પછી દિલ્હી સરકારે પૂરની ચેતવણી જારી કરી હતી.

વરસાદના કારણે જમ્મુ-કાશ્મીરના પૂંછમાં પોષના નદી પાર કરતી વખતે સેનાના બે જવાનો ડૂબી ગયા. તે જ સમયે, હિમાચલમાં ૫, જમ્મુમાં ૨ અને યુપીમાં ૪ લોકોના મોત થયા છે.

સમગ્ર દેશમાં ચોમાસાના કારણે ભારે વરસાદ પડી રહ્યો છે. અવિરત વરસાદ ઘણા રાજ્યો માટે આફત બનીને આવ્યો છે. મંડીમાં બંજર ઓટ બાયપાસને ઓટને જાેડતો ૪૦ વર્ષ જૂનો પુલ વ્યાસ નદીના વહેણમાં તણાઈ ગયો છે. પુલ નદીમાં તણાતો હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે.

વીડિયોમાં જાેઈ શકાય છે કે થોડી જ સેકન્ડોમાં પાણીના ભારે વહેણમાં પુલ તણાઈ ગયો હતો. જમ્મુ પૂંચમાં નદીમાં સેનાના બે જવાનો તણાઈ ગયા છે. હાલમાં તેમના માટે બચાવ કામગીરી ચાલી રહી છે. તાવી નદીમાં પાણીનું સ્તર વધ્યું છે. નેશનલ હાઈવે ૪૪ હાલમાં બંધ છે.

ઉત્તરાખંડમાં છિંકા પાસે ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ થઈ ગયો છે અને કુમાઉ ડિવિઝનના ચંપાવતમાં એનએચ–૯ બંધ કરી દેવામાં આવ્યો છે. શ્રીનગર અને જમ્મુ વચ્ચેના નેશનલ હાઈવે ૪૪ પર પંથયાલ ટનલના એન્ટ્રી પર રોડનો મોટો ભાગ ધોવાઈ જવાથી વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.

શ્રીનગર ખીણને દેશ સાથે જાેડતા ત્રણ માર્ગો એનએચ-૪૪, મુગલ રોડ અને લેહ-લદ્દાખ રોડ પર ભૂસ્ખલનને કારણે વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. કાશ્મીરમાં ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા બે દિવસ માટે રોકી દેવામાં આવી હતી. તે રવિવારે ફરી શરૂ કરવામાં આવી હતી.

ભારે વરસાદને કારણે ૬ હજાર અમરનાથ યાત્રીઓ રામબનમાં અટવાયા હતા. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વરસાદને કારણે સમગ્ર વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. અનેક જગ્યાએ પાણી ભરાયાં હતા. રસ્તાઓથી લઈને અંડરપાસ સુધી પાણી ભરાઈ ગયાં હતા.

મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરન , ત્રિપુરા, ઓડિશા, ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્રમાં આગામી બે દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવતાં સ્થાનિક તંત્ર એલર્ટ થઈ ગયાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.