Western Times News

Gujarati News

દિલ્હીમાં હત્યાઓ કરતી ૧૮ વર્ષના ગુંડાઓની માયા ગેંગ

નવી દિલ્હી, ગુનાખોરીની વાત આવે ત્યારે ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં અલગ જ રંગ જાેવા મળે છે. બે દિવસ અગાઉ દિલ્હીમાં બાઈક અથડાવાના સામાન્ય ઝઘડામાં એમેઝોનના મેનેજર હરદીપ ગિલની હત્યા કરવામાં આવી તેની પાછળ માયા ગેંગનો હાથ હોવાનું બહાર આવ્યું છે. Maya gang of 18-year-old gangsters to commit murders in Delhi

નવાઈની વાત એ છે કે આ ગેંગની આગેવાની માત્ર ૧૮ વર્ષનો મોહમ્મદ સમીર ઉર્ફે માયા નામનો છોકરો કરે છે અને અત્યાર સુધીમાં તેના નામે ચાર મર્ડર બોલે છે. આ ગેંગના બીજા સભ્યો પણ નાની વયના છે અને ગમે તેનો જીવ લેતા ખચકાતા નથી. પોલીસને જાણવા મળ્યું છે કે મોહમ્મદ સમીર એટલે કે માયાએ નાની વયથી જ ગુનાખોરી શરૂ કરી દીધી હતી અને સગીરવયે તેણે ઓછામાં ઓછી ચાર હત્યાઓ કરી છે.

હજુ આ કેસની તસાસ આગળ વધશે ત્યારે ખબર પડશે કે માયા ગેંગના નામે કેટલા ગુના બોલે છે અને તેના હાથે કેટલા લોકો માર્યા ગયા છે. શૂટઆઉટ એટ લોખંડવાલામાં વિવેક ઓબેરોયના કેરેક્ટર માયા પરથી મોહમ્મદ સમીરે આ નામ રાખ્યું છે. માયા ગેંગનો લીડર મોહમ્મદ સમીર સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે. ઈન્સ્ટાગ્રામ પર તે લગભગ ૨૦૦૦થી વધુ ફોલોઅર ધરાવે છે અને સોશિયલ મીડિયા પર તે હથિયારો સાથેના ફોટા અપલોડ કરે છે.

ઈન્સ્ટા રિલ બનાવવાનો શોખ ધરાવે છે અને જાત જાતની પિસ્તોલ, રિવોલ્વર રાખે છે. માયા તરીકે ઓળખાતા મોહમ્મદ સમીરે પોતાની પ્રોફાઈલમાં લખ્યું છેઃ નામ બદનામ, પતા કબ્રસ્તાન, ઉમ્ર જીને કી, શૌક મરને કા.” આના પરથી જ ખ્યાલ આવી જશે કે તરુણ વયે તેના મનમાં કેવા વિચારો ચાલતા હશે અને તે કયા પ્રકારના ગુના કરતો હશે.

તેણે ઈન્સ્ટા રીલમાં પોતાના હથિયારો દેખાડ્યા છે અને એક રિલમાં તે જેલનો પણ ઉલ્લેખ કરે છે. તેમાં કેટલાક યુવાનો જેલના સળિયા પાછળ છે અને તેની આગળ ઉભો રહીને માયા ફાયરિંગ કરે છે. નોર્થ ઈસ્ટ દિલ્હીમાં આ ગેંગનો ત્રાસ વધતો જાય છે પરંતુ પોલીસ હજુ સુધી કંઈ કરી શકી નથી.

૨૯ ઓગસ્ટે દિલ્હીમાં એમેઝોનના મેનેજર ગિલની હત્યા થઈ તેમાં માયા ગેંગના મેમ્બર બિલાલ ગનીનો હાથ હોવાનું બહાર આવ્યું છે. બિલાલ પકડાઈ ગયો છે જ્યારે બીજા સાથીદારોની શોધખોળ ચાલે છે. માયાનો લીડર મોહમ્મદ સમીર તાજેતરમાં જ ૧૮ વર્ષનો થયો છે જ્યારે બિલાલ ગણી રવિવારે ૧૮ વર્ષનો થયો છે.

આટલી નાની ઉંમરે આ તમામ ગંભીર ગુનાઓમાં સામેલ છે. ગયા વર્ષે તે એક હત્યા કેસમાં પકડાયો હતો અને બાળ સુધારણા કેન્દ્રમાં રખાયો હતો. પરંતુ ત્યાર પછી તે બહાર આવી ગયો અને એક વેલ્ડિંગ શોપમાં કામ કરતો હતો.

એમેઝોનના મેનેજર હરદીપને ગોળી મારવામાં આવતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે તેના કાકાને માથામાં ગોળી વાગી છે અને જીવનમરણ વચ્ચે જાેલા ખાઈ રહ્યા છે. એક સાંકડી ગલીમાં હરદીપના બાઈક અને માયા ગેંગના મેમ્બરના સ્કૂટર વચ્ચે સહેજ ટક્કર થઈ તેમાં ઝઘડો થયો અને માયા ગેંગના મેમ્બર – મોહમ્મદ સમીર, બિલાલ ગની, સૌહેલ, મોહમ્મદ ઝુનૈદ અને અદાનાને કાકા-ભત્રીજાને ગોળી મારી દીધી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.