Western Times News

Gujarati News

પાણી, સફાઈ, લાઈટ વેરા વધારા મુદ્દે ૩૦૦૦ લોકોએ કરેલી વાંધા અરજી

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ નગર પાલિકા ખાતે બુધવારથી સૂચિત વેરા વધારા સામે આવેલી ૩૦૦૦ જેટલી વાંધા અરજીઓની આજથી સુનાવણી હાથ ધરાઈ હતી.પરંતુ અરજદારોને સમયસર બોલાવી પદાધિકારીઓ જ સમયસર ન આવતા લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે.

ભરૂચ પાલિકા શાસકોએ અગાઉની સામાન્ય સભામાં પાણી,લાઈટ અને સફાઈ વેરો વધારવા સૂચિત વેરા વધારા દરખાસ્ત કરી હતી.એક મહિના સુધી શહેરીજનોની વાંધા અરજીઓ મેળવાઈ હતી. સૂચિત વેરા સામે ૩૦૦૦ લોકોએ વાંધા અરજીઓ કરી હતી.

જેની સુનાવણી આજથી હાથ ધરવામાં આવી હતી.જાેકે પેહલા દિવસે જ પ્રજાએ પાલિકામાં અવ્યવસ્થાનો સામનો કરવો પડ્યો હતો. મંગળવારે બપોર બાદ અરજદારોને નોટિસો બજાવી બુધવારે સવારે ૧૦ઃ૩૦ કલાકનો સમય અપાયો હતો.

પાલિકામાં ૨૦૦ જેટલા અરજદારો વાંધો રજૂ કરવા પહોંચી ગયા હતા પણ ૧૧ કલાક સુધી સત્તાધીશો કે પદાધિકારીઓ દેખાયા ન હતા. કિન્નર સમાજના અગ્રણી કોકિલા માસીએ પાલિકા પર ભારે જનઆક્રોશ ઠાલવ્યો હતો અને જણાવ્યુ હતું કે પાણી વેચાતું લેવું પડતું હોય,પૈસા આપી સફાઈ જાતે કરાવવી પડતી હોય,

સેવા જ ન મળતી હોય તો સેવા સદન શી કામની કહી પોતાનો રોષ ઠાલવ્યો હતો. વિરોધ પક્ષના નેતા સમસાદઅલી સૈયદ,સલીમ અમદાવાદી સહિતે પણ શાસકોની સૂચિત વેરા સામે વાંધા અરજી સાંભળવાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા અને ત્રણ દિવસ પહેલા કે ૨૪ કલાક પેહલા વાંધા અરજીની સુનાવણીની જાણ કર્યા વગર લોકોને બોલાવી શાસકો પોતે મનમાની કરી રહ્યા હોવાના આક્ષેપો પણ કરાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.