Western Times News

Gujarati News

પંજાબ-હરિયાણામાં વરસાદ અને પવનનું એલર્ટઃ હિમાચલમાં હિમવર્ષા

જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા-દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી-તાપમાનમાં ૬ ડિગ્રીનો ઘટાડો

નવી દિલ્હી, ઓક્ટોબરમાં હિમવર્ષાના કારણે પહાડો પર શિયાળાની સમય પહેલા જ શરૂઆત થઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં રવિવારે લઘુત્તમ તાપમાન ૨.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હિમાચલમાં વરસાદ અને હિમવર્ષાને કારણે છેલ્લા ૨૪ કલાક દરમિયાન તાપમાનમાં ૬ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો છે.

ઉત્તર ભારતના મેદાની રાજ્યોમાં પણ હિમવર્ષાની અસર જાેવા મળી રહી છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે કહ્યું કે બે દિવસ પછી પર્વતો પરથી ઠંડા પવનો આ રાજ્યો તરફ ફુંકાશે. જેના કારણે તાપમાનમાં ઘટાડો થશે અને દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડીનો અનુભવ થશે.

હવામાન વિભાગે આજે હિમાચલ પ્રદેશના ઊંચા વિસ્તારોમાં ભારે હિમવર્ષાનું યલો એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. શિમલાના હાટુ, ચુરધાર, શિરગુલ, મંડીના શિકારી માતા મંદિર સહીત કિન્નૌર, ચંબા, લાહૌલ સ્પીતિ અને કાંગડાના ધોલાધરની ઉંચી પહાડીઓ પર પણ હિમવર્ષા થઈ રહી છે.

દેશના વિવિધ રાજ્યોમાંથી મનાલી, ધર્મશાલા, શિમલા, મેકલોડગંજ, ચંબા, કસૌલી આવતા પ્રવાસીઓને જ્યાં સુધી હિમવર્ષા ન થાય ત્યાં સુધી ઊંચા વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરમાં સતત હિમવર્ષાના કારણે રસ્તાઓ પર બરફના જાડા થર જમા થઈ ગયા છે. જેના કારણે સોમવારે બાંદીપોરા-ગુરેઝ રોડ પર વાહનવ્યવહાર બંધ કરવો પડ્યો હતો. હિમવર્ષા વચ્ચે, શ્રીનગરમાં રવિવારે લઘુત્તમ તાપમાન ૮.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે કુપવાડામાં તાપમાન ૭.૬ ડિગ્રી સેલ્સિયસ હતું. હવામાન વિભાગનું કહેવું છે કે મંગળવાર સુધી જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા થવાની સંભાવના છે.

રાજસ્થાનમાં ચોમાસાની વિદાય બાદ રવિવારથી પહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. ગઈકાલે મોડી સાંજથી બીકાનેર અને જાેધપુર વિભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ અને કરા પડ્યા હતા. આ સિસ્ટમની અસર આજે જયપુર, અજમેર, કોટા અને ભરતપુર ડિવિઝનમાં પણ જાેવા મળી હતી.

આ પંથકોના જિલ્લાઓમાં સવારથી જ આકાશ વાદળછાયું છે અને આજે અનેક જગ્યાએ હળવો વરસાદ થવાની સાથે કેટલીક જગ્યાએ કરા પડવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હરિયાણામાં હવામાન બદલાયું છે. સોમવારે સવારે અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. કૈથલ અને ફતેહાબાદમાં ભારે કરા પડ્યા હતા.

જેના કારણે અહીંની બજારોમાં રાખવામાં આવેલ ડાંગરનો પાક ભીનો થઈ ગયો હતો. વરસાદના કારણે કૈથલમાં મુખ્યમંત્રીના કાર્યક્રમનું સ્થળ બદલવામાં આવ્યું છે. જાટ ગ્રાઉન્ડને બદલે હવે તેમની સભા આઈજી કોલેજમાં યોજાશે. પંજાબમાં સોમવારે સવારથી વાદળછાયું વાતાવરણ છે. અનેક જિલ્લાઓમાં કલાકો સુધી ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.

સમગ્ર પંજાબમાં વરસાદની શક્યતા છે. આજે દિવસભર હળવા ઝરમર વરસાદ ચાલુ રહેશે. પંજાબના સરેરાશ તાપમાનમાં રવિવારે ૧.૯ ડિગ્રીનો ઘટાડો થયો છે. સાથે જ લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. રવિવારે સાંજે મોટાભાગના શહેરોમાં તાપમાન ૩૦ ડિગ્રીથી ઓછું નોંધાયું હતું.

ઉત્તરપ્રદેશના પશ્ચિમી જિલ્લાઓમાં સોમવારે દિવસ દરમિયાન અંધકાર છવાઈ ગયો હતો.બિજનૌરમાં ધૂળની ડમરીઓ બાદ વરસાદ પડ્યો હતો. આજે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૭ ડિગ્રી રહેવાની સંભાવના છે. જ્યારે આવતીકાલે એટલે કે ૧૭ ઓક્ટોબરે મહત્તમ તાપમાનમાં ૩ ડિગ્રીનો ઘટાડો જાેવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૨ દિવસ સુધી આવું જ વાતાવરણ રહેવાનું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.