Western Times News

Gujarati News

“મન કી બાત”માં PM મોદીએ લગ્નનો મુદ્દો ઉઠાવ્યો: શું કહ્યુ જાણો છો?

Mann ki baat PM Modi (98)

ધનાઢ્ય લોકોને વિદેશના બદલે દેશમાં જ લગ્ન સમારંભ યોજવા મોદીની હાકલ

ધનિકોએ ભારતમાં સમારંભ યોજવા વિચારવું જાેઈએઃ તેનાથી વિકાસમાં મદદ મળશે અને વિદેશ જેવી સુવિધાઓ ભારતમાં પણ મળવા લાગશે

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના મન કી બાદ રેડિયો કાર્યક્રમમાં અલગ અલગ વિષયો ઉઠાવવા માટે જાણીતા છે, જેમાં આ વખતે તેમણે એક નવો જ વિષય હાથમાં લીધો છે. મોદીએ પોતાના કાર્યક્રમમાં કહ્યું કે, “ધનિક લોકો વિદેશમાં ખર્ચાળ લગ્ન સમારોહ યોજતા હોય છે. પરંતુ શું તેની ખરેખર જરૂર છે?” તેમણે ધનાઢ્ય લોકોને વિદેશના બદલે દેશમાં જ લગ્ન સમારંભ યોજવા હાકલ કરી હતી. આમ કરવાથી દેશના નાણાં દેશમાં જ રહેશે. વિદેશમાં વેડિંગ ડેસ્ટિનેશન પર જે સગવડો છે તેવી જ સગવડો ભારતમાં પણ મળે છે તેમ તેમણે કહ્યું હતું.

હાલમાં ધનાઢ્ય લોકોમાં વિદેશમાં ખર્ચાળ લગ્ન કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે તેના વિશે મોદીએ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ભારતમાં જ લગ્ન કરવામાં આવે તો વધુ લોકો માટે તક પેદા થશે અને દેશનો વિકાસ પણ થશે.

તેમણે કહ્યું કે દેશની અંદર જ લગ્નો યોજવામાં આવે અને વિદેશમાં લગ્ન સમારોહ યોજવાનું ટાળવામાં આવે તો દેશના નાણાં દેશમાં જ રહેશે. આ ઉપરાંત વિદેશ જેવી જ સગવડો ભારતમાં પણ મળવા લાગશે.

નરેન્દ્ર મોદી દર મહિને એક વખત રેડિયો પર “મન કી બાત” કરે છે. તેમણે કહ્યું કે વિદેશમાં લગ્ન સમારોહ યોજવાના ટ્રેન્ડના કારણે તેમના દિલમાં દુઃખ થાય છે. “મારા મનમાં ઘણા સમયથી આ પીડા છે અને આ પીડા મારા પરિવારજનો સમક્ષ ન ઠાલવું તો ક્યાં ઠાલવું? કેટલાક પરિવારો વિદેશ જઈને ત્યાં લગ્ન સમારોહ યોજે છે. શું આ જરૂરી છે? આપણે ભારતીય ભૂમિ પર જ લગ્ન યોજીએ તો દેશના નાણાં દેશમાં જ રહેશે.”

ભારતની અંદર જ લગ્ન સમારોહ યોજીને તેમણે “વોકલ ફોર લોકલ”ના મિશન પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે “કદાચ વિદેશમાં લગ્ન સમારોહમાં જે સગવડો હોય તે કદાચ આપણે ત્યાં ન હોય એવું બની શકે. પરંતુ આપણે અહીં એવી ઈવન્ટ યોજીશું તો ભારતમાં પણ સિસ્ટમ ડેવલપ થઈ શકે છે. આ વિષય બહુ મોટા ફેમિલીને લગતો છે.”

તેમણે કહ્યું કે માત્ર ભારતીય પ્રોડક્ટ માટે “મેડ ઈન ઈન્ડિયા”નું વલણ હોવું પૂરતું નથી. લોકોએ લગ્ન સમારોહ માટે પણ ‘મેડ ઈન ઈન્ડિયા’નું વલણ અપનાવવું જાેઈએ. લગ્નની સિઝનમાં ભારતમાં લગભગ પાંચ લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થતો હોય છે તેમ મોદીએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે “વોકલ ફોર લોકલ”નો સિદ્ધાંત અનુસરવામાં આવે તો શહેરી અને ગ્રામીણ લોકો માટે એક સરખી તક સર્જાશે. તેનાથી લોકલ પ્રોડક્ટમાં વેલ્યૂ એડિશન થશે. ગ્લોબલ ઈકોનોમીમાં ઉતાર ચઢાવ આવતા હશે તો પણ ભારતીય ઈકોનોમીમાં સ્થાનિક ડિમાન્ડ જળવાઈ રહેશે જેના કારણે કોઈને વાંધો નહીં આવે.
પીએમ નરેન્દ્ર મોદીની આજે ૧૦૭મો મન કી બાતનો કાર્યક્રમ હતો. અગાઉ ૧૦૬માં કાર્યક્રમમાં દિવાળીના તહેવાર પર લોકોને તેમના સ્થાનિક દુકાનદારો પાસેથી સામાન ખરીદવાની અપીલ કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં હુમલો થયાની વરસી છે. ૨૬/૧૧ના હુમલાને દેશ ક્યારેય ભૂલી શકતો નથી પરંતુ આપણા દેશની તાકાત એવી છે કે આજે આપણે અનેક આતંકવાદને કચડી રહ્યા છીએ. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આજનો દિવસ એટલા માટે પણ ખાસ છે કારણ કે આ દિવસે આપણા દેશનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું. ૨૦૧૫માં જ્યારે દેશ ભીમરાવ આંબેડકરની ૧૨૫મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે ૨૬ નવેમ્બરે બંધારણ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આપણું બંધારણ બનાવવામાં ૨ વર્ષ ૧૧ મહિના અને ૧૮ દિવસનો સમય લાગ્યો હતો. તેમણે કહ્યું કે, સિચ્દાનંદજી આ બંધારણ સભાના સૌથી જૂના સભ્ય હતા. આપણું બંધારણ ૬૦ દેશોનો અભ્યાસ કરીને તૈયાર કરવામાં આવ્યું છે. બંધારણને અંતિમ સ્વરૂપ આપતા પહેલા તેમાં ૨૦૦૦થી વધુ સુધારા કરવામાં આવ્યા હતા. તેના અમલ પછી અત્યાર સુધી આપણે ૧૦૬ સુધારા કર્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે જ્યારે બધા સાથે હોય છે ત્યારે જ બધાનો વિકાસ થાય છે. આપણી સરકારે બંધારણના ઘડવૈયાઓના સમાન વિઝનને અનુસરીને, ભારતની સંસદે નારી શક્તિ વંદન કાયદો પસાર કર્યો છે. તેમણે કહ્યું કે આ કાયદો આપણી લોકશાહીની શક્તિનું ઉદાહરણ છે. જ્યારે લોકો રાષ્ટ્ર નિર્માણમાં ભાગ લે છે ત્યારે તેમને આગળ વધતા કોઈ રોકી શકતું નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.