Western Times News

Gujarati News

અમદાવાદ જિલ્લામાં ૧૬ નર્સરીમાં કુલ ૩૪.૪૫ લાખ રોપા ઉછેરી વિતરણ કરાયું

Van Mahotsav at Surendranagar

૭૪મો વન મહોત્સવ – અમદાવાદ જિલ્લો-પ્રકૃતિના જતન, સંરક્ષણ અને સંવર્ધન સાથે વિકાસ તરફ આગેકૂચ કરતો અમદાવાદ જિલ્લો

અમદાવાદ જિલ્લામાં ચાલુ વર્ષે મહિલા નર્સરીઓને ૧૧ લાખ રોપા તૈયાર કરવા માટે રૂ. ૧૫.૯૪ લાખની સહાયની રકમ ચૂકવાઈ

ચાલુ વર્ષે હરિત વસુંધરા પ્રોજેકટ અંતર્ગત સાણંદ તાલુકામાં એક હેકટર વિસ્તારમાં વન કવચ બનાવવામાં આવ્યું, જેમાં દસ હજાર વૃક્ષોનું વાવેતર થયું

દેશની વનસંપદા અને વૃક્ષોની સંખ્યામાં વધારો થાય તેવા ઉમદા હેતુસર ગુજરાત રાજ્યના સ્થાપના કાળથી રાજ્ય સ્તરીય વન મહોત્સવ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં દર વર્ષે ઊજવાતો હતો. પરંતુ દેશના દીર્ધદૃષ્ટા વડાપ્રધાન અને રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્ય સ્તરીય વન મહોત્સવ માત્ર

પાટનગરમાં જ સીમિત ન રાખતા રાજ્યના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધામિક દૃષ્ટિએ અગત્યતા ધરાવતા રાજ્યનાં જુદાં જુદાં સ્થળોએ ઊજવવાની શરૂઆત વર્ષ ૨૦૦૪થી કરી અને આ સાથે ઉજવણી સ્થળે સાંસ્કૃતિક વન સ્થાપનાની એક નવી પહેલ અને પરંપરા શરૂ થઈ. આ પરંપરાને આગળ લઇ જતા વર્ષ ૨૦૨૨ સુધીમાં રાજ્યમાં કુલ ૨૨ સાંસ્કૃતિક વનોની સ્થાપના કરવામાં આવી છે.

આમ, આપણા હાલના વડાપ્રધાન અને ગુજરાત રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૪માં ‘સાંસ્કૃતિક વન’ નિર્માણનો નવો અભિગમ આપી હરિયાળી ક્રાંતિ માટે નવો રાહ ચિંધ્યો હતો. આ સાથે વન વિભાગ દ્વારા વૃક્ષ વાવેતરના થઈ રહેલા પ્રયાસો પણ આવકારદાયક છે. જેમાં અમદાવાદ જિલ્લો પણ પ્રકૃતિના જતન, સંરક્ષણ અને સંવર્ધન સાથે વિકાસ તરફ આગેકૂચ કરી રહ્યો છે.

અમદાવાદને હરિયાળું બનાવવા માટે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કરાયેલી કામગીરી અંગે વિગતવાર માહિતી આપતા અમદાવાદના સામાજિક વનીકરણ વિભાગના
નાયબ વન સંરક્ષક અધિકારીએ કહ્યું કે, અમદાવાદ જિલ્લામાં વન મહોત્સવ યોજના હેઠળ ૧૬ નર્સરીમાં કુલ ૩૪.૪૫ લાખ રોપા ઉછેરી વિતરણ કરવામાં આવેલું છે. અમદાવાદ જિલ્લામાં ચાલુ વર્ષે મહિલા નર્સરીઓને ૧૧ લાખ રોપા તૈયાર કરવા માટે રૂ. ૧૫.૯૪ લાખની સહાયની રકમ ચૂકવવામાં આવી છે.

તેમણે વધુમાં કહ્યું કે, અમદાવાદ જિલ્લામાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત પાંચ જગ્યાઓએ નમો વડ વનમાં કુલ ૩૭૫ વડ વૃક્ષનું પણ વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે સાણંદ તાલુકાના માધવનગર ખાતે આઠ હેકટર વિસ્તારમાં ૬૪૦૦ રોપા વાવેતર કરી નગર વન બનાવવામાં આવ્યું છે.

આ વર્ષે હરિત વસુંધરા પ્રોજેક્ટ અંતર્ગત સાણંદ તાલુકામાં એક હેકટર વિસ્તારમાં વન કવચ બનાવવામાં આવ્યું છે. જેમાં દસ હજાર વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું છે. આ સાથે અમદાવાદ વન વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ કુલ ૬૬૫ હેકટર વિસ્તારમાં ખેડૂત લાભાર્થીઓ દ્વારા વાવેતર કરવામાં આવ્યું છે, આ વાવેતર બદલ ખેડૂત લાભાર્થીઓને કુલ ૬૯.૫૬ લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે.

વર્ષ ૨૦૨૧માં પાંચમી વૃક્ષ ગણતરી મુજબ અમદાવાદ જિલ્લામાં કુલ ૬૬.૧૦ લાખ વૃક્ષ ગણવામાં આવ્યા છે. જેમાં જિલ્લામાં પ્રતિ હેકટરે ૯.૪૬ વૃક્ષોની ગીચતા છે. જે અગાઉની વૃક્ષ ગણતરી ધ્યાને લેતાં ૧૪.૯૬ લાખ વૃક્ષોનો વધારો અને પ્રતિ હેકટરે ૧.૦૬ વૃક્ષની ગીચતામાં વધારો થયો છે.

અમદાવાદ જિલ્લાના ૧૦ તાલુકાઓમાં વૃક્ષ રથ થકી ૩૮ રૂટ બનાવી ૪૫૯ ગામો આવરી લઇ વાવેતર અને વિતરણ કરાશે

૭૪મા વન મહોત્સવ અંતર્ગત અમદાવાદ જિલ્લાના ૧૦ તાલુકા કક્ષાના વન મહોત્સવ, ૩૨૫ ગ્રામ્ય કક્ષા વન મહોત્સવ તેમજ ૧૦ તાલુકાઓમાં વૃક્ષ રથ થકી ૩૮ રૂટ બનાવી ૪૫૯ ગામો આવરી લઇ વાવેતર અને વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.

૨૦૨૨ સુધીમાં રાજ્યમાં કુલ ૨૨ સાંસ્કૃતિક વનનું નિર્માણ થયુ

સૌ પ્રથમ ગાંધીનગર ખાતે વર્ષ ર૦૦૪માં પ્રથમ સાંસ્‍કૃતિક વનનું નિર્માણ કર્યું અને તે આજે પુનિત વન તરીકે ઓળખાય છે. ત્યારબાદ વર્ષ ર૦૦પમાં બનાસકાંઠા જિલ્‍લાના અંબાજી ખાતે ‘માંગલ્‍ય વન, વર્ષ ર૦૦૬માં મહેસાણા જિલ્‍લાના તારંગા ખાતે તીર્થંકર વન, વર્ષ ર૦૦૭માં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે હરિહર વન, વર્ષ ર૦૦૮માં સુરેન્‍દ્રનગર જિલ્‍લાના ચોટીલા ખાતે ભકિત વન,

વર્ષ ર૦૦૯માં સાબરકાંઠા જિલ્‍લાના શામળાજી ખાતે શ્‍યામલ વન, વર્ષ ર૦૧૦માં ભાવનગર જિલ્‍લાના પાલીતાણા ખાતે પાવક વન, વર્ષ ર૦૧૧માં વડોદરા જિલ્‍લાના પાવાગઢ ખાતે વિરાસત વન, વર્ષ ર૦૧રમાં મહિસાગર જિલ્‍લાના માનગઢ ખાતે ગોવિંદગુરુ સ્‍મૃતિ વન, વર્ષ ૨૦૧૩માં દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના દ્વારકા ખાતે નાગેશ વન, વર્ષ ૨૦૧૪માં રાજકોટ જિલ્‍લાના કાગવડ ખાતે શક્તિ વન, વર્ષ ૨૦૧૫માં નવસારી જિલ્‍લાના ભીનાર ખાતે જાનકી વન,

વર્ષ ૨૦૧૬માં આણંદ જિલ્લાના વહેરાખાડી ખાતે મહિસાગર વન, વર્ષ ૨૦૧૬માં વલસાડ જિલ્‍લાના કપરાડા ખાતે આમ્રવન, વર્ષ ૨૦૧૬માં સુરત જિલ્‍લાના બારડોલી ખાતે એકતા વન, વર્ષ ૨૦૧૬માં જામનગર જિલ્‍લાના ભૂચરમોરી ખાતે શહીદ વન, વર્ષ ૨૦૧૭માં સાબરકાંઠા જિલ્‍લાના વિજયનગર ખાતે વીરાંજલિ વન, વર્ષ ૨૦૧૮માં કચ્છ જિલ્‍લાના ભુજ તાલુકા ખાતે ‘રક્ષક વન’, વર્ષ ૨૦૧૯માં અમદાવાદના ઓઢવ ખાતે ‘જડેશ્વર વન’ વર્ષ ૨૦૨૦માં રાજકોટ ખાતે ‘રામવન વન’, વર્ષ ૨૦૨૧માં વલસાડ જિલ્‍લાના ઉમરગામ ખાતે ‘મારુતિવંદન વન’, વર્ષ ૨૦૨૨માં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકા ખાતે ‘વટેશ્વર વન’નું નિર્માણ થયું છે.

પંચમહાલના જિલ્લાના જેપુરા-પાવાગઢ ખાતે ૧.૧ હેકટર વિસ્તારમાં નિર્માણ પામેલા ૨૩મા સાંસ્કૃતિક વન – ‘જેપુરા વન કવચ’નું મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ તાજેતરમાં જ કરવામાં આવ્યું છે. અહેવાલ – ગોપાલ મહેતા, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.