Western Times News

Gujarati News

મક્કાના ઈમામ અયોધ્યામાં મસ્જિદનું શીલારોપણ કરશે

લખનૌ, અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થવા આવ્યું છે અને આગામી મહિને તેમાં પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે અયોધ્યા કેસમાં મંદિરની સાથે સાથે એક મસ્જિદ બાંધવા માટે પણ જમીન ફાળવવામાં આવી છે. આ મસ્જિદનું શીલારોપણ કરવા માટે મક્કાના ઈમામ આવવાના છે. અયોધ્યાથી ૨૫ કિમી દૂર ધન્નીપુરમાં આ ભવ્ય મસ્જિદનું બાંધકામ કરવામાં આવશે. આ મસ્જિદમાં વિશ્વનું સૌથી મોટું કુરાન રાખવામાં આવશે અને ઈસ્લામના પાંચ સિદ્ધાંતોના પ્રતિકરુપે અહીં પાંચ મિનારા હશે.

આ ઉપરાંત અહીં એક કેન્સર હોસ્પિટલ, શાળાઓ, મ્યુઝિયમ, લાઈબ્રેરી અને એક વેજિટેરિયન કિચન પણ હશે. આ મસ્જિદમાં એક વિશાળ એક્વેરિયમ અને ફાઉન્ટન પણ બનાવવામાં આવશે જે સાંજની નમાજના સમયે ચાલુ કરાશે. અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવ્યા પછી તેના બદલામાં એક અલગ જગ્યાએ મસ્જિદ મોહમ્મદ બિન અબ્દુલ્લાનું નિર્માણ કરવામાં આવશે.

તેનું શીલારોપણ મક્કાની મસ્જિદના ઈમામ-એ-હરામ દ્વારા કરવામાં આવશે જેઓ મક્કાની પવિત્ર મસ્જિદમાં પણ નમાજ પઢાવે છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધિન રહીને ઉત્તર પ્રદેશ સરકારે મુસ્લિમોને આ પ્લોટ આપ્યો છે જે અયોધ્યાથી લગભગ ૨૫ કિમીના અંતરે છે.

મસ્જિદ મુહમ્મદ બિન અબ્દુલ્લાના ચેરમેન અને મુંબઈ સ્થિત ભાજપના નેતા હાજી અરાફત શેખે જણાવ્યું કે અયોધ્યામાં બની રહેલી મસ્જિદ આખા ભારતમાં સૌથી મોટી હશે અને અહીં વિશ્વનું સૌથી મોટું કુરાન પણ હશે જેની લંબાઈ ૨૧ ફૂટ અને પહોળાઈ ૩૬ ફૂટ હશે. જુલાઈ ૨૦૨૦માં રચાયેલા ઈન્ડો-ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશને શરૂઆતમાં અયોધ્યાની મસ્જિદના બાંધકામનું કામ લીધું હતું. પરંતુ ઓક્ટોબરમાં મૌલવીઓની એક મિટિંગ મળી હતી જેમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આ મસ્જિદને મસ્જિદ મુહમ્મદ બિન અબ્દુલ્લા નામ આપવામાં આવશે. મસ્જિદ માટે નવી ડિઝાઈન પણ નક્કી કરવામાં આવી છે. તે મુજબ મસ્જિદમાં પાંચ મિનારા હશે જે ઈસ્લામના પાંચ સ્થંભ – કલિમા, નમાઝ, રોઝા, હજ અને જકાત દર્શાવે છે.

આ મસ્જિદમાં દર્દીઓની સારવાર માટે એક કેન્સર હોસ્પિટલ, શાળાઓ, કોલેજો અને મ્યુઝિયમ હશે. આ ઉપરાંત એક સંપૂર્ણ શાકાહારી કિચન પણ બનાવવામાં આવશે જ્યાં મુલાકાતીઓને નિઃશૂલ્ક ભોજન આપવામાં આવશે. અહીં એક વિશાળ એક્વેરિયમ અને વઝુ ખાના હશે જ્યાં સ્ત્રીઓ અને પુરુષો માટે અલગ સેક્શન રાખવામાં આવશે.

હાજી અરાફત શેખે જણાવ્યું કે આ મસ્જિદ તાજમહાલ કરતા પણ વધારે સુંદર હશે. સાંજના સમયે જ્યારે નમાજ થશે ત્યારે તરત જ મસ્જિદના ફુવારા શરૂ થઈ જશે. તમામ ધર્મના લોકો આ મસ્જિદને જોવા માટે આવી શકશે તેમ તેમણે જણાવ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.