Western Times News

Gujarati News

7 ઓકટોબર; વિશ્વ કપાસ દિવસ-ગુજરાત ભારતમાં કપાસનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય

સફેદ સોનું તરીકે ઓળખતો પાક કપાસ જામનગર જિલ્લાના ખેડૂતોની પહેલી પસંદગી

જામનગર જિલ્લામાં કપાસનું ચાલુ વર્ષે 1,78,154 હેક્ટરમાં વાવેતર કરાયું: ગત વર્ષની સરખામણીએ કપાસના વાવેતરમાં 18,971 હેક્ટરનો વધારો

કપાસના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે, અને કપાસ એ દેશના સૌથી મહત્વપૂર્ણ પાકોમાંનો એક છે. ભારત હજારો વર્ષોથી કપાસનું ઉત્પાદન કરી રહ્યું છે. દેશના લાખો ખેડૂતો કપાસના પાકના વાવેતર થકી આજીવિકા મેળવે છે. અને લાખો લોકો કપાસ ઉદ્યોગમાં કામ કરે છે. કપાસ એ ગુજરાત રાજયનો મુખ્ય રોકડિયો પાક છે. કપાસ ક્ષેત્રે ગુજરાત દેશમાં આગવું સ્થાન ધરાવે છે, એટલું જ નહિ પરંતુ કપાસમાં શંકર જાત શોધવામાં આપણું રાજ્ય વિશ્વ સ્તરે પ્રથમ રહ્યું છે.

ભારતમાં ગુજરાત રાજ્ય દેશનું સૌથી વધુ કપાસનું વાવેતર કરતું રાજ્ય છે. ગુજરાતમાં આ વર્ષે કપાસનું રેકોર્ડબ્રેક વાવેતર થયું છે. અંદાજે આ વર્ષે અત્યાર સુધીમાં 26લાખથી વધુ હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. જે છેલ્લા 8વર્ષમાં સૌથી વધુ છે. ગુજરાતમાં મુખ્યત્વે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન થાય છે.

જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લામાં સરેરાશ અંદાજે 3,49,000 હેક્ટર વિસ્તારમાં કુલ વાવેતર કરવામાં આવે છે. જેમાં સૌથી વધુ હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવે છે. જિલ્લામાં વર્ષ 2023માં અત્યાર સુધી અંદાજે 1,78,154 હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં ગત વર્ષની સરખામણીએ વાવેતરમાં 18,971 હેક્ટરનો વધારો નોંધાયો છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આ વર્ષે સૌથી વધુ કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે.

સરકારની સૌની યોજના હેઠળ ખડૂતોને સિંચાઇ માટે પાણી આપવામાં આવતા કપાસના પાકનું વાવેતર કરતાં ખેડૂતોને ટેકો મળ્યો : કાંતિભાઈ (બજરંગપુર ગામના ખેડૂત)

જામનગર તાલુકાના બજરંગપૂર ગામે રહેતા ખેડૂત કાંતિભાઈ જણાવે છે કે સૌરાષ્ટ્રમાં કપાસનું સારા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. કાળી અને પાણીવાળી જમીનમાં કપાસનું સારું ઉત્પાદન થાય છે. ચાલુ વર્ષે વરસાદની અછત દરમિયાન સરકારે સૌની યોજના હેઠળ ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવાનું શરૂ કર્યું છે.

તેના પરિણામે કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને અને નાના ખેડૂતોને ટેકો મળ્યો છે. તેઓ વધુમાં જણાવે છે કે મે 20 વીઘા જેટલી જમીનમાં કપાસના પાકનું વાવેતર કર્યું છે. સરેરાશ એક વીઘા દીઠ રૂ.50,000ની આવક મળતા અમારા પરિવારનું સારી રીતે ગુજરાન ચાલે છે. ગત વર્ષે કપાસના ઉચ્ચ ભાવો રહ્યા હતા. સારા ભાવો મળી રહેતા ખેડૂતોનું જીવન ધોરણ પણ ઊંચું આવ્યું છે. ખાસલેખ : પારૂલ કાનગળ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.