Western Times News

Gujarati News

કપલનાં રીલ બનાવવાનાં ચક્કરમાં બાઈક ફ્લાયઓવર પરથી નીચે પટકાતા રેલ્વે એન્જિનીયરનું મોત

વારાણસી, સોશિયલ મીડિયાની ઘેલછા લોકોમાં વધી રહી છે. જાે તમે પણ ઈન્સ્ટાગ્રામ વાપરતા હશો તો તમારા ધ્યાનમાં પણ ઘણી રીલ્સ એવી આવી હશે, જેમાં કોઈ બ્રિજની પાળી પર ચડીને સ્ટંટ કરતું હોય અથવા ગાંડાતુર દરિયા પાસે ઉભા રહ્યા હોય અથવા તો ટ્રેનના ડબ્બા પર ચડીને ડાન્સ કરતાં હોય, પરંતુ લાઈક્સ મેળવવાના ચક્કરમાં આવી બધી હરકતો ક્યારેક મોતનું કારણ બની શકે છે. Railway engineer dies after bike falls from flyover while making reel

હાલમાં જ વારાણસીના શિવપુરના ગંજરી વિસ્તારમાં ફ્લાયઓવર બ્રાન્ડ ન્યૂ બાઈક પર રીલ બનાવી રહેલા કપલે કાબૂ ગુમાવ્યો હતો અને તે નીચે એક કાર પર પટકાયું હતું, જેના કારણે ડ્રાઈવરનું મોત થયું હતું જ્યારે તેનો મિત્ર ઈજાગ્રસ્ત થયો હતો.

આ ઘટના રવિવારે બની હતી, જેમાં બાઈક પર સવાર કપલને કોઈ જ ઈજા પહોંચી નહોતી અને તેઓ રજિસ્ટ્રેશન નંબર વગરની બાઈક ત્યાં જ છોડીને ફરાર થઈ ગયા હતા. કાર જ્યારે ફ્લાયઓવરની નીચેના અંડરપાસથી પસાર થઈ રહી હતી ત્યારે ટક્કર વાગી હતી. પોલીસે ઉમેર્યું હતું કે, બાઈક પહેલા ડિવાઈડર સાથે અથડાઈ હતી અને બાદમાં ફ્લાયઓવરના ખુલ્લા ભાગમાંથી નીચે અંડરપાસમાં પડી હતી. મૃતક સર્વેશ શંકર રેલવે એન્જિનીયર હતો.

તેના મિત્ર આદિત્ય વર્માને ગંભીર ઈજા પહોંચી હતી અને હાલ તે શહેરની એક હોસ્પિટલમાં દાખલ છે, તેમ પોલીસે જણાવ્યું હતું. બાઈકના ચેસિસ નંબરના આધારે કપલની ઓળખ કરવાના પ્રયાસ ચાલુ છે. શિવપુરના ઈન્સપેક્ટર બૈજનાથ સિંહે કહ્યું હતું કે, પ્રત્યક્ષદર્શીઓએ કપલ સોશિયલ મીડિયા રીલ બનાવી રહ્યું હોવાનું કહ્યું હતું.

યુવકે કાબૂ ગુમાવ્યો હતો અને બંને ફ્લાયઓવરથી નીચે પટકાયા હતા. બંને ભાગી ગયા હતા, બાઈર રેલિંગ સાથે અથડાયા બાદ ફંગોળાઈ હતી અને કાર પર પડી હતી. અમે બાઈકના માલિકની શોધ શરૂ કરી છે’, તેમ બૈજનાથ સિંહે ઉમેર્યું હતું. ઈન્સપેક્ટરે કહ્યું હતું કે, અકસ્માત બાદ ફ્લાયઓવર પરથી કોઈ મળ્યું નહોતું. ‘અજાણ્યા શખ્સ સામે કેસ નોંધવામાં આવ્યો છે. બાઈકનો માલિક હાથમાં આવ્યા બાદ જ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવશે’, તેમ તેમણે કહ્યું હતું.

પોલીસે જણાવ્યું હતું કે, ચોલાપુરના ગંજરીનો રહેવાસી સર્વેશ પ્રયાગરાજમાં પૂર્વ મધ્ય રેલવેના વીજળી વિભાગમાં તૈનાત હતો અને રજા પર વારાણસી સ્થિત ઘરે આવ્યો હતો. જ્યારે દુર્ઘટના સર્જાઈ ત્યારે તે આદિત્ય સાથે માર્કેટમાં જઈ રહ્યો હતો. ‘સર્વેશને માથામાં ઈજા થઈ હતી અને ઘટનાસ્થળ પર જ તેનું મોત થયું હતું.

બાઈક કોણ ચલાવી રહ્યું હતું તે ત્યાં હાજર લોકો શોધી શકે તે પહેલા જ તેઓ ફરાર થયા હતા’, તેમ ઈન્સપેક્ટરે કહ્યું હતું. મળી રહેલી માહિતી પ્રમાણે, મૃતક સર્વેશની સગાઈ હજી પહેલી જુલાઈના રોજ જ થઈ હતી અને ખૂબ જલ્દી પરિવાર લગ્નની તારીખ પણ નક્કી કરવાનો હતો. સર્વેશ દર શનિવારે પ્રયાગરાજથી ઘરે આવતો હતો અને રવિવારે પરત જતો હતો. સર્વેશની ચાર બહેનોના લગ્ન થઈ ચૂક્યા છે અને તે સૌથી નાનો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.