Western Times News

Gujarati News

ભાવનગરમાં દિવસ દરમિયાન વીજળીની માંગ સાથે ખેડૂતોનો વિરોધ

ભાવનગર, દિવસે વીજળી આપવાની માગ સાથે ભાવનગરમાં ખેડૂતોએ વીજ કચેરીનો ઘેરાવ કર્યો હતો. હાડ થીજવતી ઠંડી અને વન્ય પ્રાણીઓની દહેશત વચ્ચે સિહોર તાલુકાના ખેડૂતો રાત્રિના સમયે સિંચાઈ કરે છે.

આ વિસ્તારના ખેડૂતોએ દિવસે વીજળી આપવા વીજ વિભાગમાં અનેક વખત રજૂઆત કરી છે. પરંતુ તેમ છતાં પ્રશ્નનું નિરાકરણ ન આવતા ખેડૂતોનો આક્રોશ ફૂટ્યો છે. મોડી રાત્રે મોટી સંખ્યામાં ખેડૂતો સિહોર તાલુકાની ટાણા પીજીવીસીએલ સબ ડિવિઝન કચેરીએ પહોંચ્યા અને હલ્લાબોલ કર્યો હતો.

ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી કે, જાે દિવસે વીજળી નહીં આપવામાં આવે તો વિરોધ પ્રદર્શનને ઉગ્ર બનાવાશે. નોંધનીય છે કે, હાલમાં જ ભાવનગરમાં પણ ડુંગળીના ઘટતા ભાવ સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો.

ખેડૂતોએ ડુંગળીની નિકાસ પર કેન્દ્ર સરકારે લગાવેલા પ્રતિબંધના વિરોધમાં ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. મોટી સંખ્યામાં ઉમટેલા ખેડૂતોએ હાઇવે બંધ કરાવ્યો હતો અને રસ્તા પર ડુંગળી ફેંકી વિરોધ નોંધાવ્યો હતો.

ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ અને કેન્દ્ર સરકાર દ્વારા નિકાસ પર પ્રતિબંધના વિરોધમાં ખેડૂતોએ ઉગ્ર વિરોધ શરૂ કર્યો હતો. વિરોધ કરતા ખેડૂતોએ ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે મહુવા પાસેથી બંધ કરીને નેશનલ હાઈવે ચક્કાજામ કર્યો હતો.

ભાવનગર સિવાય સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ માર્કેટ યાર્ડના ખેડૂતોએ ચક્કાજામ કર્યો છે. ખેડૂતોએ ડુંગળી રસ્તા પર ઠાલવીને વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતો દ્વારા રસ્તા પર ચક્કા જામ કરતાં ગોંડલ જૂનાગઢ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ જાેવા મળી રહ્યો છે.

મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે. ખેડૂતોને ડુંગળીનો પૂરતો ભાવ ન મળતા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. નેશનલ હાઈવે પર ચારે બાજુ રસ્તા પર ડુંગળીને ખેડૂતો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. નોંધનીય છે કે ભારત સરકારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મુકતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.

આ નિકાસ પ્રતિબંધને કારણે ડુંગળીના ભાવ સાવ તળિયે પહોંચી ગયા છે. જેના કારણે ખેડૂતોને ડુંગળી પકવવા માટે ખર્ચ કાઢવો પણ મુશ્કેલ થઈ રહ્યો છે. હાલમાં બજારમાં ખરીફ સીઝનની ડુંગળી આવી રહી છે. તેની ગુણવત્તા રવિ સીઝનની ડુંગળી કરતા હલકી ગુણવત્તાની છે. તેથી સરકાર ખરીફ સીઝનની ડુંગળી ખરીદતી નથી.

પરંતુ ડુંગળીના ખેડૂતોના વિરોધને જાેતા કેન્દ્ર સરકારે તેના બફર સ્ટોક માટે લગભગ બે લાખ ટન ખરીફ ડુંગળીની ખરીદી શરૂ કરી છે. જેમાં નાફેડ દ્વારા એક લાખ ટન ડુંગળીની ખરીદી કરવામાં આવી રહી છે અને એનસીસીએફ દ્વારા એક લાખ ટન ડુંગળીની ખરીદી કરવામાં આવી રહી છે.

ડુંગળીની સ્થાનિક પ્રાપ્યતા વધારવા અને ભાવ નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્ર સરકારે ૮ ડિસેમ્બરે નિકાસ પર પ્રતિબંધ લાદ્યો હતો. આ પ્રતિબંધ આવતા વર્ષે ૩૧ માર્ચ સુધી અમલમાં છે. જેના કારણે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં ડુંગળીના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ખરીફ સિઝનમાં ડુંગળીની ખરીદી શરૂ કરી છે. SS1SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.