Western Times News

Gujarati News

ઉત્તરાખંડના મુખ્યમંત્રી ધામીએ લંડનમાં કર્યા ૪૮૦૦ કરોડના કરાર

(એજન્સી)દહેરાદુન, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી આ દિવસોમાં રાજ્યમાં રોકાણ માટે દેશ-વિદેશમાંથી મોટી બેઠકો યોજી રહ્યા છે. આ સંબંધમાં તેમને લંડનમાં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ માટે વિદેશી ઔદ્યોગિક ગૃહો સાથે બેઠકો યોજી હતી. રાજ્યમાં ઔદ્યોગિક રોકાણ માટેના મુખ્યમંત્રીએ રોડ શોમાં પણ ભાગ લીધો હતો. તેમને વિવિધ કંપનીઓ સાથે રૂ. ૪૮૦૦ કરોડના રોકાણના એમઓયુ પર પણ હસ્તાક્ષર કર્યા હતા.

ઔદ્યોગિક જૂથ કયાન જેટ સાથે રૂ. ૩૮૦૦ કરોડના રોકાણના બે અલગ-અલગ એમઓયુ અને ઉષા બ્રેકો સાથે રૂ. ૧૦૦૦ કરોડના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

જ્યારે કેયાન જેટ દ્વારા ઉત્તરાખંડમાં સ્કીઈંગ રિસોર્ટ વિકસાવવા માટે રૂ. ૨૧૦૦ કરોડના રોકાણના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને કેબલ કાર પ્રોજેક્ટ માટે રૂ. ૧૭૦૦ કરોડના રોકાણના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જ્યારે કેયાન જેટ દ્વારા ઓલી, દયારા બુગ્યાલ અને મુન્સિયારીમાં સ્કીઈંગ રિસોર્ટ પ્રોજેક્ટ્‌સ વિકસાવવા માટે કરાર કરવામાં આવ્યો હતો.

વિદેશી ઉદ્યોગકારો સાથેની બેઠક દરમિયાન, રોપ-વે ક્ષેત્રે અગ્રણી ઉષા બ્રેકો લિમિટેડ સાથે હરિદ્વાર અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં રોપ-વે વિકસાવવા માટે સંમતિ બની. લંડનમાં આયોજિત મુખ્ય કાર્યક્રમમાં શિક્ષણ, પ્રવાસન, આઈટી અને આરોગ્ય ક્ષેત્રે સંબંધિત ૮૦ ઔદ્યોગિક ગૃહોએ ભાગ લીધો હતો.

પ્રતિનિધિઓએ ઈન્ડિયા હાઉસ અને સંસદ ભવન પણ મુલાકાત લીધી હતી. બ્રિટિશ સંસદના સભ્યો સાથે ચર્ચા કરી. ટૂર અને ટ્રાવેલિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલી મોટી કંપનીઓના પ્રતિનિધિઓ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં વધુ સારી ટ્રાન્સપોર્ટેશન ટેક્નોલોજી અંગે મંતવ્યો શેર કર્યા.

આ બેઠકો દરમિયાન મુખ્યમંત્રી ધામીએ તમામ રોકાણકારોને આગામી ડિસેમ્બર મહિનામાં આયોજિત થનારી ગ્લોબલ ઈન્વેસ્ટર સમિટમાં ભાગ લેવા ઉત્તરાખંડ આવવા આમંત્રણ આપ્યું હતું. પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે રાજ્ય સરકાર ઉત્તરાખંડને ગ્લોબલ ટુરિઝમ ડેસ્ટિનેશન બનાવવા માટે સતત કામ કરી રહી છે.

ઉત્તરાખંડમાં વેલનેસ ટુરિઝમ અને વિલેજ ટુરિઝમ જેવી ઘણી શક્યતાઓ છે. તેમને કહ્યું કે ઉત્તરાખંડના ઋષિકેશને યોગ અને આધ્યાત્મિકતાની વૈશ્વિક રાજધાની તરીકે ઓળખવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.