Western Times News

Gujarati News

નવરાત્રી દરમ્યાન અમદાવાદમાં વરસાદ નહીં પડે

પ્રતિકાત્મક

અમદાવાદ, જગતજનની મા અંબાના નવલાં નોરતાંનો પ્રારંભ થઈ ચક્યો છે. અમદાવાદ સહિત ગુજરાતભરમાં આદ્યશક્તિની ભારે શ્રદ્ધાપૂર્વક આરાધના થઈ રહી છે. રાજ્યની શક્તિપીઠ ગણતાં પ્રસિદ્ધ મંદિરો જેવાં કે પાવાગઢ, ચોટીલા અને અંબાજીમાં ગઈકાલે હજારો માઈભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.

ગુજરાતની અસ્મિતાની ઓળખ સમાન બનેલા ગરબા રાસની વાત કરીએ તો શહેરના ખૂણે ખાંચરે પણ શેરી ગરબાનું આયોજન થઈ રહ્યું છે. મોટા પાર્ટી પ્લોટ અને ક્લબમાં વિશાળપાયે કોમર્શિયલ સ્તરના ડીજેના ધમધમાટ સાથે ગરબા ચાલુ થઈ ગયાં છે.

આવામાં ખેલૈયાઓને માથે વરસાદના વિધ્નની ચિંતા તોળાતી હતી. કેટલાક હવામાનશાસ્ત્રીઓએ નવરાત્રી દરમિયાન વરસાદ વિલન બનશે તેવી આગાહી કરી હતી. જાે કે શહેરના ખેલૈયાઓ માટે આનંદના સમાચાર એ છે કે આજે રાજ્યના અણુક વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે તેવી હવામાન વિભાગની આગાહી છે. અમદાવાદ આ મામલે બાકાત રહેવાનું છે.

સ્થાનિક હવામાન વિભાગની આગાહીમાં જણાવ્યા મુજબ આજે રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારો દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં હવામાન સુકું રહેશે. તા. ૧૭ ઓક્ટાબરથી ૨૧ ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં હવામાન સુકું રહેવાનું છે.

એટલે હવામાન વિભાગની આગાહી મુજબ હાલ ચાલી રહેલા નવરાત્રી ઉત્સવ દરમિયાન આજ પૂરતી વરસાદની શક્યતા છે અને તે પણ ઉત્તર ગુજરાતના ત્રણ જીલ્લામાં વરસાદની પધરામણી થઈ શકે છે. અમદાવાદ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં હવામાન રાબેતા મુજબ સુકું રહેશે. નોરતાના પહેલા દિવસે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલછવાયો હતો.

દાહાદેમાં વરસાદી માહોલ છવાતાં ખેલૈયાઓના ગરબામાં ભંગ પડ્યો હતો. આ સાથે પણ વરસાદી માહોલ છવાયો હતો. બપોર બાદ અરવલ્લીના મેઘરજના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. કંભોરડા, ઈપલોડા, પિસાલ, શાંતિપુરાકંપા અને રાજપુરમાં વરસાદ પડતાં ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા. આ વરસાદના કારણે ખેતરમાં મકાઈ, સોયાબીન અને મગફલીના પાકને નુકસાન થવાની શક્યતા છે.

મહીસાગરમાં બપોર બાદ આકાશમાં વાદળછાયા વાતાવરણથી હળવી ધારે વરસાદ વરસ્યો હતો. ખાનપુર તાલુકાના નરોડા સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો. અરવલ્લીના મોડાસા પંથકમાં તો મેઘરાજાએ બઘડાટી બોલાવી હતી. મોડાસાના સિનવાડ સહિતના આસપાસના વિસ્તારમાં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો સહિતના રોડ-રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

આ વરસાદથી મગફળીના પાકને ભારે નુકસાન થઈ શખે છે. અરવલ્લી જીલ્લાના અનેક તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યા ેહતો, જેમાં માલપુર, મોડાસા અને મેઘરજ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો રામઘડી, ભૂતિયા, લિંબોદ્રા, ગોવિંદપુરા, સજ્જનપુરા અને જીતપુરા પંથકમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. મોડાસાના માલપુર રોડ, આનંદપુરા અને ડુંગરપુરામાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.