Western Times News

Gujarati News

ઇન્ડિયન પ્લાસ્ટિક ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ‘એડવાન્સમેન્ટ્સ એન્ડ ઇનોવેશન્સ ઇન ફલેક્સિબલ પેકેજિંગ’ વિષય પર નેશનલ સેમિનાર યોજાયો

સહકાર અને ગ્રામોદ્યોગ મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિ-રાષ્ટ્રીય પરિસંવાદમાં પેકેજિંગના પડકારો તથા ઇનોવેશન વિશે વિસ્તૃત ચર્ચા કરાઈ

-: રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા :-

પ્લાસ્ટિક પેકેજિંગ સંદર્ભે 3R – Recycling, Reuse & Reduce પર કામ કરવું જરૂરી -વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લાં 9 વર્ષમાં દેશે અનેક સિદ્ધિઓ હાંસલ કરી

અમદાવાદ ખાતે ઇન્ડિયન પ્લાસ્ટિક ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ‘એડવાન્સમેન્ટ્સ એન્ડ ઇનોવેશન્સ ઇન ફલેક્સિબલ પેકેજિંગ’ વિષય પર નેશનલ સેમિનાર યોજાયો હતો. જેમાં સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ રાષ્ટ્રીય સેમિનારમાં પેકેજિંગ ટ્રેન્ડ્સ, રિસાઇકલ પેકેજિંગ, પ્રિન્ટિંગ, ઇપીઆર, ઓટોમેશન, વેલ્યૂ એડીશન ઇન ફલેક્સિબલ પેકેજિંગ પર વિચારો રજૂ કરવામાં આવ્યા હતા.

આ અંગે રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ ફ્લેક્સિબલ પ્લાસ્ટિક પેકેજિંગના વિવિધ એડવાન્ટેજ વિશે વાત કરી હતી. જેવા કે, ફ્રીડમ ટુ કસ્ટમાઈઝ, એનહેન્સ પ્રોટેક્શન, રી-યુઝેબલ, મિનિમમ પ્રોડક્શન કોસ્ટ, એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પર વાત કરી હતી.

આ પ્રસંગે મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, પ્લાસ્ટિક પેકેજિંગ સંદર્ભે 3R – Recycling, Reuse & Reduce પર કામ કરવું ખૂબ જરૂરી.

પ્લાસ્ટિકના વ્યવસ્થાપન માટે ગુજરાતની પહેલ વિશે વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર પર્યાવરણની જાળવણીની દિશામાં યોગ્ય કામગીરી કરી રહી છે. તેમણે કહ્યું કે, છેલ્લા છ મહિનામાં કુલ 1.60 લાખ કિલો પ્લાસ્ટિક કચરો એકત્રિત કરી તેનો નિયમ મુજબ નિકાલ કરવામાં આવ્યો છે.

અને પ્લાસ્ટિકના ઉપયોગની આડઅસર, પ્લાસ્ટિક કચરાને છુટ્ટો પાડી તેના નિકાલ બાબતે લોકોને જાગૃતિ લાવવા અનેક કાર્યક્રમ કરવામાં આવ્યા છે. આ રીતે પ્લાસ્ટિક મુક્ત ગુજરાત અને પ્લાસ્ટિક કચરાના નિકાલ માટે રાજય સરકારે વિવિધ ઝુંબેશ ઉપાડી છે.

વધુમાં રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સૌપ્રથમ 2009માં ક્લાઈમેટ ચેન્જ વિભાગ શરૂ કર્યો હતો. ત્યારે આપણું ગુજરાત સમગ્ર વિશ્વમાં ક્લાઈમેટ ચેન્જ વિભાગ શરૂ કરવામાં ત્રીજું રાજ્ય અને એશિયામાં પહેલું રાજ્ય હતું.

આ ઉપરાંત તેમણે કેન્દ્ર સરકારની 9 વર્ષના સુશાસનની સિદ્ધિઓ વર્ણવતા કહ્યું કે, 2014 પહેલા દેશનું સકળ ઘરેલું ઉત્પાદન(GDP) 1.8 ટ્રિલિયન હતું, જે છેલ્લાં 9 વર્ષોમાં 3.7 ટ્રિલિયને પહોંચ્યો છે. તેવી જ રીતે પર કેપિટા GDP 2014 પહેલા 78K હતો, જે છેલ્લાં 9 વર્ષોમાં તે આંક 115K પર પહોંચ્યો છે.

આ સેમિનારમાં વિવિધ તજજ્ઞોએ ઇનોવેશન એન્ડ એડવાન્સમેન્ટ ફોર ફલેક્સિબલ પેકેજિંગ વિષય પર પોતાનાં મંતવ્યો રજૂ કર્યાં હતાં. આશરે 350 જેટલા ડેલિગેટ્સ ઉત્સાહભેર ભાગ લઈ ફલેક્સિબલ પેકેજિંગ ક્ષેત્રમાં થઈ રહેલ નવા ડેવલપમેન્ટ વિશે માહિતગાર થયા હતા.

આ પ્રસંગે શ્રી ડૉ. એન.સી. સાહા, શ્રી બિશ્વનાથ બાસુ, શ્રી અભય ઉપાધ્યે, શ્રી રાજીવ ત્રિવેદી, શ્રી પ્રશાંત ત્રિવેદી સહિત પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના લોકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.