Western Times News

Gujarati News

નવરાત્રીમાં ધમાકેદાર વરસાદ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડે તેવી શક્યતા

પ્રતિકાત્મક

હવામાન નિષ્ણાંતો વધુમાં કહે છે કે આગામી સમયમાં પશ્ચિમ બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્ધમાં વાવાઝોડું આવવાની શક્યતા છે.

હાલમાં ગુજરાતને વરસાદ આપી શકે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી તેમ છતાં ભેજનું પ્રમાણ વધારે હોઈ ક્યાંક હળવો વરસાદ પડશે

અમદાવાદ, શહેર સહિત ગુજરાતમાં આ ચોમાસાની સિઝનમાં વરસાદનું કંઈક અંશે વિચિત્ર વર્તન જાેવા મળ્યું હતું. જુલાઈ મહિનામાં અનરાધાર વરસાદ વરસ્યો હતો અને ઓગસ્ટ મહિનો સાવ કોરોધાકોર જતાં લોકો ભારે ચિંતામાં મુકાઈ ગયા હતા. જાે કે જન્માષ્ટમી આવતા વરસાદે ફરી રાજ્યમાં રમઝટ બોલાવી હતી.

હવે વરસાદનું જાેર ઓછું થયું છે, પરંતુ એક સમયે ભાદરવો ભરપૂશ્ર જેવી વરસાદના મામલે સ્થિતિ થઈ હતી. હવે આજથી પંદર દિવસનો શ્રાદ્ધ પક્ષ શરૂ થયો છે. ત્યારબાદ જગત જનની મા જગદબાની નવરાત્રી આવશે અને ગયા વર્ષની જેમ નવરાત્રીમાં વરસાદે ખેલૈયાઓને મુસીબતમાં મૂકી દીધા હતા એવી રીતે આ નવરાત્રીમાં પણ વરસાદ ગરબા ગાવા આવી શકે તેમ છે. ગુજરાતમાં સપ્ટેમ્બર ભારે ધમાકેદાર રહ્યો હતો.

સપ્ટેમ્બર મહિનાની મધ્યમાં તો એવો ભારે વરસાદ વરસ્યો કે ઘણા વિસ્તારમાં નદી-નાળાં છલકાઈ ઊઠ્યાં હતા અને ક્યાંક ક્યાંક પૂર પણ આવ્યું હતું. જાે કે હવે ગુજરાતમાં વરસાદ આપી શકે તેવી કોઈ સિસ્ટમ સક્રિયનથી.તેમ છતાં હવામાં ભેજનું પ્રમાણ વધારે હોઈ રાજ્યના અમુક ભાગમાં વાદળછાયું વાતાવરણ જાેવા મળી રહ્યું છે,

જેના કારણે સ્થાનિક હવામાન વિભાગ દ્વારા સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ અને દિવમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે.

આવતી કાલે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં હળવો વરસાદ પડી શકે છે. તા.૧ ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડવાની શક્યતા છે. તા.ર ઓક્ટોબર-ગાંધી જયંતીએ સમગ્ર રાજ્યમાં હવામાન સૂકું રહેશે.

દરમિયાન, કેટલાક હવામાન નિષ્ણાંતોએ નવરાત્રીને લઈને મોટી આગાહી કરી છે, જે મુજબ ર૩ સપ્ટેમ્બરથી સૂર્ય તુલા રાશિમાં હોઈ દક્ષિણ ગોળાર્ધમાં જતાં ચોમાસાની ધીમે ધીમે પીછેહઠ થતી હોય છે, પરંતુ આ વખતે બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે, જેના કારણે વરસાદ થશે.

તા.ર ઓક્ટોબરથી વાવાઝોડાની ગતિવિધિ વધશે, પરંતુ ૧૮, ૧૯ અને ર૦ ઓક્ટોબરથી આ વાવાઝોડાની ગતિવિધિમાં મોટા પાયે વધારો થવાથી નવરાત્રીમાં પણ વરસાદ પડશે. ખેલૈયાઓમાં અત્યારથી જ નવર ત્રી માટે ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. આ ઉત્સાહને ઉમંગ પર જાે નવરાત્રીમાં વરસાદ પડ્યો તો પાણી ફેરવાઈ જશે.

ગયા વર્ષે પણ નવરાત્રીમાં વરસાદના કારણે કેટલાક દિવસોમાં ખેલૈયા ગરબે ઘૂમી શક્યા નહોતા. આ વર્ષે પણ આવી સ્થિતિનું પુનરાવર્તન થાય તેવી આગાહી કેટલાક હવામાન નિષ્ણાંતોએ કરી છે. આ હવામાન નિષ્ણાંતો વધુમાં કહે છે કે આગામી સમયમાં પશ્ચિમ બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્ધમાં વાવાઝોડું આવવાની શક્યતા છે.

તા.૩૦ સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં થાઈલેન્ડ બાજુ લો પ્રેશર બનશે, જે મજબૂત બનીને તા.ર ઓક્ટોબર સુધી અરબ સાગરમાં આવશે. તા.૧ર ઓક્ટોબર સુધી આ વાવાઝોડું ભીષણ સ્વરૂપ લેશે અને સિવિયર સ્ટ્રોમથી એક્સ્ટિ્રમ સિવિયર સ્ટ્રોમ પણ બની શકે છે. વર્ષ ર૦૧૮માં આવેલા વિનાશક વાવાઝોડા જેવું બનવાની શક્યતા છે. અરબી સમુદ્રમાં પણ મજબૂત સિસ્ટમ બની શકે છે, જેનો માર્ગ ઓમાન તરફ જવાની સંભાવના છે.

બંગાળનું વાવાઝોડું પ્રતિ કલાકે દોઢસો કિ.મી.ની ઝડપે ફૂંકાઈ શકે છે, જેની અસર મધ્ય પ્રદેશના ભાગોમાં થઈ ગુજરાતને થશે. ખાસ કરીને ગુજરાતના કેટલાક ઉત્તર-પૂર્વીય ભાગોમાં તેની અસર થઈ શકે. અત્યારે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાંથી ચોમાસાએ વિદાય લીધી છે.

આગામી બે-ત્રણ દિવસમાં દેશના ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ મધ્યમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે. બીજી તરફ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રીય થવાથી આજે પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે, પરંતુ ગુજરાતમાં જ્યારે ચોમાસું વિદાય લઈ રહ્યું છે તેવા સમયે નવરાત્રીમાં ફરીથી મેહુલિયાની પધરામણી થશે તેવી કેટલાક હવામાન નિષ્ણાંતોની આગાહીના પગલે ખેલૈયાઓમાં અત્યારથી ભારે ચિંતાનું મોજું ફેલાઈ ગયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.