Western Times News

Gujarati News

ભારતમાં હાલ વાઘની કુલ વસ્તી 3167 થઈઃ એક દાયકામાં વાઘની સંખ્યા બમણી થઈ

વિશ્વ વાઘ દિવસ 2023-આ દિવસની ઉજવણી કુદરતી વસાહતો તેમજ વાઘની સંખ્યામાં વધારો કરવા માટે ખૂબ જ મહત્વની છે

કેન્દ્ર સરકારના સાર્થક પ્રયત્નોથી છેલ્લા એક દાયકામાં વાઘની સંખ્યા બમણી થઈ-આપણે સૌ જાણીએ છીએ કે દર વર્ષે 29મી જુલાઈને રોજ વિશ્વ વાઘ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આજથી 13વર્ષ પહેલા વર્ષ 2010માં રશિયાના સેન્ટ પીટર્સબર્ગ શહેરમાં આયોજિત ટાઈગર સમિટમાં 29 જુલાઈને વિશ્વ વાઘ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ સંમેલનમાં ભારત સહિત વિશ્વના અન્ય દેશોએ વર્ષ 2022 સુધીમાં વાઘની સંખ્યા બમણી કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો. જેમાં ભારત દેશની વાત કરીએ તો, કેન્દ્ર સરકારના સાર્થક પ્રયત્નોથી વર્ષ 2018માં જ વાઘની સંખ્યા બમણી કરવાના લક્ષ્યાંકને પૂર્ણ કરાયો હતો, અને હાલમાં વર્ષ 2023માં વાઘની કુલ સંખ્યા  3167 જેટલી થઈ છે. જે આપણા સૌ માટે ખૂબ જ ગર્વની બાબત છે.

International Tiger Day

આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ વાઘના સંવર્ધન અને વાઘની વસ્તીમાં થતા ઘટાડાને રોકવા અને કુદરતી વસાહતોને બચાવવાની સાથે લોકજાગૃતિ ફેલાવવાનો છે.

ભારત સરકાર દ્વારા ઇન્ડિયન બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફ (IBWL)ના સૂચનથી 9 જુલાઈ, 1969ના રોજ રાષ્ટ્રીય પ્રાણી તરીકે રોયલ બેંગલ ટાઇગરને માન્યતા આપવામાં આવી હતી.

ભારત સરકાર દ્વારા વર્ષ 1973માં વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત કરવામાં આવી જે અંતર્ગત વાઘની સંખ્યામાં વધારો કરવા માટે કુદરતી વસાહતોની જાળવણી અંગે અનેક પગલાં લેવા માટે કાર્યક્રમ કરાયા હતા.

વાઘનું વૈજ્ઞાનિક નામ પેંથરા ટાઇગ્રિસ છે. આપણા દેશમાં આ દિવસની ઊજવણીને ગ્લોબલ ટાઈગર ડે તરીકે પણ ઓળખવામાં આવે છે.

વર્ષ 2018માં પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા m-strips ‘Monitoring system for Tigers Intensive Protection and Ecological Status’ એપ્લિકેશનનો ઉપયોગ કરીને એકત્રિત આંકડા અનુસાર તૈયાર કરાયેલ રિપોર્ટ મુજબ વાઘની સંખ્યા 2967 હતી જેમાં હાલમાં કુલ 200 જેટલી સંખ્યાનો નોંધપાત્ર વધારો થયો છે. એટલે કે હાલમાં વાઘોની સંખ્યામાં કુલ ૩૩ ટકા વૃદ્ધિ જોવા મળી રહી છે.

હાલમાં ભારતમાં મધ્યપ્રદેશ, કર્ણાટક અને ઉત્તરાખંડ સૌથી વધુ વાઘની વસ્તી ધરાવતા રાજ્યો છે.

મધ્યપ્રદેશ રાજ્યને ટાઈગર સ્ટેટ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે, આ સાથે જ વર્ષ 2020માં ઉત્તરપ્રદેશના ‘પિલીભીત ટાઈગર રિઝર્વ’ને TX2 પુરસ્કાર 2020 અને ‘ટ્રાન્સબાઉન્ડ્રી માનસ કન્ઝર્વેશન એરીયા’ ને વાઘ સંરક્ષણ ઉત્કૃષ્ટ પુરસ્કાર મળેલ છે. આ પુરસ્કાર મેળવનાર ‘ પિલીભીત ટાઇગર રિઝર્વ’ ભારતનો પ્રથમ ટાઈગર રિઝર્વ છે.

દેશનો લગભગ 2.3% ભૌગોલિક ક્ષેત્ર વાઘ અભ્યારણ અંતર્ગત આવે છે. સૌપ્રથમ વાઘની ગણતરી વર્ષ 2006 માં કરવામાં આવી હતી, ત્યારથી પ્રત્યેક ચાર વર્ષે વાઘની ગણતરી કરવામાં આવે છે. વિશ્વના લગભગ 70% વાઘ તો માત્ર ભારતમાં જ જોવા મળે છે. જે આપણા દેશ માટે ગૌરવની બાબત છે. જેને નિહાળવા અનેક પર્યટન સ્થળો પણ વિકસાવવામાં આવ્યા છે જેથી વિદેશના લોકો પર્યટન માટે અહીં આવી જંગલ સફારીની મોજ માણે છે. – મિતેષ સોલંકી (પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.