Western Times News

Gujarati News

વિધાતા કોપે તો ગુરૂ બચાવે છે ૫ણ ગુરૂ કોપે તો જગતમાં કોઇ રક્ષણ કરતું નથી

પ્રતિકાત્મક

નવીવાડી ખાતે ગુરૂ પૂજન અને લઘુ-રામકથા યોજાઇ

શહેરા તાલુકાના નવીવાડી ગામમાં આવેલ શ્રી ચામુંડા માતાના મંદિર ખાતે અમદાવાદના તપોનિષ્ઠ બાળ બ્રહ્મચારી ભાગવત કથાકાર પ.પૂ.સંતશ્રી શરદભાઇ ત્રિવેદી (અમરેલીવાળા)ની નિશ્રામાં સદગુરૂ પૂજન અને લઘુ-રામકથાનું આયોજન કરવાં આવ્યું હતું.સવારે ગુરૂપૂજન ત્યારબાદ બપોરના ૩ થી ૬ દરમ્યાન લઘુ-રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વ્યાસપીઠ ઉપરથી પોતાના પ્રવચનમાં સંતશ્રીએ કહ્યું હતું કે જેનો પ્રત્યેક વ્યવહાર જ્ઞાન અને ભક્તિ, વૈરાગ્યથી ભરેલો છે અને એક પળ પણ પ્રભુ પરમાત્માના દર્શન વગર રહી શકતા નથી તે મહાત્મા સદગુરૂ છે.જગતમાં ગુરૂ સુલભ છે પણ સદગુરુ મળવા દુર્લભ છે.સત્ય પરમાત્માનાં પ્રત્યક્ષ દર્શન કરાવે,સર્વમાં ઈશ્વરનાં દર્શન કરે તે સદગુરૂ.માત્ર શબ્દોથી ઉપદેશ આપે તેને ગુરૂ કહેવાય.અત્યારના જમાનામાં આવા ગુરૂ ઠેર ઠેર જોવા મળે છે.

કોઈના કહેવાથી આ જીવ ભક્તિ કરતો નથી કે પરમાત્માના માર્ગે વળતો નથી. પ્રભુની કૃપા થાય તો જ ભક્તિનો રંગ લાગે છે.કોઇના ગુરૂ થવાની ઇચ્છા ના રાખશો.ગુરૂ થવું હોય તો મનના ગુરૂ થાવ.ભગવાનની જેમ ગુરૂ ચરણોમાં દ્દઢ ભક્તિ રાખવી,કોઇના પ્રત્યે દોષદ્દષ્ટિ કરવી નહી અને વ્યર્થ તેમજ અસત્ય ભાષણથી દૂર રહેવું.

સત્સંગ વિના વિવેક આવતો નથી અને ભગવાન શ્રીરામની કૃપા વિના એ સત્સંગ સહેલાઇથી મળતો નથી.જન્મ-મરણ,સુખ-દુઃખોના ભોગહાનિ અને લાભ વહાલાઓનો સંયોગ-વિયોગ આ બધાં કાળ અને કર્મને આશ્રિત છે.ભાવિ સર્વથી પ્રબળ છે.હાનિ-લાભ,જીવન-મરણ,યશ-અ૫યશ એ તમામ દૈવના હાથમાં છે. શસ્ત્રધારી,રહસ્ય જાણનાર પાડોશી,રાજા,શઠ,ધનવાન,વૈદ,ચારણ-ભાટ,કવિ અને પંડીતજન એ નવ સાથે વિરોધ કરવામાં કલ્યાણ નથી.

મિત્ર માલિક પિતા અને ગુરૂ તેમના ઘેર વગર બોલાવ્યે ૫ણ જવું જોઇએ પરંતુ જો તેઓ વૈર રાખતા હોય તો તેઓના ઘેર જવાથી કલ્યાણ થતું નથી.જે પ્રાણીના હ્રદયમાં શ્રી હરિની ભક્તિ નથી તેઓ જીવતાં શબ સમાન છે.જે જીભ પ્રભુ ૫રમાત્માનાં ગુણગાન કરતી નથી તે જીભ દેડકાની જીભ જેવી છે.

જો વિધાતા કોપે તો ગુરૂ બચાવે છે ૫ણ ગુરૂ કોપે તો જગતમાં કોઇ ૫ણ રક્ષણ કરતું નથી.ક્રોધ જ તમામ પાપોનું મૂળ છે.ક્રોધને વશ થયેલો માનવ અનુચિત કૃત્યો કરે છે અને જગતથી ઉલટો ચાલે છે.હલકા માનવીને ગમે તેટલો ઉંચો બનાવો અને માન આપો પરંતુ છેવટે તે દગો દીધા વિના રહેતો નથી.

દારૂ અને દારામાં ફસાય છે તે જીવનના સાચા અમૃતથી વંચિત રહી જાય છે.ભોગો ભોગવવાથી તૃપ્તિં થતી નથી,ભોગોના ત્યાગથી જ શાંતિ મળે છે.જન્મથી કોઇ ખરાબ હોતું નથી કુસંગથી જ માણસ બગડે છે.મનને ખુબ ૫વિત્ર રાખીએ કારણ કે મન તો મર્યા ૫છી ૫ણ સાથે આવવાનું છે.જેના મનમાં કામ છે એનું સ્મરણ કરશો તો એનો કામ તમારા મનમાં આવશે.

જ્યારે ધ્યાન કરતાં મન ચંચળ બને ત્યારે ૫રમાત્માના નામનું વારંવાર સુમિરણ કરો.૫રમાત્માનો પ્રેમ મેળવવો હશે તો વિષયોનો પ્રેમ છોડવો ૫ડશે.જે મનુષ્ય બીજા જીવોનું અપમાન કરે છે તે પરમાત્માનું પૂજન કરે છે તો પણ તેનાથી પરમાત્મા પ્રસન્ન થતા નથી.

પોતાનું મન કેવું છે? તે જાણવું હોય તો રામાયણ વાંચવું જોઈએ.જેનો ઘણો સમય નિંદ્રા અને આળસમાં જાય તો તે કુંભકર્ણ છે,પર-સ્ત્રીનું કામ-ભાવથી ચિંતન કરે તે રાવણ છે.રાવણ કામ છે.કામ રડાવે છે,દુઃખ આપનાર છે,રડાવે તે રાવણ અને પરમાનંદમાં રમાડે તે રામ. -વિનોદભાઇ માછી નિરંકારી નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ ૯૭૨૬૧૬૬૦૭૫(મો)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.