Western Times News

Gujarati News

સંત શ્રી દોલતરામજી મહારાજ આશ્રમ ધામડી મુકામે વડીલોના વૃંદાવન કાર્યક્રમ યોજાયો

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) વડાલી તાલુકાના ધામડી મુકામે આજથી ત્રણ વર્ષ પહેલા સાબર ડેરીના ડિરેક્ટર અને દાતા તથા રાજકીય અને સામાજિક અગ્રણી એવા સ્વર્ગસ્થ જયંતીભાઈ પાટીદાર સાહેબે વડીલોના વૃંદાવન કાર્યક્રમની શુભ શરૂઆત કરેલ. જે આજે વટ વૃક્ષ સમાન બની ગયેલ છે.

સંત શ્રી દોલતરામજી મહારાજના આશીર્વાદથી ખેડબ્રહ્મા વડાલી અને ઇડર તાલુકાના ૬૦ વર્ષથી ઉપરના લગભગ ૪૦૦ જેટલા વડીલ માતાઓ અને ભાઈઓ દર અઠવાડિયે ૯ થી ૧૨ કલાક દરમિયાન આશ્રમ મુકામે એકઠા થાય છે. પહેલાં રવિવારે કાર્યક્રમ થતો હતો જે હવે શનિવારે થાય છે અને ત્યાં ભજન, કીર્તન, સત્સંગ અને જુદા જુદા સંતો દ્વારા સંતવાણી પીરસવામાં આવે છે. અને કાર્યક્રમને અંતે સૌ સમૂહ ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે.

સ્વર્ગસ્થ જયંતીભાઈ પાટીદાર સાહેબે શરૂ કરેલી આ વડીલોના વૃંદાવન યાત્રા તેમના દીકરા ભરતભાઈએ સંભાળી લીધી છે. જેનો સૌ વડીલોને આનંદ છે. સાબર ડેરી એ સ્વર્ગસ્થ જયંતીભાઈ પાટીદારના કામની કદર કરતા તેમના દીકરા ભરતભાઈને સાબર ડેરીમાં ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે.

જે બદલ આજના કાર્યક્રમમાં સંત શ્રી દશરથસિંહજી બાપુ અને સંતશ્રી ધુળારામ મહારાજે ભરતભાઈ ને સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. અને ઉપસ્થિત સૌ વડીલોએ ભરતભાઈને હૃદય પૂર્વક ના આશીર્વાદ આપ્યા હતા. સન્માનના પ્રત્યુતરમાં ભરતભાઈએ જણાવેલ કે મારા સ્વર્ગસ્થ પિતાજીએ શરૂ કરેલ કાર્યને કોઈ પણ અડચણ વગર સતત ચાલુ રાખવામાં આવશે. આજના કાર્યક્રમના ભોજન દાતા રોધરા નિવાસી શ્રી જીતુભાઈ મોતીભાઈ પટેલ તરફથી સૌ સંતોનું પુષ્પગુચ્છ દ્વારા અભિવાદન કરેલ. આજના વડીલોના વૃંદાવન કાર્યક્રમમાં લક્ષ્મીપુરાના સંત શ્રી સોહમપુરીજી મહારાજ,

મોટામણીરામ મહારાજ, જ્યોતિ હાઈસ્કૂલ, ખેડબ્રહ્માના આચાર્યશ્રી સુરેશભાઈ સાહેબ, સંતશ્રી ધુળારામ મહારાજ, સંતશ્રી દશરથસિંહજી બાપુ, નાના મણીરામ મહારાજ, સાબરકાંઠા જિલ્લા કિસાન સંઘ પ્રમુખશ્રી શામળભાઈ પટેલ, રાધીવાડથી રહેવર સાહેબ દ્વારા સત્સંગનું રસપાન કરાવવામાં આવ્યું હતું. છેલ્લા ત્રણ વર્ષેથી ચાલતા આ કાર્યક્રમમા સ્વાદિષ્ટ ભોજન બનાવવાનું અને પીરસવાનું આયોજન ગામના ભાઈઓ દ્વારા કરવામાં આવે છે.

વડીલોના વૃંદાવન કાર્યક્રમમાં પાયાના પથ્થર તરીકે જેઓ નિરંતર સેવા આપી રહ્યા છે તેવા શ્રી શંકરભાઈ પટેલ, શામળભાઈ પટેલ, માણકાભાઈ પટેલ, સોમભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલની સેવાઓને ક્યારેય ભૂલી શકાય તેમ નથી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન રોજન્ટા રામનગર નિવાસી રમણભાઈ પટેલ સાહેબ દ્વારા કરવામાં આવેલ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.