Western Times News

Gujarati News

કર્મચારી નોકરીથી નાખુશ, ૨૮ ટકા વર્ષમાં નોકરી બદલવાનું વિચારે છે

નવી દિલ્હી, કર્મચારીઓ તેની વર્તમાન નોકરીથી ખુશ નથી, આબાબતનો સર્વે કરતા વૈશ્વિક સ્તરે ૨૮ ટકા કર્મચારીઓ એક જ વર્ષમાં નોકરી બદલવાનું વિચારી રહ્યા છે. એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કર્મચારીઓ નવી તકની શોધમાં વ્યસ્ત રહે છે. તેમજ તેમાંથી કેટલાક નવી જાેબમાં સ્વિચ કરવાનું પણ વિચારી રહ્યા છે. ભારતમાં પણ દર ચોથો કર્મચારી એક વર્ષમાં નોકરી બદલવા માંગે છે.

આથી કહી શકાય કે ભારતમાં નોકરી બદલતા લોકોનો દર ૨૬ ટકા છે. આવી સ્થિતિમાં કંપનીઓ માટે સ્થિતિ પડકારજનક બની રહે છે. જે માત્ર ભારત પુરતી જ મર્યાદિત નથી પરંતુ વૈશ્વિક લેવલે આ પરિસ્થિતિ છે.

ખાનગી ક્ષેત્રમાં કામ કરતા મોટાભાગના કર્મચારીઓનું કહેવું છે કે વધી જતી મોંઘવારી અને નજીવા પગારના કારણે તેઓ સતત નવી તકની શોધમાં રહે છે. આ ઉપરાંત કામ કરવાના લાંબા કલાકો અને સામે મળતા ઓછા લાભ અને ભાવનાત્મક લાગણીઓપણ નોકરી બદલવા પાછળના જવાબદાર કારણોમાં સ્થાન ધરાવે છે.

જેથી કંપનીએ એ ખાસ જાેવું જાેઈએ કે તેમના કર્મચારીઓ માટે શું મહત્વનું છે, તેને પ્રાથમિકતા આપવી જાેઈએ અને તેના પર કાર્ય કરવું જાેઈએ.

સર્વેના રિપોર્ટ અનુસાર, જ્યારે કર્મચારીઓને સીધું પૂછવામાં આવ્યું કે તેમના માટે સૌથી મહત્વપૂર્ણ શું છે, ત્યારે તેમની પ્રાથમિકતા પગારધોરણ હતી. ત્યારબાદ જ તેઓએ અન્ય લાભ, સુવિધાઓ, જીવનશૈલી, શીખવાની તક, કામની પસંદગી જેવી અન્ય બાબતોનો સમાવેશ કર્યો હતો.

આ ઉપરાંત એક ડેટા અનુસાર કંપની મેનેજમેન્ટની પણ સૌથી વધુ અસર કર્મચારી પર પડતી હોય છે. નોંધનીય છે કે રિપોર્ટના સર્વેક્ષણમાં ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન, અમેરિકા, યુકે, કેનેડા, ફ્રાન્સ અને જર્મની સહિત આઠ દેશોના ૧૧,૦૦૦ કર્મચારીઓને સામેલ કરવામાં આવ્યા હતા.

આ સર્વેમાં કર્મચારીઓએ ૨૦ થી વધુ વિવિધ જરૂરિયાતો વિશે માહિતી આપી હતી. આ સિવાય સર્વેમાં એવું કહેવામાં આવ્યું છે કે મેનેજર પ્રત્યે કર્મચારીઓમાં અસંતોષ છે, જેના કારણે કર્મચારીઓ નોકરી બદલવાનું વિચારી રહ્યા છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.