Western Times News

Gujarati News

અમદાવાદના ત્રણ ઝોનમાં નવા ઢોરવાડા બનાવવામાં આવશે

મ્યુનિ. શાળાઓના રિનોવેશન પુરાવાના અભાવે અટકશે નહીઃ દેવાંગ દાણી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળા માટે ડોનેશનમાં મળેલ મિલકતો પુરતા કાગળોના અભાવે રીપેર થઈ શકતી ન હતી જે હવે રીપેર કરવા માટે ઠરાવ કરવામાં આવ્યો છે આ ઉપરાંત પકડેલા ઢોરોને રાખવા માટે ત્રણ ઝોનમાં ઢોરના ડબા બનાવવા અને તમામ બ્રિજ પર સીસીટીવી લગાવવા માટે મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિમાં નિર્ણય કરવામાં આવ્યો છે.

મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન દેવાંગભાઈ દાણીના જણાવ્યા મુજબ શહેરમાં હાલ પકડેલા ઢોર રાખવા માટે કુલ ૪ ડબા છે જે પૈકી દાણીલીમડા, બાકરોલ અને લાંભા ખાતે ઢોર રાખવામાં આવે છે દાણીલીમડામાં હાલ ર૪૩૪, બાકરોલમાં ૧૪પ૬ અને નરોડામાં ૬૩૩ મળી મ્યુનિ. ઢોરવાડામાં કુલ ૪પર૩ ઢોર છે ભવિષ્યની સ્થિતિને ધ્યાનમાં લઈ શહેરના અન્ય ત્રણ ઝોનમાં પણ ઢોરવાડા બનાવવામાં આવશે.

સ્માર્ટ સીટી અંતર્ગત કુલ ૪૭૧પ સીસીટીવી લગાવવામાં આવ્યા હતા જે પૈકી ૪૩૪૩ સીસીટીવી ચાલુ છે જયારે ૩૭ર સીસીટીવી બંધ છે જે ઝડપથી શરૂ કરવા માટે સુચના આપવામાં આવી છે. શહેરના ૮૪ જેટલા બ્રિજ પર સીસીટીવી લગાવવાની કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. મ્યુનિ. પ્લોટોમાં રાત્રિના સમયે કેટલાક લોકો ડેબરીજ ખાલી જતા હોવાની ફરિયાદો મળી છે તેથી આ અંગે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

મ્યુનિ. કોર્પોરેશનની કેટલીક શાળાઓ આજથી પ૦ થી ૬૦ વર્ષ પહેલા ડોનેશનમાં મળી હતી જેના કારણે માલિકી પુરાવાના અભાવ સહિત અનેક કાગળોની કમી રહે છે જેના કારણે આ શાળાઓ ખખડધજ થઈ ગઈ હોવા છતાં તેને તોડી પાડી નવેસરથી બનાવી શકાતી નથી તેથી સ્ટેન્ડીગ કમિટિએ તાકિદમાં કામ લાવી ૪૦ થી પ૦ વર્ષ જુની મ્યુનિ. શાળાઓને રિનોવેશન કરવા માટે કે નવેસરથી બનાવવા માટે તમામ કાગળનો આગ્રહ ન રાખી પ્લાન પાસ થાય તે માટેનો ઠરાવ કર્યો છે.

પ્રાથમિક તબકકે સરસપુર ગુજરાતી શાળા નં.૧૩, બાપુનગર ગુજરાતી શાળા નં.૯, નવા વાડજ શાળા નં.૩, બહેરામપુરા શાળા નં.૯, સરખેજ કન્યા શાળા, રખિયાલ હિન્દી શાળા નં.૧, અને સાબરમતી શાળા નં.૧૦ને રિપેર કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.