Western Times News

Gujarati News

8 પૂર્વ ભારતીય નૌસેનિકોને કતારમાં મૃત્યુદંડની સજા કેમ કરાઈ?

પ્રતિકાત્મક

તમામને મુક્ત કરાવવા માટે ભારત દ્વારા કાયદાકીય માર્ગથી કાર્યવાહી શરૂ કરાઈ

દોહા, કતારની એક અદાલતે ૮ પૂર્વ ભારતીય નૌસેનિકોને મૃત્યુદંડની સજા સંભળાવી છે. તેઓ એક વર્ષથી કતારની જુદી જુદી જેલમાં કેદ છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, ભારત સરકારે આ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેમને મુક્ત કરવા માટે કાનૂની માર્ગો શોધવામાં આવી રહ્યા છે. વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે ચુકાદાની વિગતોની રાહ જાેઈ રહ્યા છીએ.

કતાર સરકારે ૮ ભારતીયો પરના આરોપો જાહેર કર્યા નથી. કતારમાં મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવેલા ૮ પૂર્વ નૌસેના અધિકારીઓના નામ છે- કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કમાન્ડર સુગનાકર પકાલા, કમાન્ડર સંજીવ ગુપ્તા, કમાન્ડર અમિત નાગપાલ અને સેલર રાગેશ.

કતારની ઇન્ટેલિજન્સ એજન્સીના સ્ટેટ સિક્યોરિટી બ્યુરોએ ૩૦ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ ભારતીય નૌકાદળના ૮ પૂર્વ અધિકારીઓની ધરપકડ કરી હતી. જાે કે, ભારતીય દૂતાવાસને સપ્ટેમ્બરના મધ્યમાં તેની ધરપકડની જાણ કરવામાં આવી હતી. ૩૦ સપ્ટેમ્બરના રોજ આ ભારતીયોને તેમના પરિવારના સભ્યો સાથે થોડા સમય માટે ટેલિફોન પર વાત કરવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમની ધરપકડના એક મહિના પછી ૩ ઓક્ટોબરના રોજ પ્રથમ વખત કોન્સ્યુલર એક્સેસ આપવામાં આવી હતી. આ દરમિયાન ભારતીય દૂતાવાસના એક અધિકારીને તેમને મળવા દેવાયા હતા.

આ પછી આ લોકોને દર અઠવાડિયે પરિવારના સભ્યોને ફોન કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ડિસેમ્બરમાં બીજી કોન્સ્યુલર એક્સેસ આપવામાં આવી.
ભારતના ૮ પૂર્વ નૌસેનિક કતારમાં દાહરા ગ્લોબલ ટેક્નોલોજીસ એન્ડ કન્સલ્ટન્સી નામની ખાનગી કંપનીમાં કામ કર્યું હતું. દાહરા ગ્લોબલ ટેક્નોલોજીસ એન્ડ કન્સલ્ટન્સી ડિફેન્સ સેવાઓ પૂરી પાડે છે. ઓમાન એરફોર્સના નિવૃત્ત સ્ક્વોડ્રન લીડર ખમિસ અલ અજમી તેના ચીફ છે.

તેની પણ ૮ ભારતીય નાગરિકો સાથે ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ નવેમ્બરમાં તેને છોડી દેવામાં આવ્યો હતો. આ કંપની કતાર નેવી એટલે કે ઊઈદ્ગહ્લને તાલીમ અને અન્ય સેવાઓ પૂરી પાડે છે. કંપની પોતાને સંરક્ષણ સાધનોના સંચાલન અને તેમના સમારકામ અને જાળવણીમાં નિષ્ણાત તરીકે વર્ણવે છે.

કંપનીના વરિષ્ઠ અધિકારીઓ અને તેમની પોસ્ટ વિશે સંપૂર્ણ માહિતી આ વેબસાઇટ પર આપવામાં આવી છે. જાે કે, ૮ ભારતીયોની ધરપકડ બાદ હવે દાહરા ગ્લોબલ ટેક્નોલોજીસ એન્ડ કન્સલ્ટન્સીની વેબસાઈટ અસ્તિત્વમાં નથી.

નવી વેબસાઇટમાં કંપનીનું નામ દાહરા ગ્લોબલ છે. તે કંપની સાથે ઊઈદ્ગહ્લનું કોઈ કનેક્શન બતાવતું નથી, ન તો કંપનીમાં નેતૃત્વની ભૂમિકામાં રહેલા ભૂતપૂર્વ નેવી અધિકારીઓનો કોઈ ઉલ્લેખ નથી.

દાહરા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર નિવૃત્ત કમાન્ડર પૂર્ણેન્દુ તિવારીને ભારત અને કતાર વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવામાં તેમની સેવાઓ માટે વર્ષ ૨૦૧૯માં પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ મળ્યો હતો. આ પુરસ્કાર મેળવનાર સશસ્ત્ર દળોમાંથી તે એકમાત્ર વ્યક્તિ છે. તે સમયે, દોહામાં તત્કાલિન ભારતીય રાજદૂત પી કુમારન અને કતાર ડિફેન્સ ફોર્સિસ ઇન્ટરનેશનલ મિલિટરી કોર્પોરેશનના પૂર્વ પ્રમુખે પણ પૂર્ણેન્દુનું સ્વાગત કર્યું હતું.

કતાર સરકારે હજુ સુધી ૮ ભારતીયો સામેના આરોપો જાહેર કર્યા નથી. જાે કે, એકાંત કારાવાસમાં મોકલવાને કારણે કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષા સંબંધિત ગુનાના સંબંધમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીને જ્યારે પૂછવામાં આવ્યું કે તેમની સામે કયા આરોપો લગાવવામાં આવ્યા છે, ત્યારે તેમણે આ વર્ષે જાન્યુઆરીમાં તેમની સાપ્તાહિક બ્રીફિંગમાં કહ્યું હતું કે આ પ્રશ્ન કતારના સત્તાવાળાઓએ પૂછવો જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.