Western Times News

Gujarati News

AMC મ્યુનિ. આરોગ્ય વિભાગમાં ‘ઈમાનદારી’ બિમાર

શાસક પક્ષને દબાણમાં લાવી નામ-ઠામ વગરની રૂા.૪ કરોડની દરખાસ્ત મંજુર કરાવવામાં આરોગ્ય અધિકારી સફળ રહયા

હેલ્થ વિભાગ દ્વારા આઈઆરસ્પ્રે, ફોગીંગ વગેરેમાં પણ આજ મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી રહી છે

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્ર અને ચુંટાયેલી પાંખ દ્વારા ભ્રષ્ટાચારની કોઈ સીમા નકકી કરવામાં આવી નથી તેમ માનવામાં આવી રહયું છે. મ્યુનિ. અધિકારીઓ તમામ નીતિ નિયમો નેવે મુકીને સત્તાધારી પક્ષ સમક્ષ દરખાસ્તો રજુ કરે છે અને શાસક પક્ષ આંખ મીંચીને તેને મંજુરી આપે છે.

ગુરૂવારે મળેલી સ્ટેન્ડિગ કમિટિમાં આનું જીવંત ઉદાહરણ જાેવા મળ્યું છે. મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા રૂા.૪ કરોડ કરતા વધુ રકમની નામ-ઠામ વગરની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી જેને કમિટિ દ્વારા મંજુરી પણ આપવામાં આવી છે જેના કારણે મ્યુનિ. આરોગ્ય વિભાગમાં (ઈમાનદારી) બિમાર પડી છે તેવી ચર્ચા પણ ચાલી રહી છે.

મ્યુનિસિપલ મેલેરિયા વિભાગ દ્વારા ચોમાસાની સીઝન દરમિયાન દૈનિક વેતનથી હેલ્થ વર્કરો લેવામાં આવે છે જેમનું મુખ્ય કામ ફોગીંગ, સર્વે, દવા છંટકાવ વગેરે રહે છે. મેલેરિયા વિભાગ દ્વારા ર૦૧૯માં ર૦૦, ર૦ર૦માં ૩પ૦, ર૦ર૧માં ૪૦૦ તથા ર૦રરમાં પ૧પ હેલ્થ વર્કર લેવામાં આવ્યા હતાં.

આ પ્રક્રિયા દર વર્ષે થતી હોવાથી ચોમાસા અગાઉ જ તેની ટેન્ડર પ્રક્રિયા કરવી જરૂરી બને છે. પરંતુ મેલેરિયા વિભાગ દ્વારા ચોમાસાની અડધી સીઝન પુરી થયા બાદ જ શાસક પક્ષને દબાણમાં લાવી તાકિદના કામમાં ટેન્ડર પ્રક્રિયા કર્યા વિના આ પ્રકારની દરખાસ્ત મંજુર કરાવવામાં આવતી રહી છે.

ગુરૂવારની સ્ટેન્ડિગ કમિટિમાં પણ આ પ્રકારનો જ ખેલ જાેવા મળ્યો હતો જેમાં મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા હંગામી ધોરણે ૬૮૩ હેલ્થ વર્કર લેવા માટે દરખાસ્ત રજુ કરવામાં આવી હતી જેના માટે રૂા.૪.૦ર કરોડનો ખર્ચ થાય તેમ છે. ચોંકાવનારી બાબત એ છે કે આ મેન પાવર કંઈ કંપની તરફથી સપ્લાય કરવામાં આવશે તે અંગે કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

સીવીસીની ગાઈડ લાઈન મુજબ કોઈપણ દરખાસ્ત કે કોન્ટ્રાકટ મંજુર કરતા પહેલા તેમાં જે તે કોન્ટ્રાકટરનું નામ કે ટેન્ડર પ્રક્રિયા થઈ હોવી જરૂરી છે. પરંતુ આ કિસ્સામાં ટેન્ડર પ્રક્રિયા પણ કરવામાં આવી નથી તથા ર૦રરની મંજુરીને આધાર બનાવી ર૦ર૩માં મંજુરી માંગી હતી

જેને શાસકોએ (પ્રજાહીત)ને ધ્યાનમાં રાખી મંજુરી આપી છે. ચોંકાવનારી બાબત એ છે કે મ્યુનિસિપલ મેલેરિયા વિભાગ દ્વારા હેલ્થ વર્કર માટેની દરખાસ્ત ર૪મે ર૦ર૩ આઉટવર્ડ નં.૪૮૭ થી હેલ્થ મધ્યસ્થ કચેરીએ મોકલવામાં આવી હતી. હેલ્થ મધ્યસ્થ કચેરીએ તે જ દિવસે સદર દરખાસ્ત ઈનવર્ડ નં.૧૭૪રથી સ્વીકારી હતી.

આમ મે મહિનામાં તૈયાર કરવામાં આવેલી દરખાસ્ત માટે ત્રણ ત્રણ મહિના સુધી કોઈ પણ પ્રકારની ટેન્ડર પ્રક્રિયા હેલ્થ મધ્યસ્થ કચેરી દ્વારા કરવામાં આવી ન હતી અને જયારે ચોમાસાની સીઝન પ૦ ટકા કરતા વધુ પૂર્ણ થઈ છે અને નાગરિકો ડેન્ગ્યૂ, ચીકનગુનીયા, કમળા જેવા રોગચાળાનો ભોગ બની રહયા છે

ત્યારે શાસક પક્ષને વધુ એક વખત દબાણમાં લાવી આરોગ્ય વિભાગના અધિકારીઓ રૂા.૪ કરોડની નામ-ઠામ વગરની દરખાસ્ત મંજુર કરવામાં સફળ રહયા છે. હેલ્થ વિભાગ દ્વારા આઈઆરસ્પ્રે, ફોગીંગ વગેરેમાં પણ આજ મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી રહી છે તેથી જ આરોગ્ય વિભાગમાં ઈમાનદારી બીમાર પડી હોવાનું કહેવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.