Western Times News

Gujarati News

દેશના આ રાજ્યમાં બિનજરૂરી મુસાફરી ટાળવા સલાહ

કેરળના નિપાહગ્રસ્ત વિસ્તારોમાં બિનજરૂરી મુસાફરી ટાળવા સલાહ

(એજન્સી)તિરુવનંતપુરમ, કેરળમાં નિપાહ વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં લેતા કર્ણાટક સરકારે એક પરિપત્ર જાહેર કરીને લોકોને કેરળના અસરગ્રસ્ત વિસ્તારોમાં બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે.

કર્ણાટક સરકારના આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે કેરળના સરહદી જિલ્લાઓ (કોડાગુ, દક્ષિણ કન્નડ, ચામરાજનગરા અને મૈસૂર) અને કેરળથી કર્ણાટક સુધીના પ્રવેશ સ્થળો પર દેખરેખ વધારવામાં આવી છે. કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસના કેસ મળી આવતા વહીવટીતંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.

કોવિડના સમયની જેમ નવ પંચાયતોમાં કન્ટેનમેન્ટ ઝોન બનાવવામાં આવ્યા છે. મગજને નુકસાન પહોંચાડતા અને એન્સેફાલીટીસનું કારણ બનેલા આ વાયરસને કારણે બે લોકોના મોત પણ થયા છે. કેરળમાં આરોગ્ય પ્રધાનના કાર્યાલયે જણાવ્યું છે કે કોઝિકોડની એક હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવેલા ૩૯ વર્ષીય વ્યક્તિમાં નિપાહ વાયરસના વધુ એક કેસની પુષ્ટિ થઈ છે.

આમ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા ૬ થઇ ગઈ છે. કેરળમાં વાયરસને નિયંત્રિત કરવા માટે, ઇન્ડિયન કાઉંસિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) ની પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (એનઆઈવી)ની એક મોબાઇલ બાયોસેફ્ટી લેવલ-૩ (બીએસએલ-૩) પ્રયોગશાળા કોઝિકોડ મોકલવામાં આવી છે.

કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે વિધાનસભામાં જણાવ્યું હતું કે હાલના નિપાહ વાયરસના કેસ બાંગ્લાદેશ સ્ટ્રેઇનના છે. કેન્દ્ર સરકાર પણ નિપાહ વાયરસ અંગે ચિંતિત છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય કેરળમાં સ્થિતિ અંગે સાવધાની રાખી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.