Western Times News

Gujarati News

રાજ્યમાં ધોરણ 8 થી 9નો ડ્રોપ આઉટ રેટ ઘટીને ચાલુ વર્ષે 5.5% થયો

*રાજ્યમાં ધોરણ 8 થી 9નો ડ્રોપ આઉટ રેટ ઘટીને ચાલુ વર્ષે 5.5% થયો*

*1 લાખથી વધારે વિદ્યાર્થીઓ ધોરણ 9માં જોડાયા*

*ચાલુ વર્ષે શિક્ષણ વિભાગના સઘન પ્રયત્નો દ્વારા ગુજરાતમાં ધોરણ 8 થી 9નો ડ્રોપઆઉટ રેટ 5.5% થયો*

*ધોરણ 9 માં પ્રવેશ આપેલ વિદ્યાર્થીઓની દૈનિક ઓનલાઈન હાજરીનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે મોનીટરીંગ*

*મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલેન્સ 2.0 અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણનું સુદ્રઢીકરણ*

ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે વિકાસ સાધવા સરકાર દ્વારા અનેક નોંધપાત્ર પ્રયાસો થઈ રહ્યાં છે. શિક્ષણ પ્રત્યે જાગૃત સરકાર દ્વારા ધોરણ 8 થી 9માં ડ્રોપ આઉટ ઘટાડવાના સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે, જે હેઠળ ચાલુ વર્ષે શિક્ષણ વિભાગે વિશેષ અભિયાન હાથ ધરી ધોરણ 8 પછી ધોરણ 9માં પ્રવેશ ન લેનાર વિદ્યાર્થીઓનો સર્વે કરી નામજોગ યાદી તૈયાર કરેલ હતી. નીતિ પ્રમાણે દર વર્ષે 31મી ઓગસ્ટ સુધીમાં ધોરણ 9માં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેતી હોય છે,

જેમાં છેલ્લા ત્રણ વર્ષના ધોરણ 8 થી 9માં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓ તેમજ ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓની વિગતો રાજ્યની ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમના ડેટા આધારે જોઇએ તો, ધોરણ 8થી 9માં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓ પૈકી વર્ષ 2021-22માં 1.46 લાખ વિદ્યાર્થીઓ અને 2022-23માં 1.11 લાખ વિદ્યાર્થીઓ ડ્રોપઆઉટ થયા હતા.

તેની સામે ચાલુ વર્ષે ધોરણ 9માં પ્રવેશપાત્ર 10.21 લાખ વિદ્યાર્થીઓ પૈકી ફક્ત 56,000 જેટલા, એટલે કે 5.5% વિદ્યાર્થીઓ જ હાલ ડ્રોપઆઉટ છે, જેમને પણ વિવિધ વિકલ્પો આપી અભ્યાસ ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરવા માટે કામગીરી ચાલુ છે.

ચાલુ વર્ષ 2023-24 દરમ્યાન શિક્ષણ વિભાગ ધોરણ 9માં પ્રવેશપાત્ર દરેક વિદ્યાર્થીને ટ્રેક કરવામાં આવ્યા અને વિદ્યાર્થીઓના નામ, શાળાના નામ સાથે એક નામજોગ ડેટા બેઝ તૈયાર કરવામાં આવ્યો. શિક્ષણ વિભાગ અને શિક્ષકોના સહિયારા પ્રયાસથી દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓને શિક્ષણનું મહત્ત્વ સમજાવી,

ગણતરીના દિવસોમાં ઝુંબેશ ચલાવી આશરે 1 લાખથી વધુ વિદ્યાર્થીઓનો ધોરણ 9માં પ્રવેશ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. આ તમામ વિદ્યાર્થીઓની ઓનલાઈન દૈનિક હાજરી વિદ્યા સમીક્ષા કેન્દ્ર્ર ખાતે સુનિશ્ચિત કરવામાં આવશે.

આ સાથે જ ગુજરાતના અન્ય મોટા જિલ્લાઓ તેમજ ટ્રાયબલ વિસ્તારોમાં પણ ધોરણ 8 થી 9નો ડ્રોપઆઉટ રેટ ખૂબ ઘટ્યો છે. જેમાં મુખ્યત્વે ડાંગમાં 23.8% થી ઘટીને 4.2%, બનાસકાંઠામાં 23.4% થી ઘટીને 6.8%, કચ્છમાં 27.2% થી ઘટીને 4.8%, અને પાટણમાં 18.9% થી ઘટીને 4.3% જેટલો થયો છે.

રાજ્યના કોર્પોરેશન વિસ્તારોમાં પણ વર્ષ 2022-23ની સાપેક્ષમાં ધોરણ 8 થી 9નો ડ્રોપઆઉટ રેટ ઘટ્યો છે જેમાં અમદાવાદમાં 14.5% થી ઘટીને 3.5%, વડોદરામાં 7.5% થી ઘટીને 1.8%, રાજકોટમાં 12.8% થી ઘટીને 3.2%, સુરતમાં 15.8% થી ઘટીને 6.6% થયો છે.

વધુમાં કન્યા ડ્રોપઆઉટ રેટ પણ વર્ષ 2022-23ના 16.88% થી ઘટીને વર્ષ 2023-24માં 3.37% થયો છે અને કુમાર ડ્રોપઆઉટ પણ 11.88% થી ઘટીને 2.39% થયો છે. આમ, ધોરણ 8થી 9નો રાજ્યનો સરેરાશ ડ્રોપઆઉટ રેટ ચાલુ વર્ષ 2023-24માં ધટીને ફક્ત 5.5% થવા પામ્યો છે.

સરકારનો અને શિક્ષણ વિભાગનો ઉદ્દેશ્ય માત્ર ધોરણ 9માં પ્રવેશ અપાવી ડ્રોપઆઉટ ઘટાડવાનો નથી. વિદ્યાર્થીઓને અભ્યાસની ઉત્તમ તક મળે અને આગળ જતાં આ તમામ વિદ્યાર્થીઓને ભવિષ્યલક્ષી શિક્ષણ મેળવે તે માટે ગુજરાત સરકાર લાંબાગાળાના આયોજનથી કામ કરી રહી છે.

ડ્રોપઆઉટના કાયમી ઉકેલ માટે વિદ્યાર્થીઓને વોકેશનલ અભ્યાસક્રમો કે પછી ઓપન સ્કૂલિંગ જેવા વિકલ્પો આપી શકાય તે અંગે પણ સરકારે નિર્ણય કર્યો છે. ધોરણ 9 અને 12 દરમ્યાન વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી ન દે, તે માટે સરકારે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલને અપગ્રેડ કરવાના કેટલાક નીતિ વિષયક નિર્ણયો લીધા છે, જેથી વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ ચાલુ રાખી શકશે.

આ તમામ પ્રયાસો થકી રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણનું સુદ્રઢિકરણ થશે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસમાં જોડાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.