Western Times News

Gujarati News

નેનો DAP ઉત્પાદનથી જમીન સંરક્ષણ સાથે ખેડૂતોની આવક વધશે: અમિત શાહ

કચ્છના કંડલામાં ઇફકો ખાતે વિશ્વના પ્રથમ નેનો ડી.એ.પી. (પ્રવાહી) પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરતા કેન્દ્રીય સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહ

આગામી પાંચ વર્ષમાં નવા ૩ લાખ પેક્સ બનાવવાનો લક્ષ્યાંક વ્યક્ત કરતા કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ-

નેનો ડી.એ.પી. ખાતર ક્ષેત્રે વિશ્વમાં ભારતનું નામ રોશન કરશેઃ ઈફકોના ચેરમેનશ્રી દિલીપ સંઘાણી

કેન્દ્રીય ગૃહમંત્રી તથા સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે આજે ગાંધીધામ-કંડલામાં ઇફ્કો ખાતે ૩૫૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા વિશ્વના પ્રથમ નેનો ડી.એ.પી. (પ્રવાહી) પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત સહકારી ક્ષેત્રે જોડાયેલા ખેડૂતોને સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે,

દેશભરમાં સહકારના માધ્યમથી ખેડૂતોને સમૃદ્ધ બનાવવાના નિર્ધાર સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પ્રાકૃતિક કૃષિને પ્રાધાન્ય સાથે નવી હરિયાળી ક્રાંતિ શરૂ થઈ છે. જ્યારે પેક્સના માધ્યમથી ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવા આગામી પાંચ વર્ષમાં નવા ૩ લાખ પેક્સ (પ્રાઇમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટી) બનાવવાનો નિર્ધાર પણ વ્યક્ત કર્યો હતો.

ઈફકો પરિસરમાં નેનો ડી.એ.પી. (પ્રવાહી)  પ્લાન્ટનો શિલાન્યાસ કર્યા બાદ કેન્દ્રીય સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહે ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકારિતા મંત્રાલય બનાવ્યા પછી દેશના ખેડૂતોને સમૃદ્ધ બનાવવાનો જે લક્ષ્યાંક રાખ્યો છે, તેમાં આજે ઈફકો પણ આ પ્લાન્ટના માધ્યમથી જોડાયું છે.

ઈફકોના નવા પ્રવાહી ખાતરથી અનેકવિધ ફાયદા ખેડૂતો તથા ખેતિક્ષેત્રને થશે. તેનાથી ધરતી માતા સુરક્ષિત થશે, જમીનમાં કેમિકલ અને ઝેર નહીં ભળે, ખેડૂતો સામે આજે જમીનને ફળદ્રુપ રાખવાનો જે પડકાર છે, તેમાંથી મુક્તિ મળશે. નેનો ડી.એ.પી. જમીનમાં નથી ઉતરતું, માત્ર છોડમાં જ રહે છે.

તેનાથી પાણી પણ પ્રદૂષિત નહીં થાય, ઉત્પાદન વધશે. વળી, તેનો ભાવ ઓછો હોવાથી ખેડૂતોને આર્થિક ફાયદો થશે. તેનાથી કેન્દ્ર સરકાર પર સબસિડીનો બોજ ઘટશે, યુરિયા ખાતરની આયાત ઘટશે અને ભારતને કૃષિ તથા ખાતર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું લક્ષ્ય છે, તેમાં મદદ મળશે.

માત્ર દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં નેનો ખાતરના ઉત્પાદનની ઈફકોની પહેલને બિરદાવતા તેમણે કહ્યું હતું કે, આજે દેશમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પ્રાકૃતિક કૃષિને પ્રાધાન્ય આપવાની સાથે નવી હરિયાળી ક્રાંતિના બીજ રોપાયા છે.  દેશભરના વૈજ્ઞાનિકો, કૃષિ વૈજ્ઞાનિકોના સંશોધન, ખેડૂતોની મહેનત તેમજ વડાપ્રધાનશ્રી મોદીના દૂરંદેશી નેતૃત્વમાં ભારત દેશ આજે અનાજ ક્ષેત્રે આત્મનિર્ભર બન્યો છે.

નવી હરિયાળી ક્રાંતિના ત્રણ લક્ષ્યો અંગે તેમણે જણાવ્યું હતું કે, એક, માત્ર ઘઉં-ચોખા જ નહીં પરંતુ ખાદ્યાન્નના તમામ ક્ષેત્રોના ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવવું. બીજું, ખેડૂતનું પ્રતિ એકર ઉત્પાદન વધારવું તથા જમીનનું સંરક્ષણ કરવું. ત્રીજું, પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોની નિકાસથી ખેડૂતોના ઘર સુધી સમૃદ્ધિ લાવવી.

ઉપરાંત દેશને કૃષિક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા સહકારી મંત્રાલયે ત્રણ મલ્ટી સ્ટેટ સહકારી સોસાયટીઓની રચના કરી છે, એમ જણાવતા શ્રી શાહે કહ્યું હતું કે, એક મલ્ટિસ્ટેટ સોસાયટી બીજ પ્રમાણિકરણ તથા સંવર્ધન માટે કામ કરશે. બીજી સોસાયટી ખેડૂતો દ્વારા ઉત્પાદિત પ્રોડક્ટસનું સર્ટીફિકેશન તથા માર્કેટિંગ માટે કામ કરશે. જ્યારે ત્રીજી સોસાયટી નાનામાં નાના ખેડૂતના ઉત્પાદનોને વિશ્વના માર્કેટમાં પહોંચાડવાના ક્ષેત્રે કામ કરશે. જેનો સીધો નફો ખેડૂતોને મળશે. આમ સહકારના માધ્યમથી સમૃદ્ધિનું લક્ષ્ય સાર્થક થશે.

કેન્દ્રીય મંત્રીશ્રીએ સહકારી ક્ષેત્રને વધુ મજબૂત અને સંગઠિત કરવા માટે સહકાર મંત્રાલય દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાંઓનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, પ્રાઇમરી એગ્રિકલ્ચરલ ક્રેડિટ સોસાયટી એટલે કે પેક્સના બાયલોઝમાં સુધારો કરીને મલ્ટિડાયમેન્શનલ બાયલોઝ બનાવ્યા છે.

પેક્સ હેઠળ હવે પેટ્રોલ પંપ, દવાની દુકાન, સસ્તા અનાજની દુકાન, ડેરી, માછીમાર સમિતિ, બેન્કિંગ સહિતના વિવિધ આયામોને આવરી લેવામાં આવ્યા છે. તેમણે ખુશી સાથે ૧૫ હજાર પેક્સ સી.એસ.સી. (કોમન સર્વિસ સેન્ટર) બન્યા હોવાનું આ તકે જણાવ્યું હતું.

આ સાથે આવનારા પાંચ વર્ષમાં ૩ લાખ નવા પેક્સ રજિસ્ટર કરી કૃષિ ક્ષેત્રને મજબૂતીની નવી ઊંચાઈ આપવામાં આવશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. આ સાથે પેક્સમાં કૃષિ પેદાશોને સ્ટોરેજની નવી સિસ્ટમ ઊભી કરવામાં આવશે. જેનાથી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ બચી જશે. જેનો સીધો ફાયદો કિસાનોનો થશે તેમ કેન્દ્રીય સહકાર મંત્રીશ્રી અમિત શાહે જણાવ્યું હતું.

કેન્દ્રીય મંત્રીશ્રીએ રૂ. ૩૫૦ કરોડના ખર્ચે ઇફ્કોના નિર્માણ થનાર પ્લાન્ટ અંગે વિગતે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી એક વર્ષમાં ત્રણ તબક્કામાં પ્રોડક્શન યુનિટ શરૂ થઈ જશે. આ યુનિટમાં ૫૦૦ એમ.એલ.ની બે લાખ બોટલ પ્રતિદિન ઉત્પાદિત થશે.

વર્ષે છ કરોડ નેનો ડી.એ.પી. બોટલના ઉત્પાદનથી છ કરોડ ડી.એ.પી ખાતરની બોરીઓની આયાત નિવારી શકાશે અને ખાતર ઉપર સરકાર દ્વારા અપાતી ૧૦ હજાર કરોડની સબસિડીનો બોજ પણ ઘટશે. જો કે આ સબસિડીથી બચેલી રકમ આખરે ખેડૂતો માટે જ ઉપયોગમાં લેવાશે. આજે સહકારી ક્ષેત્ર ખાતર વેચાણમાં મજબૂત સ્તંભ બનીને ઊભો છે. નેનો ડી.એ.પી.ના ઉત્પાદનથી તે વધુ શક્તિશાળી બનશે, એમ તેમણે ઉમેર્યું હતું.

ઈફ્કોના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણીએ પ્રાસંગિક પ્રવચનમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહ દ્વારા ઇફકો સહિત સહકારી ક્ષેત્રને આપવામાં આવેલા સહયોગની સરાહના કરી હતી. ઇફકો દ્વારા ઉત્પાદિત થનાર નેનો ડી.એ.પી. થકી ભારતનું નામ સમગ્ર વિશ્વમાં ફર્ટિલાઇઝર ક્ષેત્રે રોશન કરશે

તેવી આશા વ્યક્ત કરી હતી. સહકારથી સમૃદ્ધિ માત્ર સ્લોગન નથી પરંતુ તેને સાર્થક કરવા માટે સહકારી ક્ષેત્રમાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા અથાગ પ્રયત્નોની તેમણે આ તકે વાત કરી હતી. ઇફકો દ્વારા ભૂકંપ, વાવાઝોડું કે કોરોના સહિત કુદરતી આફતો ઉપરાંત સામાજિક ક્ષેત્રે કરવામાં આવતી મદદનો પણ આ તકે ખાસ ઉલ્લેખ કરી ઇફકોની કામગીરી બિરદાવી હતી.

ગુજરાતના સહકાર રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, દેશની નવી હરિતક્રાંતિની દિશામાં નેનો પ્રવાહી ડી.એ.પી.નું ઉત્પાદનએ મોટું પગલું સહકારિતાના માધ્યમથી લેવાઈ રહ્યું છે. તેનાથી ખેડૂતોની સમૃદ્ધિ વધશે, જમીનને નુકસાન પહોંચતું અટકશે. તેમણે આવનારા દિવસોમાં કૃષિ ક્ષેત્રની નેનો ટેકનોલોજીની વિશ્વમાં નિકાસ કરીશું તેમજ ગુજરાત સહકારિતા ક્ષેત્રે દેશભરમાં મોડેલ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમના પ્રારંભે ઈફકોના મેનેજિંગ ડિરેક્ટરશ્રી ઉદય શંકર અવસ્થીએ સ્વાગત પ્રવચન કર્યું હતું.

આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી, ઇફકો તેમજ સહકારી ક્ષેત્રના વિવિધ અગ્રણીઓ, ખેડૂતો, મહિલાઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પૂર્વે કંડલા એરપોર્ટ પધારેલા દેશના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિત શાહનું વિવિધ અગ્રણીઓ અને પદાધિકારીઓ ઉમળકાભેર પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય, કચ્છ જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી પારૂલબેન કારા,

ધારાસભ્યો સર્વશ્રી માલતીબેન મહેશ્વરી, શ્રી ત્રિકમભાઈ છાંગા, શ્રી કેશુભાઈ પટેલ, શ્રી અનિરુદ્ધભાઈ દવે, ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ શ્રી ઈશિતાબેન ટીલવાણી, અગ્રણી શ્રી દેવજીભાઈ વરચંદ, રેન્જ આઇ.જી. શ્રી જે. આર. મોથાલિયા, પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા શ્રી સાગર બાગમાર, અંજાર પ્રાંત અધિકારીશ્રી મેહુલભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓએ કેન્દ્રિય ગૃહમંત્રીશ્રીને હર્ષભેર આવકાર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.