Western Times News

Gujarati News

ભારતમાં ૧૯૦૧ બાદ ચાલુ વર્ષે સૌથી કોરો રહ્યો ઓગસ્ટ

નવી દિલ્હી, અલ નીનોની અસરના કારણે વરસાદ પર બ્રેક લાગી ગઈ છે. ઓગસ્ટનો મહિનો ભારતીય હવામાનની દ્રષ્ટિએ સૌથી કોરો મહિનો સાબિત થયો છે. ૧૯૦૧ બાદ પહેલીવાર ભારતમાં ઓગસ્ટ મહિનો આટલો કોરો રહ્યો છે.

આ મહિને સામાન્યથી ૩૩ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. ઓગસ્ટ દરમિયાન ૨૦થી વધુ દિવસ મેઘરાજાએ વિરામ લીધો છે. મતલબ કે, આ દિવસોમાં સહેજ પણ વરસાદ નોંધાયો નથી. ઓગસ્ટ મહિનામાં નહિવત્‌ વરસાદ થતાં જૂનથી સપ્ટેમ્બર સુધીની ચોમાસાની સીઝનમાં સામાન્યથી ઓછો વરસાદ નોંધાવાનું સંકટ વધી ગયું છે.

મંગળવાર સુધીમાં ઓગસ્ટમાં આખા દેશમાં ૧૬૦.૩mm વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે ઓગસ્ટમાં ૨૪૧mm વરસાદ પડતો હોય છે. ભારતમાં અત્યાર સુધી ૨૦૦૫નો ઓગસ્ટ મહિનો સૌથી સૂકો રહ્યો હતો અને એ વખતે ફક્ત ૧૯૧.૨ mm વરસાદ નોંધાયો હતો. જે સામાન્યથી ૨૫ ટકા ઓછો હતો. હાલ ચોમાસાનો બ્રેક ચાલી રહ્યો છે અને ઓગસ્ટ મહિનો પતવાને આડે ફક્ત એક દિવસ છે એવામાં ૧૭૦-૧૭૫mmથી વધુ વરસાદ થવાની સંભાવના દેખાતી નથી. ઓગસ્ટ ૨૦૨૩ ભારતના ઈતિહાસનો પ્રથમ ઓગસ્ટ હશે જેમાં ૩૦ ટકા કે તેથી વધુ વરસાદની ઘટ નોંધાઈ છે.

એક મહિના સુધી ચોમાસું નબળું રહેતા મંગળવારે દેશમાં વરસાદની ઘટ વધીને ૯ ટકા થઈ હતી. હવે સપ્ટેમ્બર દરમિયાન ચોમાસું કેવું રહે છે તે મહત્વનું છે. ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર મૃત્યુંજય મોહપાત્રાએ કહ્યું, “બંગાળીની ખાડી ઉપર સાયક્લોનિક સર્ક્‌યુલેશન સર્જાઈ શકે છે અને તેના લીધે ૨ સપ્ટેમ્બરથી ફરી ચોમાસું વેગ પકડશે તેવી અપેક્ષા છે.

આ સાયક્લોનિક સર્ક્‌યુલેશનના કારણે લો-પ્રેશર સિસ્ટમ સર્જાશે અને તેના કારણે પૂર્વ, મધ્ય અને દક્ષિણ ભારતમાં વરસાદ પડશે. ૧૦૫ વર્ષમાં બીજીવાર એવું બન્યું છે કે, ભારતમાં જુલાઈ કે ઓગસ્ટમાં સામાન્ય કરતાં ૩૦ ટકા કે તેનાથી વધુ ઓછો વરસાદ પડ્યો હોય. આ સમયગાળાની જ વાત કરીએ તો, જુલાઈ ૨૦૦૨માં વરસાદની ૫૦.૦૬ ટકા ખોટ વર્તાઈ હતી. જુલાઈ અને ઓગસ્ટ વર્ષના સૌથી ભીના મહિના હોય છે અને ખેતીની દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વના ગણાય છે.

જુલાઈમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા અને એ વખતે દેશભરમાં સરેરાશ ૩૧૫.૯mm વરસાદ નોંધાયો હતો, જે સામાન્ય કરતાં ૧૩ ટકા વધારે હતો અને ૧૮ વર્ષમાં બીજાે સૌથી વધુ વરસાદ ધરાવતો મહિનો હતો.

નિષ્ણાતોનું માનવું છે કે, ચાલુ વર્ષે અલ નીનોની અસરના કારણે ઓગસ્ટ મહિનામાં અત્યંત ઓછો વરસાદ પડ્યો છે. અલ નીનો ઋતુગત ઘટના છે, જે સમુદ્રના તાપમાનમાં થયેલા ફેરફારના કારણે થાય છે. અલ નીનોના કારણે હવામાં સામાન્ય કરતાં ઓછો ભેજ હોય છે અને તેના લીધે વરસાદ ઓછો પડે છે.

આ વર્ષે જુલાઈ અને ઓગસ્ટમાં બે ચક્રવાત આવવાના હતા પરંતુ ના આવ્યા. આ બધા જ કારણોસર ઓગસ્ટનો મહિનો શુષ્ક રહ્યો તેમ હવામાન વિભાગનું કહેવું છે. હવામાન વિભાગે ઓગસ્ટમાં સામાન્યથી ઓછા વરસાદની આગાહી કરી હતી. પરંતુ તેમનો અંદાજાે હતો કે ૬થી૧૦ ટકા ઘટ નોંધાશે પણ તે ખોટો સાબિત થયો. હવે સપ્ટેમ્બર માટે હવામાન વિભાગની સત્તાવાર આગાહી થાય એ પહેલા નિષ્ણાતોનું કહેવું છે કે, ઓગસ્ટની સરખામણીમાં સપ્ટેમ્બર મહિનો સારો રહેશે.

કેંદ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના પૂર્વ સેક્રેટરી એમ. રાજીવને કહ્યું, વેધર મોડલ પરથી ખબર પડી છે કે, સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં એક દબાણની સિસ્ટમ સર્જાઈ રહી છે. જાેકે, આખા દેશમાં નહીં ફક્ત મધ્ય ભારતમાં તેની અસર દેખાશે. એકદંર સપ્ટેમ્બરમાં ચોમાસું સારું રહી શકે છે. સાથે જ અલ નીનોનું સંકટ પણ રહેશે. જાે મહિનો ૫થી૮ ટકાની સામાન્ય ઘટ સાથે પૂરો થાય તો ઓવરઓલ ચોમાસું કદાચ ઘટના ઝોનમાં નહીં રહે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.