Western Times News

Gujarati News

દાંતીવાડા ડેમ વિસ્તારમાં પ્રજાની અવર-જવર પર પ્રતિબંધ મૂકાયો

પાલનપુર, કાર્યપાલક ઈજનેર, ડીસા સિંચાઈ વિભાગ દ્વારા ચાલુ ચોમાસા દરમિયાન દાંતીવાડા ડેમની સપાટી તા.૧૩.૭.ર૦ર૩ના રોજ પ૯૬.રપ ફૂટ પહોંચેલ છે જેનો જથ્થો ગણતા આશરે ૭૮.રપ ટકાથી વધુ થયેલ છે. વધુમાં ચોમાસુ ચાલુ હોય વધુ વરસાદ થાય તો ડેમ તેની પૂર્ણ સપાટીએ ભરવાનું આયોજન કરેલ છે

પરંતુ ચોમાસા દરમ્યાન વધુ પાણીની આવક થાય તો બંધમાંથી પાણી નીચે વાસમાં નદીમાં છોડવાનું થાય. અગાઉના વર્ષોના અનુભવ મુજબ આ સમય દરમ્યાન ઘણી બહોળી સંખ્યામાં લોકો (પ્રવાસીઓ) ડેમની મુલાકાત લેતા હોય છે

જયારે હાલમાં ડેમ ૭૮.રપ ટકાથી વધુ ભરેલ હોય ત્યારે ડેમની સલામતી તથા પ્રવાસીઓ જાહેરજનતાની સલામતી ધ્યાને લેતા આ સમયગાળાદરમિયાન દાંતીવાડા જળાશય યોજનામાં દાંતીવાડા ડેમ તથા આજુબાજુના વિસ્તારમાં પ્રવાસીઓ જાહેર જનતાના આવવા-જવા પર પ્રતિબંધ મુકવા દરખાસ્ત રજૂ થયેલ છે

જે અન્વયે વરૂણકુમાર બરનલાલ (આઈ.એ.એસ) જિલ્લા મેજીસ્ટ્રેટ, બનાસકાંઠા પાલનપુર ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમથી મળેલ સત્તાની રૂએ પ્રવાસીઓ/ જાહેર જનતાના પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ મુકવાનો હુકમ કરવામાં આવ્યો છે.

સદર જાહેરનામુ જળ સંપતિ વિભાગના સ્ટાફ, દાંતીવાડા જળાશય યોજના ઉપર ચાલતી કામગીરીમાં રોકાયેલ ઈજારદારના શ્રમિકો તથા સરકારી પ્રતિનિધીઓને લાગુ પડશે નહી. સદરહું પ્રતિબંધ તા.૧૭.૭.ર૦ર૩થી તા.૧૪.૯.ર૦ર૩ સુધી (બંને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે.

આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં કાર્યપાલક ઈજનેર, ડીસા સિંચાઈ વિભાગની કચેરીમાં ફરજ બજાવતા વર્ગ-૩ કે તેથી ઉપરનો હોદ્દો ધરાવનાર કર્મચારી/ અધિકારી, પોલીસ અધિક્ષકના દરજજાથી હેડ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારી/ કર્મર્ચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય દંડ સહિતનાની કલમ-૧૮૮ મુજબ ફરીયાદ કરવા અધિકૃત કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.