Western Times News

Gujarati News

અમદાવાદને સ્વચ્છ બનાવવા માટે મ્યુનિસિપલ તંત્ર હવે આકરા પાણીએઃ 21 એકમો સીલ

પ્રતિકાત્મક

જાહેર રોડ પર ગંદકી કરનાર ર૧ એકમ સીલ

(એજન્સી) અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરને વધુને વધુ કચરામુક્ત બનાવવા માટેની દિશામાં સતત નિષ્ઠાપૂર્વક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત ટોચના સ્તરેથી અપાયેલા આદેશ મુજબ તંત્રે જાહેર રોડ પર ગંદકી ફેલાવનારા ધંધાકીય એકમો સામે લાલ આંખ કરી છે.

મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ગઈકાલે એક જ દિવસમાં શહેરના કુલ ર૧ એકમને સીલ કરાતાં જાહેરમાં ગંદકી ફેલાવનારા ધંધાર્થીઓમાં ભારે ભય વ્યાપી ગયો છે.

શહેરને સ્વચ્છ બનાવવા માટે મ્યુનિસિપલ તંત્ર હવે આકરા પાણીએ છે અને તમામ ઝોનને દરરોજ ઓછામાં ઓછા રૂ.એક લાખનો દંડ વસુલવાનો આદેશ ગંદકીના સંદર્ભમાં સોલિડ વેસ્ટ મેનજમેન્ટ વિભાગને આપવામાં આવ્યો છે. આ આદેશ મુજબ પૂર્વ ઝોનમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે સપાટો બોલાવીને જાહેર રોડ પર કચરો નાખી ન્યુસન્સ ફેલાવવા બદલ કુલ ૧૬ એકમને તાળાં મારી દીધાં છે.

ગોમતીપુરના કાળભૈરવરોડ પરના રાજેન્દ્રપાર્કના સુપર ઓટો, ફુવારા સર્કલ પાસેના રાજા ઓટો, ઓઢવમાં ૮૭, આદર્શ એસ્ટેટના શ્રી રામદેવ એન્જિનિયરિંગ એન્ડ જોબવર્ક તેમજ ૮, આદર્શ એસ્ટેટના જય અંબે વર્કશોપ, નિકોલમાં શાલિગ્રામ લેકવ્યુના ડાયરો પાન પાર્લર, રાજ બેટરી, ડિલકસ પાન પાર્લર, શ્રી રામ ઢોસા અને સંજય પાન પાર્લર, આશીર્વાદ એસ્ટેટના નારાયણ ઓટો ગેરેજ, ગંગોત્રી સર્કલના સામ આર્કેડના જી.આર. ન્યુટ્રીશિયન અને

ભક્તિ પાન પાર્લર, ગંગોત્રી સર્કલ પાસેના ગંગોત્રી ટી સ્ટોલ અને રામોલના ૪૬, મહાદેવ એસ્ટેટના પરમેશ્વર ફેબ એમ કુલ ૧૬ એકમને સીલ કરવામાં આવતાં જાહેર રોડ પર ગંદકી ફેલાવનારા ધંધાકીય એકમોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સત્તાવાળાઓએ પૂર્વ ઝોનમાં જાહેરમાં ગંદકી કરી ન્યુસન્સ કરતા ૬૧ એકમને નોટિસ આપી કુલ ૪૩,પ૦૦ અને પ્રતિબંધિત પ્લાસ્ટીક તેમજ પેપર કપનો ઉપયોગ કરતા પ૬ એકમને નોટિસ ફટકારી કુલ રૂ.૩૪ હજારનો વહીવટીચાર્જ વસુલ્યો હતો.

આમ કુલ ૧ર૪ એકમને નોટિસ ફટકારી તંત્રે કુલ રૂ.૭૭,પ૦૦નો વહીવટીચાર્જ વસુલ્યો હતો. જયારે ઉત્તર પશ્ચિમ ઝોનમાં તંત્રે કુલ ૮પ જેટલાં એકમ તપાસી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમોના ઉલ્લંઘનના મામલે કુલ ૭૮ એકમને નોટિસ ફટકારી હતી તેમજ કુલ છ કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કસૂરવારો પાસેથી રૂ.૧,૧૮,૬૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.