Western Times News

Gujarati News

સચીન GIDCની કેમિકલ કંપનીને આગ બાદ ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી

સચીન GIDCની એથર કંપનીમાં કેમિકલની ટાંકીમાં લીકેજ બાદ આગ ફાટી નીકળી-મોડી રાત્રે સર્જાયેલી હોનારતને પગલે આસપાસની કંપનીના કામદારોમાં પણ નાસભાગ

સુરત,  શહેરના છેવાડે આવેલ સચીન જીઆઈડીસી વિસ્તારમાં ગત મોડી રાત્રે એક કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. હોનારતને પગલે કંપનીમાં કાર્યરત 25 કામદારો ઘાયલ થતાં તેઓને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

બીજી તરફ હોનારત અંગે જાણ થતાં જ સુરત મહાનગર પાલિકાના ફાયર વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે ઘસી ગયો હતો. અંદાજે પાંચ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા સાંપડી હતી. કેમિકલ ટેન્કમાં આગ ફાટી નીકળવાને કારણે આસપાસની કંપનીઓના કર્મચારીઓમાં પણ ભયનો માહોલ પ્રસરી ગયો હતો. હાલ સમગ્ર ઘટના અંગે પ્રાથમિક ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર સચીન જીઆઈડીસીમાં એથર નામક કેમિકલ કંપનીમાં ગત મોડી રાત્રે 1.30 કલાકની આસપાસ કેમિકલ ટેન્કમાં લીકેજ થતાં આગ ફાટી નીકળી હતી. કંપનીમાં કામ કરી રહેલા કામદારો દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવે તે પહેલાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

મોડી રાત્રે સર્જાયેલી આ હોનારતને પગલે કંપનીમાં કામ કરી રહેલા 25 કારીગરો પણ આગની ચપેટમાં આવી ગયા હતા. જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. ઘટના અંગે તાત્કાલિક સ્થાનિક ફાયર વિભાગથી માંડીને પોલીસને જાણ કરવામાં આવી હતી. અંદાજે એક કલાક બાદ સુરત મહાનગર પાલિકાના ફાયર વિભાગને ઘટના અંગે જાણ કરવામાં આવતાં ભેસ્તાન, માન દરવાજા અને વેસુ ફાયર સ્ટેશનનો કાફલો પણ ઘટના સ્થળે ઘસી ગયો હતો.

પાંચ ફાયર ફાઈટરો દ્વારા કેમિકલ કંપની પર આગ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. બીજી તરફ સ્થાનિકો દ્વારા 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતાં એક પછી એક તમામ કામદારોને એમ્બ્યુલન્સ થકી ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ત્રણ કામદારોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ઓથાર કંપનીમાં જે કેમિકલ ટેન્કમાં લીકેજ બાદ આગ ફાટી નીકળી હતી તેમાં ટેટ્રો હાઈડ્રોફ્યુરાન નામક કેમિકલનો સંગ્રહ કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે. આ કેમિકલનો ફ્લેમેબલ કેટેગરીમાં સમાવેશ થાય છે. જેને પગલે ટાંકીમાં લીકેજ થયા બાદ સ્પાર્ક કે અન્ય કોઈ કારણોસર આગ ફાટી નીકળી હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે, સમગ્ર ઘટના અંગે જિલ્લા કલેકટરનું વહીવટી તંત્ર પણ તપાસમાં જોતરાયું છે અને આગામી દિવસોમાં આ અંગેનો ફાઈનલ રિપોર્ટ દાખલ કરવામાં આવશે.

કંપનીમાં 150 કામદારો ફરજ પર હતા
સચીન જીઆઈડીસીમાં કેમિકલ કંપની એથરમાં ગઈકાલે રાત્રે હોનારત સર્જાતાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે. મોડી રાત્રે 25 હજાર લીટરની ક્ષમતા ધરાવતાં કેમિકલની ટાંકીમાં નીચેના હિસ્સામાં લીકેજ થયા બાદ અચાનક આગ ફાટી નીકળવાની ઘટનાને પગલે વહીવટી તંત્ર પણ દોડતું થઈ ગયું છે. હાલમાં ઘાયલ તમામ કામદારોને અલગ – અલગ ખાનગી હોસ્પિટલોમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જો કે, સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર દુર્ઘટના સમયે ઓથાર કંપનીમાં 150 જેટલા કામદારો કામ કરી રહ્યા હતા.

બે હજાર લીટર ફોમનો ઉપયોગ કરાયો
કેમિકલ ટાંકીમાંથી લીકેજ થયા બાદ અચાનક વિકરાળ આગ ફાટી નીકળતાં ઓથાર સહિત આસપાસ આવેલી કંપનીમાં પણ ચકચાર મચી જવા પામી હતી. જેને પગલે ઘટના સ્થળે પહોંચેલા સુરત મહાનગર પાલિકાના ફાયર વિભાગના કાફલા દ્વારા પ્રારંભમાં પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરાયો હતો. પાંચ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યા બાદ ફાયર વિભાગના જવાનોએ કુલિંગની કામગીરી માટે બે હજાર લીટર ફોમનો ઉપયોગ કર્યો હતો. થોડા સમય પૂર્વે જ અનુપમ કેમિકલ કંપનીમાં પણ આગ ફાટી નીકળવાની ઘટનામાં ફાયર વિભાગ દ્વારા મોટા પ્રમાણમાં ફોમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

કંપનીને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી
સચીન જીઆઈડીસીમાં આવેલ ઓથાર કેમિકલ કંપનીમાં આગ ફાટી નીકળવાની ઘટનાને પગલે જિલ્લા કલેકટર કચેરીનું વહીવટી તંત્ર પણ દોડતું થઈ ગયું છે. ટેટ્રો હાઈડ્રોફ્યુરાન કેમિકલના સ્ટોરેજ માટે બનાવેલી 25 હજાર લીટરની ટાંકીમાં લીકેજ બાદ આગ ફાટી નીકળવાની ઘટનાને પગલે ડાયરેક્ટોરેટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થની ટીમ દ્વારા ઘટના સ્થળની મુલાકાત લેવામાં આવી હતી અને હાલમાં કંપનીમાં ફાયર સેફટી સહિતના તમામ પાસાઓની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ હાલના તબક્કે વહીવટી તંત્ર દ્વારા કામદારોની સુરક્ષાને ધ્યાને રાખીને તકેદારીના ભાગરૂપે કંપનીને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.

25 કામદારો પૈકી ત્રણની હાલત ગંભીર
ચોર્યાસી તાલુકાના ગભેણી ગામ પાસે આવેલ સચીન જીઆઈડીસીના રોડ નં. 8માં એથર કંપનીમાં આગ લાગવાની ઘટનાને પગલે સમગ્ર શહેરમાં વધુ એક વખત ઔદ્યોગિક એકમોમાં ફાયર સેફટી મુદ્દે ચર્ચાનો દૌર શરૂ થયો છે. મોડી રાત્રે સર્જાયેલી હોનારતમાં 25 કામદારો આગની ચપેટમાં આવી ગયા હતા. જેને પગલે કંપનીમાં કામ કરી રહેલા અન્ય કર્મચારીઓમાં પણ ભયની લાગણી પ્રસરી જવા પામી હતી. હાલમાં ઘાયલ તમામ કામદારોને મૈત્રી હોસ્પિટલ, સંજીવની હોસ્પિટલ, એપલ હોસ્પિટલ અને નવી સિવિલ હોસ્પિટલમાં સઘન સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તબીબોના જણાવ્યા મુજબ ત્રણ કામદોરની હાલત અત્યંત ગંભીર છે અને જેને પગલે તેઓને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.